Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મોરબીની પ્રજાના વર્ષે ત્રણ કરોડ રૂપિયા કચરામાં! પાલિકાનો અધધ ખર્ચ છતાં ગંદકી ઠેરની ઠેર

ખાનગી એજન્સી ડોર ટુ ડોર કચરો લેવા જાય કે ન જાય પાલિકા દરરોજ ચૂકવે છે મિલ્કત દીઠ 1 રૂપિયોને પાંચ પૈસા: શહેરના 78,087 ઘર, દુકાન, કોમ્પ્લેક્સમાંથી કચરો એકત્રિત કરવા વર્ષે રૂ. 2.99 કરોડનું કરાતું આંધણ : ખાનગી કોન્ટ્રાક્ટરને ચાંદી-ચાંદી

મોરબી : સિરામિક હબ ગણાતા મોરબીને અને સ્વચ્છતાને બાર ગાઉનું છેટું હોવા છતાં નગરપાલિકા દ્વારા આપણું મોરબી સ્વચ્છ મોરબી સૂત્ર આપવામાં આવ્યું છે પરંતુ માત્ર કાગળ ઉપર રહેલા આ સૂત્રને સાર્થક કરવા મોરબી નગરપાલિકા વર્ષે દહાડે 2.99 કરોડ રૂપિયાનું આંધણ ફક્ત ને ફક્ત ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવા પાછળ કરી રહ્યું છે. જો કે, આમ છતાં મોરબીના મોટાભાગના વિસ્તારમાં ગંદકી યથાવત જ હોય મહિને મોરબી પાલિકાના 24.60 લાખ કચરામાં નાખી રહી હોવાનું અને તેનો સીધો જ ફાયદો પાલિકાના કોન્ટ્રાક્ટરને મળી રહ્યો છે.
મોરબી તાલુકો મટીને જિલ્લો થયા બાદ આશરે સાતેક વર્ષના સમયગાળામાં મોરબીનો વસ્તી વ્યાપ અનેક ગણો વધી ગયો છે અને હાલામા શહેરની વસ્તી ચારેક લાખને આંબી ગઈ છે. આમ છતાં એક મોટા ગામડા સમાન મોરબી શહેરમાં નગરપાલિકા સારી સુવિધા આપવી તો ઠીક દૈનિક સફાઈ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં અસરકારક કામગીરી કરી શક્યું નથી. ઉલટું આયોજન વગરની કામગીરીને લઇ મોરબીમાં ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવાની કામગીરી કરનાર કોન્ટ્રાકટરને ઘી-કેળા થઇ ગયા છે.
અન્ય મહાનગરોથી તદ્દન વિપરીત સ્થિતિમાં ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરી ભીના-સૂકા કચરાને અલગ તારવી વજન મુજબ નાણાં ચુકવવાને બદલે મોરબી નગરપાલિકા દ્વારા ‘કોના બાપની દિવાળી’ જેવી નીતિ અપનાવી કોન્ટ્રાક્ટરને દરરોજ ઘર, દુકાન, કોમર્શિયલ કોમ્પ્લેક્સ જેવી નોંધાયેલી મિલ્કત દીઠ દૈનિક પ્રતિ મિલ્કત રૂપિયા 1.05 પૈસા લેખે ચુકવણું કરવામાં આવે છે. મોરબીમાં હાલ કુલ 78087 મિલ્કત નોંધાયેલી છે. તે જોતા પાલિકા દરરોજના રૂપિયા 81991 લેખે મહિને 24.59 લાખ અને વર્ષના 365 દિવસનો હિસાબ કરવામાં આવે તો 2.99 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે છતાં પણ મોરબીમાં ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબી નગર પાલિકા દ્વારા જે તે વિસ્તારમાંથી ઘેર-ઘેરથી દૈનિક નિયમિતરૂપે કચરો એકત્રિત થાય છે કે નહીં તેનું કોઈ જ ક્રોસ વેરિફિકેશન થતું નથી. ઉપરાંત, આંશિક લોકડાઉનને કારણે મોટાભાગની બજારો બંધ હોવા છતાં કચરો એકત્રિત થાય કે ન થાય દરરોજ કોન્ટ્રાક્ટરને 78087 મિલ્કતો મુજબ મહિને 24થી 25 લાખ રૂપિયા કચરામાં નાખવામાં આવી રહ્યા છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો એકત્રિત કરી ડમ્પિંગ યાર્ડ સુધી પહોંચાડવાનો કોન્ટ્રાકટ અમદાવાદની શ્રીજી એજન્સી નામની પેઢીને આપ્યો છે અને આ પેઢીને નગરપાલિકા 27 ટીપરવાન એટલે કે છોટા હાથી પણ ભાડેથી આપ્યા છે. જે દરેક ગાડીના કોન્ટ્રાકટર 5 હજાર લેખે નગરપાલિકાને ભાડું ચૂકવે છે. આ ઉપરાંત, કોન્ટ્રાકટરે 4 ટ્રેકટર પણ ભાડેથી રાખી કચરા ઉપાડવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ એકંદરે ડોર-ટુ-ડોર કચરો એકત્રિત કરવામાં લાલીયાવાડી ચાલતી હોય દરવર્ષે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે

(6:57 pm IST)