Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ૫૧ શિક્ષણ સહાયકો જિલ્લાની શિક્ષણ સેવામાં જોડાયા

સુરેન્દ્રનગર તા. ૨ : સમગ્ર રાજયમાં ૨૯૩૮ નવનિયુકત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવાનો વર્ચ્યુઅલ કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરથી યોજાયો હતો. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લાની બિનસરકારી અને અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના ૫૧ શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીના વરદહસ્તે ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવનો સમગ્ર ભરતી પ્રક્રિયા ફેસલેસ, પેપર લેસ બનાવી સમાજને નવા શિક્ષણ સહાયકો આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. આ તકે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડે નિમણૂક પામેલ ઉમેદવારોનું પ્રોત્સાહન વધારતા જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનું ભાવિ ભવિષ્ય ત્યાંના શિક્ષકોના હાથમાં હોય છે. કોઈ પણ વિદ્યાર્થી ભણવામાં પછાત હોતો નથી, પરંતુ દરેક વિદ્યાર્થીની ખૂબીઓ અલગ હોય છે, અને શિક્ષકનું કામ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી તે ખૂબીઓ બહાર લાવી તેમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું. વધુમાં તેમણે, નિવનિયુકત શિક્ષણ સહાયકોને જે પણ વિસ્તારની શાળાઓમાં જાઓ, ત્યાં સાક્ષરતા ફેલાવવા સાથે દેશના ભાવિ ભવિષ્યને અન્ય વિષયોના જ્ઞાન સાથે સચોટ માર્ગદર્શન આપી યોગ્ય દિશામાં રાહ ચીંધવા આહવાન કર્યું હતું.

(12:10 pm IST)