Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

અમરેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કલેકટરની બેઠક

ટોબેકો કંટ્રોલ રસીકરણ-મશીન ઇન્દ્રધનુષ અંગે ચર્ચા કરાઇ

અમરેલી,તા.૧: કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય ખાતાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો યોજાઇ હતી. દરેક બેઠકમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તૃતમાં ચર્ચા કરાઈ હતી. આ બેઠકોમાં કલેકટરશ્રીએ ટોબેકો કંટ્રોલ, સંચારી રોગ સર્વેક્ષણ, રસીકરણ જેવા વિવિધ વિષયો ઉપર આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં થયેલા કેસોની સમીક્ષા કરાઈ હતી અને કેટલાક વિભાગોને વધુ પ્રમાણમાં કાર્યરત થવા સૂચના આપી હતી. આ ઉપરાંત તમામ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમ - ૨૦૦૩ની વિવિધ કલમોનું ચુસ્ત પાલન થાય અને કલમોના ભંગ બદલ નિયમિત દંડની વસુલાત કરી તાત્કાલિક રિપોર્ટ કરવા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ કુલ ૨૧૧ જેટલા કેસ કરીને કુલ ૧૬૫૩૦ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રીએ ખેતમજૂરી માટે આવેલા તમામ પરપ્રાંતીય લોકોની સંબંધિત ખેડૂતમિત્રોએ સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં અધિકૃત પ્રસુતિગૃહ સિવાય અન્ય કોઈ જગ્યાએ પ્રસુતિ ન થાય તે માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આરોગ્ય ખાતા દ્વારા આગામી ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સદ્યન પોલીયો રસીકરણની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ૦થી ૫ વર્ષના તમામ બાળકોને બાળ લકવા વિરોધી રસીના ડોઝ અને એન.આઈ.ડી. ના રાઉન્ડ દરમિયાન ૧૦૦% બાળકોને સુરક્ષિત કરવામાં આવશે. આ ઉપરાંત બાળ લકવાના કેસોની શોધખોળ તેમજ સર્વેલન્સ કામગીરી દ્યનિષ્ઠ રીતે કરવા જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

આ બેઠકોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ, એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. એ. કે. સિંહ, પ્રોગ્રામ ઓફિસર સુશ્રી મનીષાબેન બારોટ, નાયબ પશુપાલન નિયામક શ્રી ટી.સી ભાડજા તથા જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:06 pm IST)