Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

જસદણ-વિંછીયા પંથકના ૧૯ જળાશયો રામભરોસે !!

વરસો વરસની માગણી બાદ પણ ચોકીદારની નિમણૂંકમાં આંખ આડા થતા કાનથી પ્રજામાં રોષઃ ચોમાસામાં વારંવાર પ્રસરતી અફવાથી અનેક ગામના અસંખ્ય પરિવારોને ફફડાટનો કડવો અનુભવઃ સત્વરે યોગ્ય કરવુ જરૂરી, પંથકવાસીઓની લાગણી-માંગણી

 જસદણ તા. ર :.. જસદણ-વિંછીયા પંથકના નાની સિંચાઇ વિભાગ હસ્તકમાં આવેલા ૧૯ જળાશયોમાં વર્ષોથી એકપણ ચોકીદાર ન હોવાથી પ્રજા રામભરોસે છે.

આ અંગે પંથકવાસીઓમાં થતી ચર્ચાનુસાર હાલ ચોમાસામાં વરસાદનું પણ આગમન થયુ છે, વરસાદ કયારે અને કેટલો પડે તે નકકી નથી. ત્યારે જળાશયો પર ચોકીદારની હાજરી જરૂરી છે. સરકાર ચોમાસામાં કંટ્રોલ રૂમ ર૪ કલાક ખુલ્લા રહેવાની જાણ કરે છે. પણ જસદણ-વિંછીયા પંથકમાં ૧૯ જળાશયો ડેમોની સ્થિતી જાણવા માટે કેમ કોઇ કર્મચારીને ફરજ સોંપાણી નથી ?

જાગૃત નાગરીકો તો એમ પણ કહી રહ્યા છે કે વર્ષોથી એકપણ જળાશયોમાં ચોકીદારની ભરતી કરાઇ ન હોવાથી જળાશયોની સ્થિતિ જાણવા માટે તંત્રએ પણ બીજાની પાસે આધાર રાખવો પડી રહ્યો છે.!!

દરમિયાન સમાજિક કાર્યકર હિતેશ ગોંસાઇ ના કહયાનુસાર બંને તાલુકાના જળાશયો સો ટકા રીપેરીંગ થયા જ નથી.

વળી જળાશયોમાં ચોકીદાર ન હોવાથી ગ્રામ્ય પ્રજા ભયના ઓથાર હેઠળ દર ચોમાસાની સીઝનમાં હોય છે. ભુતકાળમાં બાખલવડ ગામનું તળાવ તૂટયું એવી અફવાઓ વચ્ચે કેટલાંય પરિવારોએ હીજરત પણ કરી હતી. ત્યારે નેતાઓએ તાલુકાના ૧૯ જળાશયોમાં ચોકીદાર મુકવા અંગે પણ પ્રજા વતી આગળ આવવુ જરૂરી બની જાય છે. (પ-૧૦)

(11:53 am IST)