Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ધોરાજીના મદ્રેસા દારૂલ ઉલૂમ મિસ્કીનીયાહને ચાલુ વર્ષે ૧૦૦ વર્ષ પૂર્ણ થશે

નવા હોદેદારોની વરણી : ગુજરાતી, અંગ્રેજી અને કોમ્પ્યુટર શિક્ષણ

ધોરાજી,તા.૨: ઉપલેટા રોડ પર આવેલ મદ્રેસા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ સંસ્થાનું હાલ ૧૦૦ મું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે સંસ્થામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં યુવાન ઉદ્યોગપતિ હાજી ઈમ્તિયાઝ હાજી ઇકબાલભાઈ પોઠિયા વાલા (મુંબઈ), ઉપપ્રમૂખ હાજી અફરોઝભાઇ લકકડકુટા, સેક્રેટરી હમિદભાઈ ગોડીલની વરણી કરવામાં આવી હતી.

૧૦૦ વર્ષ જૂની સંસ્થા દારુલ ઉલુમ મિસ્કીનિયાહ માં મોલાના હઝરત ગુલામ ગોસ અલ્વીનાં નેતૃત્વ હેઠળ ૨૦ શિક્ષકો દ્વારા સંસ્થાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે ધાર્મિક શિક્ષણ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી અને કોમ્યુટર શિક્ષણ અપાઈ રહ્યું છે. મદ્રેસૉૅ મિસ્કીનિયાહ ખાતે વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને અભ્યાસ નિશુલ્ક છે. ૧૦૦ વર્ષથી સમાજના દાતાઓ દ્વારા સંસ્થાના કાર્યો સારી રીતે ચાલતા હોવાથી આ સંસ્થા ૧૦૦ વર્ષથી સૌરાષ્ટ્ર ભરના વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપે છે. જેમાં અભ્યાસ બાદ તેઓને કારી, હાફિઝ, આલિમ, અને મુફ્તી ની પદવી એનાયત કરવામાં આવે છે. હાલ કોરોના ગાઈડ લાઈન મુજબ મિસ્કીનીયા ખાતે અભ્યાસ બંધ છે.

સંસ્થાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં હોય તેની ભવ્યતા ભેર ઉજવણી કરવા સંસ્થાના હોદેદારો ને ઉત્સાહ છે. પરંતું કોરોનાને લઈ હાલ ઉજવણી શકય ન હોવાનું સંસ્થાના અગ્રણીઓ એ જણાવ્યુ હતું. જોકે એકીસાથે ૧૦૦ વિદ્યાર્થીઓ ને પદવી આપવા માટે કોરોના બાદ આયોજન કરાશે.

(11:19 am IST)