Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માધવપુર મેળાની પુર્ણાહૂતિ દ્વારકાના રૂક્ષ્મણીજી મંદિરે કરાશે

રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશેઃ રાજય સરકાર દ્વારા આયોજન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ :.. ગુજરાત સરકાર દ્વારા પોરબંદર પાસેના માધવપુરના રૂક્ષ્મણી મંદિરે યોજાતા પ્રાચીન લોકમેળામાં  એક દિવસ ઉમેરી ને આ મેળાની પુર્ણાહૂતિ દ્વારકા જિલ્લાના દ્વારકા રૂક્ષ્મણી મંદિરે કરવાનું આયોજન આ વર્ષે કરતા તેમાં દેશના નવ રાજયોના પ્રતિનિધિઓ કલાકારો સાથેનું ભવ્‍ય આયોજન કરાતા ૩-૪-ર૩ ના રોજ દ્વારકાનો કાર્યક્રમ બપોરે બે થી રાત્રીના ૧૦ સુધીનો જાહેર થયો છે. જેમાં મોટી સંખ્‍યામાં મંત્રીઓ વિવિધ રાજયોના હોદેદારો રાજયપાલો વિ. જોડાશે.

બપોરે બે વાગ્‍યે દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવીમાં શ્રી કૃષ્‍ણ રૂક્ષ્મણી રથનો પ્રવેશ થશે જયાં સ્‍થાનીક આગેવાનો તથા ગ્રામ પંચાયત દ્વારા ભવ્‍ય સ્‍વાગત થશે તથા વિશાળ સંખ્‍યામાં વાહનોના કાફલા સાથે અગ્રણીઓ આ યાત્રામાં જોડાશે. બપોર રાા વાગ્‍યે ભોગાત સતીયાના મંદિરે કરમુર પરિવારની સપ્તાહના સ્‍થળે આ રથનું ભવ્‍ય સ્‍વાગત થશે બપોર ૩-૧પ વાગ્‍યે કુરંગામાં સ્‍થાનિક આગેવાનો તથા જિ. તા. પં. સદસ્‍યો દ્વારા ભવ્‍ય સ્‍વાગત થશે. બપોરે ચાર વાગ્‍યે રીલાયન્‍સ રોડ હાથી ગેઇટ દ્વારકામાં રથનું ભવ્‍ય  સ્‍વાગત સાથે શોભાયાત્રાનો આરંભ થશે.

જેમાં શાળાની બાળાઓ સ્‍વાગત કરશે તથા ઝાંઝરી ગ્રુપ દ્વારા કલાકૃતિ રજૂ થશે. સાડાચાર વાગ્‍યે કીર્તિ સ્‍તંભ પાસે પોલીસ બેન્‍ડ તથા શાળાની બાળાઓ કલાકૃતિ સાથે ભવ્‍ય સ્‍વાગત કરશે તે પછી સુદામાં સેતુ ચોકમાં શારદાપીઠ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્‍કૃત શ્‍લોકોના ગાન તથા વેદોની રૂચાઓ સાથે  સ્‍વાગત થશે મંદિર ચોકમં ગુગળી બ્રાહ્મણો દ્વારા રથનું સ્‍વાગત થશે તથા મંદિર પરિસરમાં દર્શન અને પરિક્રમા યોજાશે જોરાભા માણેક ચોકમાં સ્‍થાનિક દુકાનદારો દ્વારા પુષ્‍પવૃષ્‍ટિ થશે તથા વાઘેર સમાજ દ્વારા સ્‍વાગત તીનબતી ચોકમાં લોહાણા સમાજ દ્વારા સ્‍વાગત થશે તથા મહીલા મંડળ દ્વારા કલાકૃતિ રજૂ થશે.

દ્વારકામાં તીનબતી ચોકથી મહાકાળી ચોકમાં ગાત્રાણ ગરબી મંડળ દ્વારા તલવાર રાસ થશે તથા સ્‍થાનીક આગેવાનો દ્વારા રથનું સ્‍વાગત થશે. સાંજે પોણા છ વાગ્‍યે રબારી ગેટ પાસે આહીર સમાજના આગેવાનો દ્વારા રથનું સ્‍વાગત થશે તથા શાળાની બાળાઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ થશે સાંજે ૬ વાગ્‍યે રૂક્ષ્મણી મંદિરે મંદિરના પૂજારી તથા પુરોહિત દ્વારા રથનું પૂજન થશે તથા સ્‍વાગત સાથે ન.પા. શાળાના છાત્રો બેન્‍ડ પાર્ટી સાથે કલાકૃતિ રજૂ કરશે.

સાંજે ૬ાા થી રાત્રીના દશ વાગ્‍યા સુધી સરકીટ હાઉસ પાછળ ના ભવ્‍ય મંડપ સાથે ના સ્‍થળે સાંસ્‍કૃતિક કાર્યક્રમો થશે જેમાં સ્‍થાનિક કલાવૃંદો, ઉતર - પૂર્વના કલાકારો તથા જાણીતા કલાકાર માયાભાઇ આહિર જોડાશે તથા મલ્‍ટી મીડીયા કાર્યક્રમ તથા મહેમાનોનું સ્‍વાગત સન્‍માન થશે. દ્વારકા ઉત્‍સવ આ વર્ષે પ્રથમ વખત યોજાતો હોય રાજયના મંત્રીઓ તથા જિલ્લાની ટીમ દ્વારા જીવન ઉત્‍સાહપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું છે.

(1:29 pm IST)