Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ધોરાજીમાં કોરોના મહામારીના સમયમાં બે વર્ષથી ૩૦ જેટલા વેપારી એસોસીએશન બેકારીમાં ધકેલાયા

શહેર અને તાલુકામાં મીઠાઇ, ફરસાણ, મંડપ, કેટરીંગ, કાપડ, રેડીમેટ, દરજી, ઇલેકટ્રીક, નાના લારી ગલ્લાવાળા વિગેરે અમદાવાદીઓ ઓકિસજન હેઠળ ચાલી રહ્યા છે : વિશ્વકર્મા સમાજના કાર્યકરોને દર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે તેવી માંગણી : આત્મનિર્ભર થવા માટે વેપારીઓને કોઇ અવકાશ નથી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨ : ધોરાજી છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના સમયમાં સપડાઇ ગયું છે ત્યારે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના નેજા હેઠળ ૩૦ જેટલા વેપારી એસોસીએશન આવેલા છે પરંતુ કોરોના મહામારીના સમયમાં આ તમામ ધંધાર્થીઓ વેપારીઓ નાના ધંધા વાળાઓ આત્મનિર્ભર થવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે

કપરા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોણ રાહત આપશે તે પણ એક સવાલ ઉભો થયો છે.....?

આ બાબતે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરાએ જણાવેલ કે અમારા ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના નેજા હેઠળ ૩૦ જેટલા વેપારી એસોસીએશન આવેલા છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના સમયમાં આર્થિક બાબતમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે કારણકે સમગ્ર દેશ અને વિશ્વની અંદર કોરોના ભરડો લીધો છે ત્યારે રાજકોટ જિલ્લામાં સૌથી વધારે કેસ ધોરાજી શહેર અને તાલુકામાં જોવા મળી રહ્યા છે આવા સમયે ધોરાજી શહેરના અનેક પરિવારો કોરોના મહામારીના ભરડામાં પણ આવી ગયા છે અને ધંધા વિહોણા થઈ ગયા છે આ સમયમાં રાજય સરકારની લોકડાઉન તેમજ લગ્ન પ્રસંગોની પાબંધીને કારણે અનેક વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

એક બાબત જોઈએ તો લગ્ન સમારંભ બંધ રહેવાને કારણે લગ્ન સમારંભની સાથે સાથે ૩૦ જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલી છે જેમાં પ્રથમ દ્રષ્ટિએ ગોર મહારાજ બ્રાહ્મણો તેમજ કેટરીંગનો ધંધો કરનાર મંડપ સર્વિસ ઇલેકટ્રોનિક વિભાગ પ્રિન્ટિંગ કંકોત્રી કરનાર પેન્ટિંગ પ્રેસ બ્યુટી પાર્લર તેમજ હેર સલૂન મીઠાઈ ફરસાણના વેપારીઓ કાપડના ધંધાર્થીઓ રેડીમેડના ધંધાર્થીઓ ટ્રાવેલિંગ ટ્રાવેલ્સ ધંધાર્થીઓ આમ જોઈએ તો ૩૦ જેટલા વેપારીઓ માત્ર લગ્ન સંબંધે જોડાયેલા છે છેલ્લા બે વર્ષથી લગ્ન સમારંભ બંધ હોવાને કારણે આ તમામ વેપારીઓ આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે એટલું જ નહીં જેઓની લોન ચાલે છે તેમના હપ્તા ભરવા પણ મુશ્કેલ વેપારીઓ માટે થઈ ગયા છે ત્યારે ધોરાજી શહેર અને તાલુકાની હાલત કફોડી જોવા મળી રહી છે

