Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કચ્છના મોટા રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરના મૃતદેહ મળ્યા

જંગલ અને રણ વિસ્તારમાં વધુ ઘુડખરોના મોતની આશંકા : રેન્જ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨: સાંતલપુર તાલુકાના આડેસર રેન્જ વિભાગમાં આવતાં કચ્છના મોટા રણ વિસ્તારમાં ત્રણ ઘુડખરના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી અને આ અંગે રેન્જ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘુડખર એક બહુમુલ્ય પ્રાણી છે જે એશીયા ખંડમાં માત્ર કચ્છના નાના-મોટા રણમાં જ જોવા મળે છે જેથી તેનો શિકાર, હત્યા કરવી ગુન્હો બને છે અને રણ વિસ્તારમાં આ ઘુડખરોની સાવચેતી વિવિધ રેન્જ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવેલી છે અને આ ઘુડખરની પ્રજાતિના ખોરાક માટે વન વિભાગ દ્વારા વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે તેમજ તેમને પીવાના પાણી માટે અવાડાઓ બનાવી તેમાં પાણી ભરવામાં આવે છે ત્યારે આ વિસ્તારમાં ઘુડખરના મૃતદેહ પડયા હોવાની જાણ આડેસરના રેન્જ વિભાગની ટીમને થતાં ઈન્ચાર્જ બજાણા આરએફઓ અનીલ રાઠવા સહિતની ટીમ તાત્કાલીક આડેસર ગયા હતાં અને રણ વિસ્તારમાં તથા જંગલ વિસ્તારમાં આ અંગે તપાસ કરતાં અલગ-અલગ જગ્યાએથી ત્રણ ઘુડખરના કંકાલ (મૃતદેહ) મળી આવ્યાં હતાં જેને જોતા આઠ-દસ દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોય તેમ લાગી રહ્યું હતું અને હાલ ખાવામાં કાંઈક આવી જતાં મૃત્યુ થયા હોવાની આશંકાઓ ઈન્ચાર્જ આરએફઓએ વ્યકત કરી હતી. જેમાં મઢુત્રા અને રોજુ સીમ વિસ્તારમાં તેમજ કચ્છના મોટા રણ વિસ્તારમાં કુલ ૩ ઘુડખરના કંકાલ મળી આવ્યાં હતાં જયારે લોકોના જણાવ્યા મુજબ હજુ પણ વધારે મોતની શકયતાઓ સેવાઈ રહી હોય આડેસર આરએફઓ અને ગાર્ડ ફોરેસ્ટર, રોજમદાર વગેરે તપાસ કરી રહ્યાં છે.

(11:13 am IST)