Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ કર્મીઓ વચ્ચે મારામારીએ સર્જી ચકચાર

પૂર્વ કચ્છ એલસીબી બાદ હવે પશ્ચિમ કચ્છ એલસીબી ચર્ચામાં

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) સરહદી કચ્છ જિલ્લામાં ગુના શોધક શાખા પોલીસ કર્મીઓ ચપળ અને કાર્યદક્ષ હોય તો ગુનાખોરી ઉપર અંકુશ આવે. પણ, અત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છ બન્ને શાખાના પોલીસ કર્મીઓ ગેરશિસ્ત ના કારણે ચર્ચામાં છે. પશ્ચિમ કચ્છના પોલીસ કર્મીઓ વચ્ચે થયેલ મારામારીના બનાવે ચકચાર સર્જી છે. નાઈટ ડ્યુટી ના મુદ્દે ત્રણ પોલીસ કર્મીઓ હરદેવસિંહ ગોહિલ, દીપસિંહ સોઢા અને મહિપાલસિંહ જાડેજા બોલાચાલી સાથે મારામારીમાં આમનેસામને આવી ગયા હતા. જેમાં એક પોલીસ કર્મીને ઇજા પહોંચી હોવાની ચર્ચા છે. જોકે, પોલીસ સ્ટેશનમાં જ મોટા પાયે થયેલા ડખ્ખા ને કારણે પીએસઆઈ ગોહિલ દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો. હજી હમણાં જ પૂર્વ કચ્છ એલસીબી પોલીસ ના કર્મીઓ ઝૂમ ડાન્સ પાર્ટીના કારણે ચર્ચામાં છે. વળી, પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ દ્વારા કસૂરવાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ માત્ર બદલી જેવા પગલાં ભરાયા બાદ રાજ્યના ડીજીને કડક પત્ર પાઠવવો પડ્યો હતો અને એસપી પાટીલેને સસ્પેન્ડ કરવાના પગલાં ભરવાની ફરજ પડી હતી.

(9:52 am IST)