Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

વડિયાના દેવગામમાં વિજ કોન્ટ્રાકટર ઉપર ૮ શખ્સોનો હુમલોઃ કારનો ભુકકો બોલાવ્યોઃ બંદુક બતાવીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર : વડિયા તાલુકાના દેવગામમાં વિજપોલ ઉભા કરી રહેલા પીજીવીસીએલના લેબર કોન્ટ્રાકટર ઉપર દેવગામનાં ૮ શખ્સોએ હુમલો કરી તેની બ્રેઝા કારને ભાંગીને ભુકો કરી નાખી હતી અને બંદુક બતાવી પતાવી દેવાની ધમકી આપતા તમામ સામે વડિયા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે.

ભેંસાણ ગામમા રહેતા અને પીજીવીસીએલનાં લેબર કોન્ટ્રાકટર અતુલભાઇ કરશનભાઇ કોદાળાએ વાડીઓમાં પડી ગયેલા પોલ ઉભા કરવાની કામગીરી મજુરો સાથે કરી રહેલ હોય અને તેનો માલ સામાન દેવગામમાં રાણાભાઇ લાવડીયાનાં મકાનમાં વાડામાં રાખેલ હોય ત્યારે હિંમતભાઇ નાગદાનભાઇ ખાટરીયા અને પ્રવિણભાઇ દેહાભાઇ ખાટરીયા તથા છ શખ્સોએ ધારીયા, લાકડી, પાઇપ જેવા હથિયારો સાથે આવી અમારી વાડી ખેતરની રાંદલ ફીડર વાળી લાઇનનું રીપેરીંગ કરો તેમ કહેતા અતુલભાઇએ તેમને વાસાવડ કચેરીમાં જવાનું કહેતાં આઠેય ગાળો આપી કાર ઉપર હુમલો કરતા અતુલભાઇ જીવ બચાવવા માટે તેના સામાનના ડેલામાં જતા રહેલ તે ડેલાની વંડી ઉપર ચડી પ્રવિણભાઇ ખાટરીયાએ બાર બોરની બંદુક બતાવી અને પતાવી દયો તેમ કહેતા ટોળાએ તેની કારનો કચ્ચરઘાણ વાળી દીધો હતો.

દેવગામના સરપંચ વિનુભાઇએ આ આઠેયને સમજાવતા તે અતુલભાઇને ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ અંગે રાત્રે અતુલભાઇએ વડિયા પોલીસમાં આંઠેય શખ્સોની સામે રાયોટીંગ અને હુમલો તથા ધમકીની ફરીયાદ નોંધાવી છે.

(1:33 pm IST)