Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર દ્વારા 3 કરોડનાં દાનનો ચેક કચ્છી લેવા પટેલ સમાજને અર્પણ કરાયો

કચ્છમાં “સંજીવની” ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હૉસ્પિટલ)ને અર્પણ

કચ્છમાં “સંજીવની” ઓક્સિજનના ત્રણ મેડિકલ યુનિટ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હૉસ્પિટલ)ને અર્પણ કરવામાં આવ્યા છે. જે અગામી એક માસ પછી ક્રમશ: શરુ થશે. આ યુનિટ સિલિન્ડર ભરી શકશે અને હૉસ્પિટલના આઈ.સી.યુ.(ICU)ને પૂરતો ઑક્સિજન પૂરો પાડી શકાશે.

કચ્છી લેવા પટેલ સમાજે કોવિડ સારવાર માટે હાલ મહાઅભિયાન છેડ્યું છે. ગામેગામ જઈ દર્દીઓને અલગ તારવ્યા છે. આ કાર્ય જોઈ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને કચ્છીઓના જીવ બચાવવા માટે સાથ આપ્યો હોવાનું સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયાએ જણાવ્યું હતું.

આ સંસ્થાન દ્વારા અગાઉ જિલ્લાની પ્રથમ સુપરસ્પેશિયાલીટી હૉસ્પિટલ માટે ૨.૫ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. જયારે ૨૦૧૦માં વચ્ચે લેવા પટેલ હોસ્પિટલની નવી વિગમાં ૭૫ લાખ રૂપિયાના ખર્ચે આઈ.સી.યુ. બનાવી આપ્યું હતું. તેમાં અત્યાર સુધી પાંચ હજાર લોકોના જીવ બચ્યા છે. સમાજના શિક્ષણ પ્રકલ્પમાં પણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને સાથ આપ્યો છે. તો માંડવી લેવા પટેલ સમાજની જમીન દાન આપવામાં આ સંસ્થાનના આચાર્ય પરમ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા રહી હતી.

 

આ સંસ્થાન હંમેશા મોટી સેવાઓ કરતી આવી છે ત્યારે આફ્રિકા, યુ.કે., અખાતી દેશો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ગુજરાતના સત્સંગમાં સંસ્થાન પ્રત્યે અહોભાવ છે. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ પોતાના આચાર્ય પદે કચ્છમાં મોટી સેવા કરી છે. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, સજ્જનનું પરસ્પર મિલન એ કોઈપણ મહાપુણ્યના પરિપાકરૂપે શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી જ થાય છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શરૂઆતમાં નાઈરોબી ખાતે વીસ હજાર સીલિંગનું દાન “ગાંધી મેમોરિયલ કોલેજ” માટે ભારતીય એમ્બેસેડર શ્રી આપા સાહેબ પંતને અર્પણ કરાયું હતું. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણતુલા વખતે સમાજમાંથી જે ધન પ્રાપ્ત થયેલ તે ધન સમાજ માટે અર્પણ કર્યું હતું.

કોરોના દર્દીઓ માટે એમ.એમ.પી.જે. કોવિડ હોસ્પિટલને “સંજીવની” ઓક્સિજન યુનિટ અર્પણ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સમાજ કોને કહેવાય તો જે સ્નેહ, સહકાર, સૌરભની સુવાસ ફેલાવે તે છે. અત્યારે કોરોનાની મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે તેની પડખે ઉભા રેહવું તે છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન,અમદાવાદ રાજ્યની પ્રગતિશીલ ધાર્મિક સંસ્થા છે. દેશ વિદેશમાં સેંકડો મંદિરો સાથે લોકોત્થાનની પ્રવૃતિઓમાં આ સંસ્થાન અગ્રિમ છે. આ સંસ્થાનની સ્થાપના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કરી હતી. તેમના ધર્મવારસ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજીને “વેદરત્ન” સહિતની અનેક પદવીઓથી નવાજાયા હતા. સંગીત, શિક્ષણ, કૌશલ્ય શિક્ષણમાં મોટું પ્રદાન આપનાર આ સંસ્થાન આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક સેવાઓ કરે છે.

જિલ્લામાં કોઈપણ ધાર્મિક સંસ્થાએ કોરોના રાહત માટે આટલું મહાયોગદાન આપ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ સંદભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની સ્મૃતિમાં તેઓશ્રીના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ, વરિષ્ઠ સંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સ્વસિદ્ધચરણદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, સંત શિરોમણી શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે આ મહાકાર્યના સંકલન કર્તા ગાદી સંસ્થાનના મેનેજિંગ ટ્રસ્ટી જાદવજીભાઈ વેલજી વરસાણી, સમર્પિત વરિષ્ઠ સત્સંગી કીર્તિભાઇ વરસાણી, હરિવદનભાઈ જેસાણી, રવજી મૂરજી તથા ગામોગામના સિદ્ધાંત સજીવન મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, કારોબારી સમિતિ સૌ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટના ઈન્સ્ટોલેશન ઓક્સિજન બોટલ ભુજમાં ભરી શકાશે અને એમ. એમ.પી.જે. હૉસ્પિટલના આઈ.સી.યુ. ના ઉપયોગમાં આવશે

(6:52 pm IST)