Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ચેક રીટર્ન કેસમાં પરાબજારના વેપારી મનીષભાઇ મીરાણી ૧૫ દિવસ જેટલી જેલ ભોગવી શરતી જામીન ઉપર મુકત

 રાજકોટઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છેકે ફરીયાદી કાંતીભાઇ ધનજીભાઇ કારીઆએ આરોપી પરાબજાર વિસ્‍તારમાં એચ.આર. એન્‍ટરપ્રાઇઝના નામની પેઢી ધરાવતા વેપારી મનિષભાઇ રમણીકભાઇ મીરાણીની સામે રૂા.૧૪,૦૦,૦૦૦ના ચેક પરત અંગે જુદા-જુદા પાંચ કેસો કરેલ જેમા બંને પક્ષોના પુરાવા ધ્‍યાનમાં લઇ અને આ કામના આરોપી મનીષભાઇ રમણીકભાઇ મીરાણીએ ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ- ૧૩૮ મુજબ ગુન્‍હો કરેલ હોવાનું માની રાજકોટના જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ શ્રી એમ.ડી. બ્રહમભટ્ટે આરોપી મનીષભાઇ મીરાણીને તકસીરવાન ઠરાવી અને દરેક કેસમાં બે-બે વર્ષ તેમ કુલ પાંચ કેસમાં દસ વર્ષની સજા આપવા હુકમ કરેલ અને સમય મર્યાદામાં વળતરની રકમ ન ચુકવવામાં આવે તો વધુ બે માસની સાદી કેસની સજા ભોગવવા હુકમ કરવામાં આવેલ.

 જે હુકમ સામે  આરોપી મનીષભાઇ રમણીકભાઇ મીરાણીએ રાજકોટના સેસન્‍સ કોર્ટના જજ શ્રી સમક્ષ ફોજદારી અપીલ દાખલ કરેલ. જે કેસ પણ ચાલી જતા ઉપરોકત પાંચેય ફોજદારી કેસમાં થયેલ સજા કાયમ રાખેલ હોય અને આરોપીની અપીલ ના-મંજુર કરી રાજકોટના મહેરબાન સેસન્‍સ કોર્ટના જજ શ્રી પી.પી. પુરોહિતે આરોપીને તાત્‍કાલીક કસ્‍ડીમાં લઇ અને જેલ હવાલે કરેલ. જયાં આરોપી ૧૫ દિવસ જેટલા સમય માટે જેલમાં રહેલ ત્‍યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરેલ જેમા નામદાર ગુજરાત હાઇકોર્ટ આરોપીને શરતી જામીન ઉપર મુકત કરેલ છે.

 આરોપી દ્વારા સેસન્‍સ કોર્ટમાં જામીન મેળવતા પહેલા કેસની ૨૦ % લેખે રકમ રૂા. ૨,૮૦,૦૦૦ જમા કરાવવામાં આવેલ જયારે હાઇકોર્ટ અમદાવાદ દ્વારા વધુ ૩૦% લેખે રૂા.૪,૨૦,૦૦૦ જમા કરાવવામાં આવેલ છે એટલે કે કુલ રૂા.૭,૦૦,૦૦૦ જમા કરાવ્‍યા  બાદ આરોપી મનીષભાઇ મીરાણી જેલમાંથી જામીન ઉપર છુટેલ  છે

 આ કામમાં જયુડીશ્‍યલ મેજીસ્‍ટ્રેટ (ફ.ક.) સમક્ષ તેમજ સેસન્‍સ જજ શ્રી પી.પી. પુરોહિત સમક્ષ બંને કોર્ટોમાં ફરીયાદી કાંતીભાઇ ધનજીભાઇ કારીયા તરફે એડવોકેટ પ્રવિણભાઇ કોટેચા, પુર્વેશભાઇ કોટેચા, રવિ સેજપાલ, હરેશ મકવાણા, રજની કુકડીયા, દિવ્‍યેશ રૂડકીયા, અજયસિંહ ચુડાસમા,  નિલય પાઠક, ચિંતન ભાલાણી રોકાયેલા હતા તથા હાલ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મુળ ફરીયાદી તરફે મૃગેનભાઇ કે. પુરોહિત એડવોકેટ તરીકે રોકાયેલા છે.

 

(3:42 pm IST)