Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

કચ્છના સામખિયાળી પાસે ટ્રક અકસ્માતમાં સુરેન્દ્રનગરના બે સગા ભાઇઓના મોત

આગળ ઉભેલા વાહનમાં ટ્રક ભટકાતા બે સગા ભાઇ એવા ડ્રાઇવર - કલીનરના કરૂણ મોત : મૃતક બંને પીપળી - સુરેન્દ્રનગરના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : કડીથી કપાસ ભરી મુન્દ્રા પોર્ટ જઈ રહેલ ટ્રકને માળીયા સામખિયાળી રોડ પર નડેલા માર્ગ અકસ્માતમાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યા હતા.

આગળ ઉભેલા વાહન પાછળ ટ્રક ભટકાતાં ટ્રક ચલાવતાં ચાલક બહાદુર ઉર્ફે બાબુભાઈ મગનભાઈ વાણિયા (ઉ.૩૩) અને કલીનર પ્રવીણ મગનભાઈ વાણિયા (ઉ.૨૯)નું કરૂણ મોત નિપજયું હતું. મૃતક બન્ને સગા ભાઈઓ હતા અને સુરેન્દ્રનગર પીપળી ના રહેવાસી હતા. આગળ જતી ટ્રકે બ્રેક મારતા પાછળની ટ્રક ઠાઠામાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.

હાઈવે ઉપર ભારે વાહનોમાં રિફલેકટર નહી હોવું ઉપરાંત રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ કરવાને કારણે અકસ્માતો વધી રહ્યા છે. આ બનાવમાં મૃતકના નાના ભાઇ દીપક વાણિયાની ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:16 am IST)