Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

નકલી બિયારણો અને રાસાયણિક દવાનાં વિક્રેતાઓ પર તવાઇ : પકડાશે તો સરકાર કડક હાથે લેશે કામ : આર.સી.ફળદુ

જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસમાં યોજાઇ મહાખેડુત શિબિર : ખેડુત અને શિક્ષક આ જગતમાં અદકેરૂ સ્થાન છે : મનસુખભાઇ માંડવીયા : ખેડૂતોનું ભવિષ્ય આવનાર દિવસોમાં ઉજ્જવળ હોવા માટે સહકારી માળખુ : સુદ્રઢ હોવું આવશ્યક : જયેશભાઇ રાદડિયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨ : જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આમ ત્રણ જિલ્લાનાં સહકારીક્ષેત્રનાં આગેવાનો, ખેડુતોની ઉપસ્થિતીમાં મહાકૃષિ શિબિર યોજાઇ હતી. કૃષિશિબિર અધ્યક્ષ અને ઉદઘાટક કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ કૃષિ શિબિરમાં ઉપસ્થિત ખેડુતોને સંબોધતા જણાવ્યુ હતુ કે ખેતીક્ષેત્રે યુગ બદલાયો છે ખેડુતો હવે વૈશ્વિક ખેતપધ્ધતિને અપનાવી આધુનિક વૈજ્ઞાનીકોના ભલામણ આધારીત ખેતી કરતા થયા છે. શિક્ષિત યુવાનો હવે પ્રથમ વ્યવસાય તરીકે ખેતીને પ્રાધાન્ય આપતા થયા છે. ગુણવત્ત્।ા યુકત પાક ઉત્પાદન કરી ગુજરાતનો ખેડુત સારા ભાવ મેળવી શકે તે દિશામાં ભારત સરકારે દરીયાઇ માર્ગે ખેત ઉત્પાદનોનાં નિકાસ માટે નિર્ણયો કર્યા છે. અટલબીહારી વાજપાય અને દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કૃષિહિતકારી નીતિઓની સરાહના કરતા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતનાં ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદિત માલને પુરતા ભાવ મળે અને ખેડુતની આવક બમણી થાય તે દિશામાં સરકાર કટીબધ્ધ છે. સૈારાષ્ટ્ર કાયમ જળસંકટનો સામનો કરતુ આવ્યુ છે ત્યારે સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન અને સૈાની યોજના દ્વારા સૈારાષ્ટ્રની ધરતીની તરસ છીપાવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે.

 

કૃષિ શિબીર દરમ્યાન જિલ્લા ધી જૂનાગઢ સહકારી બેંક દ્વારા સોલાર સંચાલીત મોબાઇલ બેંક શ્રી સરદાર રથને કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ લોકાર્પિત કરી જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરની સહકારી સંસ્થાઓ હોદેદારો માઈક્રો એટીએમ કાર્ડથી હરતા ફરતા મોબાઇલ બેંકીંગ રથની સવલતો મેળવી શકે તે માટે સહકારી સંસ્થાઓનાં પ્રતીનિધીશ્રીઓને માઈક્રો એટીએમકાર્ડ વિતરીત કરાયા હતા.મોબાઇલ રથનાં નિર્માતા મોવીશ મોટર્સનાં શ્રી સીકંદરભાઇનું મંત્રીશ્રીએ બહુમાન કર્યુ હતુ. આ તકે ચેસ સ્પર્ધામાં ખેલમહાકુંભ રમતમાં રાજયકક્ષાએ વિજેતા કુ. મિનાક્ષીબેન કેશવભાઇ નિમ્બાર્ક અને માત્ર આઠવર્ષની ઉમરે ગોલ્ફમાં રાષ્ટ્રીય વિજેતા અને આવનાર દિવસોમાં વિદેશની ધરતી પર ગોલ્ફ રમતમાં સહભાગી બનવા જનાર કુ. પલ શીંગાળાને મંત્રીશ્રી માંડવીયા, મંત્રીશ્રી રાદડીયા અને શ્રી આર.સી. ફળદુએ સન્માનીત કરી શુભકામના પાઠવી હતી.

