Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ગોહિલવાડ પંથકમાં અષાઢી બીજે અડધાથી અઢી ઈંચ વરસાદ

વલભીપુર પંથકમાં અઢી ઇંચ, ભાવનગરમાં પોણાબે ઇંચ, ઉમરાળામાં એક ઇંચ,તળાજા અને ગારિયાધારમાં પોણા ઇંચ, પાલીતાણા અને ઘોઘામાં અડધો ઇંચ જ્યારે સિહોર અને જેસરમાં છુટાછવાયા હળવા-ભારે ઝાપટાં

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર : ગોહિલવાડ પંથકમાં આજે અષાઢી બીજના રોજ અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

આજે અષાઢી બીજ ના રોજ ભાવનગર શહેર માં મેઘરાજાની મહેર થઇ છે. લાંબી પ્રતીક્ષા કરાવ્યા બાદ આજે બપોરે વર્ષારાણી નું આગમન થતાં લોકોમાં હર્ષ ની લાગણી ફેલાઇ હતી. શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇ લોકોમાં ઉત્સાહ હતો તેમાં આજે મેઘરાજાની પધરામણી થી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. અને વરસાદ વચ્ચે પણ લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
ભાવનગરજિલ્લાના વલભીપુર પંથકમાં અઢી ઇંચ, ભાવનગર શહેરમાં પોણાબે ઇંચ, ઉમરાળામાં એક ઇંચ,તળાજા અને ગારિયાધારમાં પોણા ઇંચ, પાલીતાણા અને ઘોઘામાં અડધો ઇંચ જ્યારે સિહોર અને જેસરમાં છુટાછવાયા હળવા-ભારે ઝાપટાં વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના 6 સુધીમાં વલભીપુરમાં 68મી.મી. ભાવનગરમાં 39મી.મી. ઉમરાળામાં 21મી.મી. તળાજામાં  19મી.મી. ગારીયાધારમાં 16 મી.મી.પાલીતાણામાં 11 મી.મી.ઘોઘામાં 10 મી.મી. સિહોરમાં 7 મી.મી.જેસરમાં 6મી.મી. વરસાદ નોંધાયો છે.

 

(7:55 pm IST)