Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મારા કે મારા પરિવારના નામે માત્ર આ એક જ ફલેટ છે એ સિવાય કોઇ ફલેટ - મકાન નથી : જામનગર મેયર બીનાબેન કોઠારી

આવાસ યોજનામાં અગાઉ લાગેલા ફલેટને લઇને વિવાદ : હોદ્દો છોડવા વિપક્ષ કોંગ્રેસની માંગણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨ : જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી આવાસ યોજનામાં અગાઉ લાગેલા ફલેટને લઈને વિવાદમાં આવ્યા છે. મેયર બીનાબેન કોઠારી જામનગરના સત્યમ કોલોની રોડ પર આવેલ એલ.આઈ.જી ૨ આવાસ યોજના માં એક ફલેટ ધરાવે છે. આ આવાસ યોજનાનો ફલેટ છેલ્લા કેટલાય વર્ષથી બંધ પડ્યું છે અને મેયર બીનાબેન કોઠારી પરિવાર સાથે પંચવટી વિસ્તારમાં રહે છે જેને લઇને કોંગ્રેસે પણ આ મુદ્દે મેયર ઓફિસ બહાર દેખાવો કરી અને વિરોધ વ્યકત કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી આવાસ યોજનામાં અગાઉ લાગેલા ફલેટ ને લઈને વિવાદમાં આવ્યા છે. શહેરી ગરીબોને મળવો જોઈતો ફલેટ પોતે વર્ષોથી મેળવી લઇ અને તાળું મારીને રાખી દીધાનું સામે આવ્યું છે, મુખ્યમંત્રી આવાસ યોજનાનો ફલેટ લઇ અને મેયર તેમાં રહેવાને બદલે પોતે હાલ જામનગરના પોષ વિસ્તાર એવા પંચવટી વિસ્તારમાં આવેલ મકાનમાં પરિવાર સાથે વસવાટ કરે છે.

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર અને હાલના મહિલા મેયર બીનાબેન કોઠારીનું હાલનું રહેઠાણ શહેરના સૌથી પોષ માનવામાં આવતા અંબાવિજય સોસાયટી, પંચવટી વિસ્તારમાં આવેલ છે. જયાં હાલ મેયર વસવાટ કરે છે, આ તો થઇ એક મકાનની વાત હવે અન્ય મકાનની વાત કરીએ તો જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર આવેલ મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના છે. જેની એ વીંગમાં આવેલ ૩૦૨ નંબરનો ફલેટ છે. જે પણ મેયર બીનાબેન કોઠારીના નામનો જ છે.આ મામલો સામે આવ્યો છે કે, વર્ષોથી આ ફલેટ બંધ છે અને ગરીબોને બદલે મેયર આ ફલેટ લઇને પોતે નથી ઉપયોગ કરતા કે નથી બીજાને ઉપયોગ થવા દેતા.

જામનગરના મેયર બીનાબેન કોઠારીએ આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, મારા કે મારા પરિવારના નામે માત્ર આ એક જ ફલેટ છે એ સિવાય અમારા નામે કોઈ ફલેટ કે મકાન નથી. મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ સત્યમ કોલોની જેવા મેઈન રોડ વિસ્તારમાં આવેલા ન્ત્ઞ્-૨ હેઠળ આ આવાસ વર્ષ ૨૦૧૫ માં બન્યા હતા, જેમાં કુટુંબની આવક ૧ થી અઢી લાખ હોય તેને આ મકાનો મળવા યોગ્ય હતા અને આ યોજનામાં જે તે સમયે કોર્પોરેટર અને હાલ મેયર બીનાબેન કોઠારીને પણ ડ્રો દરમિયાન મકાન લાગ્યું હતું. પણ તેમાં તે રહેવા ગયા નથી, માની લઈએ કે, મેયર સાચા છે. તો પણ આવાસ યોજનાનો મતલબ ઘરવિહોણા તેમજ ઓછી આવક ધરાવતા લોકોને રાહતદરે મકાન મળી રહે તે છે. પરંતુ આ કિસ્સામાં મેયરને પોતાના પરીવારની સંયુકત મકાન હોવા છતાં પણ પોતે સારા અને પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં પોતાનો ફલેટ લઇ ને રાખી દીધો છે, ખરેખર જો તેના કરતા અહીં બંધ રાખેલ ફલેટ જરૂરિયાતવાળા હોય તેને મળ્યો હોય તો કોઈને ખરા અર્થમાં સરકારી આવાસની યોજના ઉપયોગી થઈ હોત. આ મુદ્દાને લઈને વિપક્ષ અને કોંગ્રેસે પણ મેયરની ચેમ્બર બહાર પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી મેયરને હોદ્દો છોડવા ની માંગણી કરી રહ્યા છે.

જામનગરમાં હાલ મેયરના મકાનના મુદ્દે વિપક્ષ અને કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. અને આ સમગ્ર મુદ્દે શહેરી વિકાસ વિભાગ તેમજ ગૃહમાં પત્ર લખી આ મુદ્દે આવાસ માં પડેલા બંધ ફલેટ ને પરત કરે અથવા તો મેયર નૈતિકતાના ધોરણે રાજીનામું આપે તેવી માગણી કોંગ્રેસે કરતાં રાજકારણ ગરમાયું છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:25 pm IST)