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ વિશ્વકર્મા કારીગર વર્ગ વિષે જણાવેલ કે સમગ્ર ભારતની અંદર કોરોના મહામારી ના કારણે વિશ્વકર્મા સમાજ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે જે બાબતે જોઈએ તો વિશ્વકર્માના સંતાનોમાં લુહાર સુથાર કડિયા કુંભાર સોની કંસારા જે નાના ધંધા અને ઉદ્યોગ ધરાવે છે તેઓ છેલ્લા બે વર્ષથી બાંધકામ ક્ષેત્રે મંદી હોય કોરોના મહામારીના સમયમાં બાંધકામ બંધ હોય જેના કારણે આ તમામ કારીગર વર્ગ પોતાની રોજીરોટી કમાવવામાં પણ નિષ્ફળ નીવડ્યો છે અને આ બાબતે વ્યાજના ચક્કરમાં અનેક પરિવારો આવી ગયા છે એટલું જ નહીં તેમના સંતાનોને ભણાવવા બાબતમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. બેંકમાં લોન મળતી નથી તેમજ રાજય સરકારની બક્ષીપંચ યોજનાની લોનમાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે આવા સમયે જે પ્રકારે કેન્દ્ર સરકાર ખેડૂતોને દર મહિને બે હજાર રૂપિયા આપે છે તે પ્રકારે વિશ્વકર્મા સમાજના કાર્યકરોને હાલના કોરોના મહામારી ના સમયમાંથી બહાર નીકળવા બાબતે સરકાર આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી માગણી કરી છે અને દરેક કારીગર વર્ગના બેંક ખાતામાં દર મહિને જે પ્રકારે ખેડૂતોને સહાય અપાઈ રહી છે એ પ્રકારે રૂપિયા ૨૦૦૦ કારીગર વર્ગને આપવામાં આવે તો ખરા અર્થમાં કારીગર આત્મનિર્ભર બની શકે અને આ તમામ કારીગર વર્ગ આર્થિક રીતે પગભર થવા માટે વ્યાજ વગરની લોન આપવામાં આવે તે બાબતે સરકારે વિચાર કરવો જોઈએ.

રેડીમેટ કાપડના ધંધાર્થીઓ બેકાર બની ગયા છે

રેડીમેટ એસોસિએશનના અગ્રણી બીપીનભાઈ મકવાણા એ પોતાનો વિચાર રજુ કરતા જણાવેલ કે છેલ્લા બે વર્ષથી લગ્ન સમારંભ તેમજ તમામ તહેવારો બંધ હોવાને કારણે રેડીમેડ ધંધામાં ઘણી બધી મુશ્કેલી આવી ગઈ છે રેડીમેટ વેપારીઓ જે પ્રકારની ધંધો કરતા હતા તે પ્રકારે હાલમાં ૧૦% પણ ધંધો નથી જેથી કરીને રેડીમેટ અને કાપડના ધંધાર્થીઓને આર્થિક મુશ્કેલી ભોગવવી પડી છે જે કહી શકાય તેવી નથી.

કેટરિંગ ધંધામાં મોટાભાગના પરિવારો મુશ્કેલીમાં

ધોરાજી કેટરસનો ધંધો કરતા ભાવેશભાઈ પઢીયાર રાજ કેટરસ જેમણે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી રાજય સરકારની લગ્ન સમારંભની પાબંધી હોવાને કારણે પાર્ટી પ્લોટમાં કે જાહેરમાં મોટા સમારોહ નથી થતા જેના કારણે કેટરસ નો ધંધો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જે બે વર્ષથી કેટરિંગનો ધંધો કરતાં તમામ કેટરસ વાળા ઓએ પોતાનો માલ સામાનનો વ્યાજ નો ખર્ચો પણ નીકળતો નથી તેમ જ તેમનો સાથે જે મોટો પ્રકારનો ગરીબ વર્ગ કેટરીંગમાં જોડાયેલો છે તેઓની પણ હાલત ધંધા-રોજગાર વગર ફકોડી છે તેમને કોઈપણ જાતની સરકારની આર્થિક સહાય મળતી નથી અને તેઓ પગભર થવા માટે અન્ય જગ્યાએ જઈ શકતા નથી જેથી તેઓની હાલત વધારે ખરાબ છે