આ શિબરીમાં ઉપસ્થિત ખેડુતોને સંબોધતા કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યુ હતુ કે ખેડુતોનાં પુર્વજો કોઠાસુઝથી ખેતી કરતા હતા.આજે દેશ અને દુનિયામાં ખેડુતો ગુણવત્ત્।ાયુકત પાક ઉત્પાદન કરી સારા ભાવ મેળવી શકે તે દિશામાં કૃષિ વૈજ્ઞાનીકોની ભલામણો અને સુધારેલ બીયારો અપનાવી ખેતી કરતા થયા છે. ગુજરાતનો ખેડુત પરિશ્રમી છે ત્યારે તેમનાં ઉત્પાદિત ખેતજણસનાં પુરતા ભાવ કેમ ના મળે એ એક સવાલ સૈાને સતાવતો હોય છે, પણ હવે સમય બદલાતો જાય છે, પ્રધાનમંત્રીશ્રીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશનાં ખેડુતોનાં ચહેરાપર ખુશી હોય અને તેમની ખેતીની આવક બમણી થાય તે દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે ખેડુતોએ હવે ઢાંચાગત ખેતપધ્ધતિને બદલે આધુનિક ખેતી અને ખપપુરતા રાસાયણિક દવા અને સોઇલ હેલ્થ કાર્ડમાં સુચવ્યા મુજબ જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી ખેતી કરે તે ઈચ્છનીય છે. મંત્રીશ્રી ફળદુએ નકલી બિયારણ અને નકલી રાસાયણિક દવાનું જો કોઇપણ જગ્યાએ વેચાણ થતુ જોવા મળશે અને વિક્રેતા પકડાશે તો તેમની સામે કડક હાથે કામ લેવાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જૂનાગઢ જિલ્લા પ્રભારી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યુ હતુ કે સહકારી માળખુ એ કૃષિતંત્રની કરોડરજ્જુ છે. ખેડુતોનું ભવિષ્ય આવનાર દિવસોમાં ઉજ્જવળ હોવા માટે સહકારી માળખુ સુદ્રઢ હોવુ આવશ્યક છે. ભારત સરકાર અને રાજય સરકાર સહકારીક્ષેત્રનાં વિકાસ માટે અનેકવિધ લાભપ્રદ નિર્ણયો કર્યા છે. આવનાર દિવસોમાં કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રો મુઠી ઉચેરા હશે લોકો ખેતીને હસતા હસતા સ્વીકારી આધુનિક ખેતપધ્ધતિ દ્વારા સારૂ પાક ઉત્પાદન મેળવતા હશે,

જૂનાગઢનાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ ખુડુત શિબિરનાં માધ્યમથી કૃષિ વૈજ્ઞાનિકો જે જ્ઞાન પીરસે તે તેમનાં ખેતરમાં અપનાવવા અનુરોધ કરી સૈા ખેડુતોને શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમનાં પ્રારંભે બેંકનાં અધ્યક્ષ શ્રી એલ.ટી.રાજાણીએ આમંત્રીતોને આવકારી કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. કાર્યક્રમનું આભાર દર્શન વાઈસ ચેરમેનશ્રી મનુભાઇ ખુંટીએ કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી સંજીવ મહેતાએ કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીરીટભાઇ પટેલ, મેયર સુશ્રી આદ્યશકતીબેન મજમુદાર,ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ, શ્રી ગોરધનભાઇ ઝડફીયા, શ્રી ઝવેરીભાઇ ઠકરાર, પુર્વ મંત્રીશ્રી શ્રી જશાભાઇ બારડ, શ્રી કનુભાઇ ભાલાળા, સહકારી અગ્રણીશ્રી ડોલરભાઇ કોટેચા, શ્રી દિનેશભાઇ ખટારીયા, શ્રી રામશીભાઇ ભેટારીયા, શ્રી પોપટભાઇ રામાણી,શ્રી લક્ષ્મણભાઇ યાદવ, શ્રી વલ્લભભાઇ ચોથાણી,જેઠાભાઇ પાનેરા, પુર્વ ધારાસભ્યશ્રી વંદનાબેન મકવાણા, શ્રી સામતભાઇ રાઠોડ, શ્રી અરવીંદભાઇ લાડાણી,શ્રી ગોવીંદભાઇ પરમાર, મહિલા સુરક્ષા સમિતીનાં ઉપાધ્યક્ષ સુશ્રી જયોતીબેન વાછાણી,જૂનાગઢ કૃષિ યુનિ.નાં વાઈસ ચાન્સેલર ડો. પાઠક, કૃષિ યુનિ.નાં કૃષિ વૈજ્ઞાનિકો, ત્રણેય જિલ્લામાંથી પધારેલ કૃષિકારો, સહકારી ક્ષેત્રનાં સભાસદો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)(૨૧.૨૭)

(3:26 pm IST)