Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

બીલખાના વેપારીની હત્યામાં બહાદુર લાલુ બુધવાર સુધીના રીમાન્ડ પર

હત્યા કરનારાએ અન્ય વેપારીઓને પણ દમદાટી મારેલ

જુનાગઢ તા.૨: બીલખાનાં વેપારીની હત્યામાં ઝડપાયેલ બહાદુર લાલુને ક્રાઇમ બ્રાંચે બુધવાર સુધીનાં રીમાન્ડ મેળવી આ શખ્સના અન્ય કરતુતોના મુળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.

બીલખામાં જલાનાથ કોમ્પલેક્ષ ખાતેની ખોડિયાર ટોબેકો નામની દુકાને જઇ બહાદુર સોમાતે રૂ. ૨૫૦૦ની ખંડણીની માંગણી કરી હતી.

પરંતુ વેપારી કલ્પેશભાઇ જસમતભાઇ રામોલીયાએ ખંડણી આપવાનો ઇન્કાર કરતાં બહાદુરે લોખંડનો સળિયો ફટકારી દેતા કલ્પેશભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

શનિવારની વેપારીની હત્યાની ઘટનામાં વેપારી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા.

વેપારીઓએ બંધ પાળીને હત્યારાને તત્કાળ પકડી પાડવા માંગ કરી હતી.

એસ.પી. નિલેશ જાજડીયાએ હત્યારાને ત્વરીત ઝડપી લેવા આદેશ કરી ક્રાઇમ બ્રાંચને તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. ગોહિલ તેમજ સ્ટાફનાં રોહિત ધાધલ વગેરેએ બહાદુરને ગઇકાલે અમરેલીના વડિયા ખાતેથી ઝડપી લીધો હતો.

તેમજ પોલીસે આરોપી ગામ નવા પીપળીયા અને મૃતક વેપારીના વતન બંધાળા ખાતે બહાદુરને લઇ જઇ ત્યાં સરઘસ કાઢી તેને સારો એવો મેથીપાક આપ્યો હતો.

ગઇકાલે સાંજે પી.આઇ. આર.કે. ગોહિલે હત્યારાને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે તા. ૬ જુલાઇ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

આ શખ્સે મૃતક ઉપરાંત અન્ય વેપારીને પણ દમદાટી મારી રોકડા તેમજ અન્ય માલ પાડવી લીધો હોવાનું બહાર આવેલ છે. વધુ તપાસ ક્રાઇમ બ્રાંચ ચલાવી રહી છે. (૧.૮)

 

(11:50 am IST)