હોટલ ખાણીપીણીના ધંધાર્થીઓ મુશ્કેલીમાં

હોટલ ખાણીપીણી વિભાગ માંથી જસ્મીન ભાઈ પટેલ અને રાજુભાઈ પઢીયાર એ સંયુકત રીતે જણાવેલ કે છેલ્લા બે વર્ષથી લોકડાઉન અને કર્ફયુને કારણે હોટલ તેમજ ખાણીપીણીની વિભાગમાં મોટી મુશ્કેલી આવી છે કારણ કે હોટલ લોકડાઉન અને કર્ફયુ ના કારણે ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે અને જેમના સ્ટાફને પગાર આપવો પડે છે તેમજ નેપાળી લોકો પણ મોટા પગાર માં રાખેલા હોય તેમાં તેઓને પણ હાલમાં તેમના વતન જવા માટે ફરજ પાડી છે આમ જોઈએ તો હોટલ માં જમવા માટે લોકો વિચાર કરે છે કારણ કે બજેટ પણ મુશ્કેલીમાં છે ત્યારે હોટલની અંદર લોકો જમવા પણ જતા નથી જેના કારણે ધોરાજી શહેરમાં હોટેલ સંચાલકો અને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

જયારે ભેળપૂરી પાંઉભાજી ગાંઠીયા ભજિયા જે પ્રકારની લારીઓ અને દુકાનો ધોરાજીમાં છે તેમને પણ કોરોના મહામારીના સમયમાં મુશ્કેલી અનુભવવી પડી છે કારણકે હાલમાં કોરોનાનો ડર છે એટલે લોકો જાહેરમાં આવતા નથી એટલે જાહેરમાં નાસ્તો પણ કરતા નથી જેના કારણે બે વર્ષથી લારી-ગલ્લાવાળાઓએ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ગૃહ ઉદ્યોગ બંધ હોવાથી મહિલાઓ પગભર થઇ શકતી નથી....?

મહિલા અગ્રણી મુકતાબેન વઘાસિયા તેમજ સ્મિતાબેન રાઠોડ એ સંયુકત યાદીમાં જણાવેલ કે ગૃહ ઉદ્યોગ બંધ હોવાને કારણે મહિલાઓ પગભર થઈ શકતી નથી જે બાબતે પોતાની વ્યથા ઠાલવતા મહિલાઓએ જણાવેલ કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના સમયમાં મહિલાઓ જે પ્રકારે ઘરે ભરતકામ છાપકામ દરજીકામ રેડીમેટ કપડા વેચવાનું કામ વિગેરે ઘરે જે પ્રકારે મહિલાઓ કામ કરતી હતી અને પોતાનો ઘરનો ખર્ચ ઉપાડી લેતી હતી તે કોરોના મહામારીના સમયમાં ગૃહ ઉદ્યોગ બંધ હોવાને કારણે મહિલાઓ પણ આર્થિક સંકડામણમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે

મનોરંજનના તમામ કાર્યક્રમો બંધ

કોરોના મહામારીના સમયમાં ધોરાજીમાં એકમાત્ર સિનેમા ઘર છે બ્લુ સ્ટાર સિનેમા જે છેલ્લા બે વર્ષથી સરકારની બદીઓ ને કારણે બંધ છે અને શરૂ થયા ત્યારે પણ લોકો સિનેમા ઘરોમાં જોવા જતા ડરી રહ્યા છે જેથી તેમને આર્થિક બાબતની મુશ્કેલી અનુભવી રહ્યા છે આ બાબતે રાજય સરકારે પણ તમામ પ્રકારના મનોરંજન કર તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ તો જ સિનેમા ઘરો નાટક ગ્રહો તેમજ વિવિધ મનોરંજનના સરકારે સાધનો હોય છે બે ફરીથી કાર્યરત થાય તો આ ઉદ્યોગ પાછો સમાજ વચ્ચે ઊભો રહી શકે તેમ છે.

(1:34 pm IST)