Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

જામનગર મનપા દ્વારા સૂકા-ભીના કચરા માટે મફતમાં ડોલ વિતરણમાં પડાપડી :ધક્કામુકીમાં યુવાન બેભાન

કાર્યક્રમ શરૂ થતા જ અફરાતફરી ;મહિલા અને બાળકો વચ્ચે તકરાર -ધક્કામુકી

જામનગરઃ જામનગર મનપા દ્વારા દરેક વોર્ડમાં સૂકા-ભીના કચરા માટે મફતમાં ડોલ વિતરણ શરૂ કરાયું છે ગોકુલનગર વિસ્તારમાં આ વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા બાદ પડાપડી શરૂ થઈ હતી. લોકો ડોલ લેવા ધક્કે ચઢતા ફસાઈ ગયેલો એક યુવાન બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જામનગર શહેરને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનની કામગીરીને વધારે અસરકારક બનાવવા અને સૂકા-ભીના કચરાને ઘર-ઘરમાં જ અલગ એકત્ર કરવામાં આવે તે અર્થે મફતમાં ડોલ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને ગોકુલ નગર વિસ્તારમાં રડાર રોડ પર મહાનગર પાલિકા દ્વારા ડોલ વિતરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ શરૂ કરાયો ત્યાંજ આ વિસ્તારના નાગરિકો ઉમટી પડતા સ્થળ પર ધક્કામુકી સર્જાઈ હતી. એકાએક અફરાતફરી વચ્ચે હાજર નાગરિકો દ્વારા ડોલ લેવા પડાપડી શરૂ કરી દેવાતા મહિલા અને મહિલાઓ- બાળકો વચ્ચે ડોલ મેળવવા તકરાર શરૂ થઈ ગઈ હતી. ધક્કામુકી વચ્ચે ઝપટે ચઢેલો એક યુવાન ટોળામાં ફસાઈ જતા બેભાન જેવો થઈ ગયો હતો. છતાં પણ ડોલ લેવા લોકો ધક્કા-મુક્કી કરતા નજરે પડતા હતા. દરમિયાન બેભાન યુવાનને 108 એમ્બ્યૂલન્સ વાન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(8:37 pm IST)