Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વરવી વાસ્તવિકતા : વાવાઝોડાના 17 દિવસ બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ્ટ: સર્વે પણ નહીં !!

અંદાજે 1200 થી 1500ની વસ્તી ધરાવતુ ઉનાનું કાણકબરડા ગામ બાગાયતી ખેતી પર નિર્ભર: આંબાવાડીમાં 95 ટકા આંબા તેમજ નાળીયેરી સાફ

ઉના ગીરગઢડા પંથકમાં તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જયો હોય અને વાવાઝોડાના 17 દિવસ બાદ પણ ગ્રામ્ય વિસ્તારમાં અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે. અને પાણીની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા હોય અને મોટાભાગના ગામોમાં લોકોની દયનિય પરિસ્થિતીનો તાગ મેળવવા કોઇ ફરક્યુ ન હોવાનો વસવસો ગ્રામજનો કરી રહ્યા છે.

 તાલુકાના કાણકબરડા એ  તાલુકાનું નાનુ એવું અંદાજે 1200 થી 1500ની વસ્તી ધરાવતુ કાણકબરડા ગામ બાગાયતી ખેતી પર નિર્ભર છે. અને તાઉતે વાવાઝોડાએ બાગાયતી ખેતી પર વિનાશ સર્જયો હોય તેમ આંબાવાડીમાં 95 ટકા આંબા તેમજ નાળીયેરી સાફ થઇ ગયેલ છે.જ્યારે ગામની કોઇ વ્યક્તિના ચહેરા પર નૂર જોવા મળતુ ન હતું. બસ લોકોના મોઢા માંથી એકજ વાત નિકળતી કે કાંઇ બચ્યુ નથી.

 ખેડૂતો નામના રહ્યા ખેતી તો વાવાઝોડાએ પુરી કરી નાખી. અને દુઃખ સાથે ગ્રામજનો જણાવી રહ્યા હતા કે રાજકીય આગેવાનો થોડા સમય પહેલા ચુંટણી સમયે દિવસમાં ત્રણ-ત્રણ વાર આવતા અને બોલતા કાંઇ કામ હોય તો કહેજો પણ વાવાઝોડુ આવ્યુ તેને 17 દિવસ વિતી ગયા એક પણ રાજકીય આગેવાનના દર્શન ગામમાં થયા નથી. અને હવે આવે તો પણ અમને આશ્વાસન સીવાય કશું આપવાના નથી. કાણકબરડા ગામ બાગાયત ખેતી પર નિર્ભર હોય અને સરકારે જે સહાયની જાહેરાત કરી એ સહાયમાં અમારા આંબાના બગીચા પણ સાફ ન થાય હવે તો અમારે ટીફીન લઇને ક્યાંક નોકરી જવાના દિવસો આવી ગયા.

ગામમાં 17 દિવસથી લાઇટ નથી જેના કારણે જે હેરાનગતિ ગ્રામજનો વેઠી રહ્યા છે. તે અંગેની વાત કરતા પણ ગળગળા થઇ જતા હતા. અને વાત અધુરી મૂકીને કહેવા લાગેલ સરકાર તરફથી પાણીની પણ સગવડ કરી આપી નથી. એક સંસ્થાએ જનરેટર મોકલ્યુ તે જનરેટરમાં ગ્રામજનો ફાળો કરી ડિઝલ પુરાવી પાણીની વ્યવસ્થા કરી દિવસમાં ત્રણ ટાઇમ ન્હાતા હવે અમે ત્રણ દિવસે ન્હાઇ છીએ. આટલુ મોટુ બાગાયતી પાકનું નુકસાન થયું હોવા છતાં પણ હજુ સુધી બાગાયતી ખેતીનો સર્વે કરવા પણ કોઇ આવ્યુ નથી. ગામમાં જે લોકોએ સ્થળાંતર કર્યુ તેમને ફક્ત કેસડોલની સહાય ચુકવાય છે. બાકી ધરવખરીને નુકસાન થયું તેના ફોર્મ એક જગ્યાએ ભરાઇ ગયા પણ સહાય આવી નથી. ત્યારે કાણકબરડાના ગ્રામજનો દ્વારા બાગાયતી પાકને નુકસાન થયુ તેનો સર્વે થાય તો ખ્યાલ આવે કે હવે શું કરવું કારણ કે હવે ચોમાસુ પણ નજીક હોય વરસાદ થયા પછી ખેતરમાં શું કરવું ? તે મસમોટો સવાલ ધરતિપુત્રોને મુંઝવી રહ્યો છે.

 

કાણકબરડાના ખેડૂતોએ જણાવેલ કે અમારા આંબાની ડાળ પણ જો કોઇ ભુલથી કે જાણી જોઇને કાપી હોય તો માથાફુટ થાય પણ અહીયા તો વાવાઝોડાએ આંબાજ ઝડમૂળ માંથી કાઢી નાખ્યા તો હવે માથાફુટ પણ ક્યા અને કોની સાથે કરવા જવી.

 

કાણકબરડા ગામમાં 80 વર્ષના વૃધ્ધ સવિતાબેને જણાવ્યુ કે આટલી ઉમરમાં બહુ બધુ જોયુ પણ આવુ વાવાઝોડુ કુદરત કોઇને ન બતાવે અમને કોઇ પુછવા પણ નથી આવ્યુ લાઇટ નથી પાણી નથી હવે તમે આવ્યા છો તો લાઇટનું કાંઇક કરાવો તો સારૂ.

 

ઊનાના કાણકબરડા ગામના વૃધ્ધા રસીકબા પોતે એકલા નિરાધાર જીવન ગુજારે છે. તેવોએ જણાવેલ કે વાવાઝોડાના કારણે નળીયા તુટી જતાં ધરમાં ખાવા પુરતુ અનાજ હતુ તે પણ પલડી ગયુ છે. તેમ છતાં કોઇ સહાય દેવા આવ્યા નથી. ઉપરથી પૈસા આવે છે તો પણ સહાય નથી દેવા આવતા

 ગામમાં રહેતા રેખાબેનએ જણાવેલ કે વાવાઝોડુ આવતા મકાનના નળીયા ઉડવા લાગેલ અને વરસાદનું પાણી ધરમાં પડતા બાજરો, ધઉં પલડી ગયુ હતું. અને અમારા અને બાળકોના જીવ જોખમમાં હતો તેથી બાજુ વાળાના મકાનમાં ચાલ્યા ગયા હતા. અત્યારે અમારી પરિસ્થિતી ખરાબ થઇ ગઇ છે. અનાજ નથી. હજુ સુધી સહાય પણ મળી નથી.

કાણકબરડા ગામે રહેતા નારણભાઇ ચનાભાઇ રબારી કાચા નળીયા વાળા મકાનના નળીયા વાવાઝોડાથી ઉડવા લાગતા ધરની બહાર નિકળી બાજુમાં આવેલ માતાજીના મઢમાં ચાલ્યા ગયા હતા. અને થોડીક વારમાં મકાનની દિવાલ પણ પડી ગઇ હતી. અને જો અમે ધરમાં રહ્યા હોત તો બધા સભ્યો દટાય જાત અને માતાજીના મઢમાં આખી રાત પલડીને રાત વિતાવી હતી. ધરમાં તો બધીજ ચિજવસ્તુઓ પલડી જતાં બહુ નુકસાન થયુ છે. હજી સુધી સહાય દેવા માટે કોઇ આવ્યુ નથી.

(11:40 pm IST)