Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

રૂક જાના નહીં, તું કંઇ હાર કે... કોરોનાએ થંભાવેલી જિંદગીને પુનઃ રફતારમાં લાવવાનો પ્રયાસ

કચ્છમાં કોરોનામાં પતિ ગુમાવનાર વિધવા બહેનો, સંતાનોને શ્રેષ્ઠીઓની આર્થિક સહાયથી સધિયારો, લાંબા ગાળાના આયોજન માટે વધુ મદદરૂપ બનવા દાતાઓને મિતેષ શાહ (મો. ૯૯૨૫૬ ૩૩૭૬૬)ની અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : જે મહિલાએ પતિની હાજરીમાં કયારેય આર્થિક બોજ ઉપાડ્યો ન હોય એ મહિલાના ખભા ઉપર એકાએક પરિવારનો બોજ આવી પડે તો? કોરોનાએ પતિનું છત્ર છીનવી લીધું. પતિના અવસાન બાદ સંતાનોના ભવિષ્ય અને ઘરના નિર્વાહ માટે ખાનગી નોકરી સ્વીકારનાર મહિલાને પગાર શું મળે? માત્ર ૫ હજાર રૂ. મહીને. એની સામે પતિનું હોસ્પિટલનું ૭૬ હજારનું બિલ ચૂકવવાનું બાકી અને બબ્બે સંતાનોની ઉચ્ચ શિક્ષણ ની ફી ભરવાની જવાબદારી તો ખરી જ. આવા સંજોગોમાં શું કરવું? આવો જ દર્દ ભર્યો કિસ્સો વિદેશ કમાવવા ગયેલા પરિવારનો છે. ત્યાં ઘરના મોભીને કોરોના થયો, પરિવાર વતનમાં હોઈ સારવાર માટે કચ્છ આવ્યા, અહીં ઠીક ન થયું તો અમદાવાદ ગયા. ત્યાં સારવારમાં કમાવેલી તમામ મૂડી ખર્ચી નાખી પણ જીવ ન બચાવી શકાયો. ઘર માં બે સંતાનો પૈકી નાની દીકરીને એમ જ કહયું છે કે, પપ્પા વિદેશ છે.

આ પરિવારમાં પણ ૩૧ વર્ષીય મહિલાએ ઘર બહાર નીકળી નોકરી તો શોધી પણ પગાર ૪ હજાર રૂપિયા!!! આટલા રૂ.માં ત્રણ જીવનું પૂરું કેમ થાય? તેમાંયે બે સંતાનના અભ્યાસ માટેની ફી તેમજ અન્ય ખર્ચ તો બાકી જ!! આવી જ દાસ્તાન ૫૯ વર્ષીય વયસ્ક વિધવાની છે. આ ઉંમરે કમાવવા બહાર જવું પડે તેમ છે. તો, પિયરીયા અને સાસરિયામાં એક પણ સ્વજન ન ધરાવતી ૩૧ વર્ષીય મહિલા માટે પણ કોરોનામાં પતિનું મૃત્યુ કઠીન પરીક્ષા લઈ આવ્યું છે. ૧૧ વર્ષ અને ૫ વર્ષના બે સંતાનોની જવાબદારી અને હાથમાં બચત નામ માત્રની!! ત્રણ સંતાનો ધરાવતા ૩૭ વર્ષીય અન્ય મહિલા માટે પણ કોરોનાનો વજ્રઘાત આકરો છે. આ થંભી ગયેલી જિંદગીઓને ફરી રફતારમાં લાવવા માટેનો પ્રયત્ન કરનાર મિતેષ શાહ કહે છે કે, લોકડાઉન વચ્ચે મોંઘવારીના આ સમયમાં મધ્યમવર્ગીય પરિવારો માટે ઘર ખર્ચ કાઢવો એ મુશ્કેલીભર્યું છે, ત્યારે માત્ર ખાનગી નોકરી સાથે પરિવારના એક માત્ર કમાનાર વ્યકિતના મોત બાદ પરિવાર માટે જીવન નિર્વાહ કરવો પડકારરૂપ છે. આવા સંજોગોમાં સામાજિક જવાબદારીના ભાગ રૂપે આ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત અત્યાર સુધી આવા ૭ પરિવારો સંપર્કમાં આવ્યા છે. જેમને શ્રેષ્ઠી દાતાઓની મદદથી દર મહિને ચોક્કસ મર્યાદામાં રોકડ નાણાકીય સહાયનું ચૂકવણું શરૂ કરી દેવાયુ છે.

આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય માટેની આર્થિક મદદ આપીને તેમને સધિયારો આપવાનો આ નમ્ર પ્રયાસ છે. જોકે, ઘરના મોભીઓ વગર એકાએક થંભી ગયેલી આવા પરિવારોની જિંદગીઓને પુનઃ રફતાર માં લાવવાનું કામ કપરું છે. આ મધ્યમવર્ગીય પરિવારોના મોભીઓ ખાનગી નોકરી કરતા હોઈ તેમની પાસે બચતના નામે પણ મીંડું છે. એટલે, મદદ માટેનું આ આયોજન લાંબા ગાળાનો સમય માંગી લે તેમ હોઈ અન્ય શ્રેષ્ઠીઓ પણ યથા યોગ્ય યોગદાન આપે તો આવા પરિવારોની થંભી ગયેલી જિંદગી ચોક્કસ રફતારમાં આવશે જ. કોરોનાના કહેરે કઈક હસતી ખેલતી જિંદગીઓને રડતી કરી મૂકી છે. બની બનાવેલી દુનિયા ઉજાડીને જીવનની રાહ ઉપર કંટકો પાથરી દીધા છે. ત્યારે આવા પરિવારોની કંટકભરી રાહમાં વિસામો બનવા સામાજિક કાર્યકર મિતેષ શાહે અપીલ કરી છે. સંવેદનાભર્યા આવા સદ્દકાર્યમાં હમેંશા યથાયોગ્ય યોગદાન આપવા માટે તત્પરતા દાખવનારા ઉદાર દિલ કચ્છી માડુઓને વધુ તો શું કહીએ?

(11:20 am IST)