Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ભાદરા-આમરણ વચ્ચેનાં ૨ પુલના કારણે ચોમાસામાં વાહન વ્યવહાર ખોરવાઇ જવાની ભિતી

જામનગર-કંડલા કોસ્ટલ હાઇ-વે ઉપર હજુ સુધી પુલનું કામ પુર્ણ થતા વાહનચાલકો હેરાન

(મહેશ પંડયા દ્વારા) આમરણ, તા.૨: અહીંથી પસાર થતા ભાદરાથી આમરણ વચ્ચેના ૩૦ કિ.મી.માર્ગ પર જુદી જુદી જગ્યાએ ધરાશાયી થયેલ બે પુલના સ્થાને નવા બની રહેલ પૂલના કામો પૂર્ણ થયા નહીં હોવાને કારણે અગાસી ચોમાસા સમયે આ માર્ગ પરનો વાહન વ્યવહાર ખોરવાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.

ગત ચોમાસામાં કેશિયા ગામના પાટિયા પાસેનો તેમજ બીજો થાવરિયાદાદાની જગ્યા નજીકનો પૂલ આમ બંને પૂલ થોડા દિવસોના અંતરે જમીનદોસ્ત થયા હતા. દિવસો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. હાલ બંને સ્થળે કાચા ડાયવર્ઝનથી પરિવહન સેવા ચાલી રહી છે. ચોમાસુ બેસી જવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે ત્યારે મંથર ગતિએ ચાલતા કામો પૂર્ણ થાય તેવા કોઇ અણસાર જોવા મળતા નહિ હોવાથી જનતા ચિંતતી બની છે.

કેશિયા ગામના પાટિયા પાસે નવો પૂલ બનાવવાના કામમાં માત્ર પિલર ઉભા કરવા માટેનું ખોદાણકામ કરી મોટો ખાડો કરાયો છે. ત્યારબાદ કામમાં કોઇ પ્રગતિ જોવા મળતી નથી. જયારે થાવરિયાદાદાની જગ્યા નજકીના નવા પૂલનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે પરંતુ પૂલના બંને છેડાને પાકા પાયે બૂરીને માર્ગ સાથે જોડવાનુ તથા રેલીંગ બનાવવાના કામો અધૂરા પડયા છે.

ઉપરોકત બાબતે જામનગર ડિવીઝન જાહેર બાંધકામ અને મકાન વિભાગની પેટા કચેરીના ડેપ્યુટી એન્જિ સુહાગ પટેલે એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે, કેશિયા ગામના પાટિયા પાસેના પૂલના કોન્ટ્રાકટર વર્ક ઓર્ડર મેળવ્યા બાદ કોઇ કારણોસર માત્ર ખોદાણકામ કરી કામ અધૂ રું છોડી જતા રહેલ છે. આ કામ રાખનાર કોન્ટ્રાકટરને ખાતાકીય નોટિસો પણ આપવામાં આવી છે આગામી ચોમાસામાં જરૂર જણાયે કેશિયા ગામના પાદરમાં થઇને વાહન વહેવાર ચાલુ રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન પણ ઘડાયું છે. તેમજ થાવરિયાદાદાની જગ્યા નજીકના પુલનું કામ પૂર્ણ કરવામાં કોરોનાની બીજી લહેર નડતરરૂપ બની જવા પામી હતી. આ કામના મજૂરો કામ છોડીને જતા રહેતા અંદાજે બે માસ જેટલું કામ ખોરંભાઇ જવા પામ્યુ હતું. તેમ છતાં હાલ કામમાં તેજ ગતિ લાવી કામ પૂર્ણ કરવાના સઘન પ્રયત્નો ચાલુ છે. વિકલ્પમાં આ સ્થળે કાચા ડાયવર્ઝનમાં સિમેન્ટ પાઇપ બેસાડી ડાયવર્ઝનને થોડુ ઉંચુ લઇ વાહનવ્યવહાર ચાલુ રહે તે માટેની વ્યવસ્થા વિચારાધીન છે.

ગત ચોમાસામાં ધબાયનમઃ થયેલા ઉપરોકત બંને પૂલના સ્થાને નવા પૂલના કામો અધૂર રહેતા હવે અણીના સમયે તંત્રની સ્થાને નવા પૂલના કામો અધૂરા રહેતા હવે અણીના સમયે તંત્રની વૈકલ્પિક વ્યવસ્થાની વાત પ્રજાના ગળે ઉતરવી અઘરી બની રહી તેમ છે. માત્ર ડાયવર્ઝન થકી જામનગર કચ્છ વચ્ચેનો આ ટુંકા અંતરનો દરિયાઇ કાંઠાળ માર્ગ અવિરત ચાલુ રહે તેવા સંજોગો નજરે જોવા મળતા નથી. અતિવૃષ્ટિ અને ડેમમાંથી છોડાતા અગાધ પાણીના પ્રવાહ સામે કાચા-પાકા ડાયવર્ઝનો કેટલો સમય ઝિંક ઝીલી શકે તે પણ એક મોટો સવાલ છે. તેવી જ રીતે ગ્રામ્ય માર્ગો પણ રફેદફે થઇ જાય છે તેવા સંજોગોમાં કેશિયા ગામના પાદરમાં થઇને વાહન વ્યવહાર ચાલુ રાખવાની વૈકલ્પિક વ્યવસ્થાની વાત પણ ગળે ઉતારવી અઘરી છે.

(11:17 am IST)