Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જન્મદિવસનાં દિને અકસ્માતમાં ભોજદેના વિપ્ર યુવાનનાં મોતથી પરિવારનું આક્રંદ

બાઇકને કારની ઠોકરથી મૃતકનાં પત્ની અને પુત્રને ગંભીર ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર : તાલાલાના ભોજદે ગામનાં વિપ્ર યુવાનનો જન્મ દિવસ જ મરણ દિન બની રહેતા પરિવારમાં આક્રંદ છવાયા ગયું હતું.

 

તાલાલા નજીક ગામનાં વતની અને લુશાળા-ગીર તથા ધાવા-ગીરનાં તલાટી કમ મંત્રી રવિભાઇ બાલકૃષ્ણ દવે (ઉ.વ.૩પ) નામનાં વિપ્ર યુવાનનો જન્મદિવસ હોય તાલાલા ખાતે રહેતા તેમના સસરા કૃષ્ણપ્રસાદ મહેતાને ત્યાં જમવા ગયા હતા.

રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ તલાટી મંત્રી રવિ દવે તેમજ તેમનાં પત્ની દર્શનાબેન (ઉ.વ.ર૮) અને પુત્ર કુશલ (ઉ.વ.૧૧) મોટર સાયકલ પર ભોજદે ગામ પરત થઇ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તાલાલાથી છ કિ.મી. દૂર સાસણ રોડ પર એક હોટેલ નજીક પૂરપાટ ઝડપે આવેલી જીજે-૩ર-પ૧ર૧ નંબરની કારનાં ચાલકે બાઇકને ઠોકર મારતાં બાઇક ફંગોળાઇ ગઇ હતી.

આ સર્જાયેલા અકસ્માતમાં રવિભાઇનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મૃત્યુ નિપજય હતું અને તેમના પત્ની અને પુત્રને ગંભીર ઇજા થતા બંનેને વેરાવળ ખાતે વિશેષ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે ભરતભાઇ દવેએ ફરીયાદ નોંધાવતા તાલાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

મૃતક વિપ્ર યુવાન તેમના પરિવારમાં બે ભાઇમાં એક હતા. આશાસ્પદ યુવાન રવિભાઇના અવસાનથી ભોજદે, લુશાળા અને ધાવા-ગીર ગામે બંધ પાળી સદગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(1:36 pm IST)