Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સંત કબીર રોડ ગોકુલનગર આવાસ ક્‍વાર્ટરના તાળા તોડી ઘુસણખોરીઃ ત્રણ સામે ગુનો નોંધાયો

મહાપાલિકાની આવાસ શાખાના સિનિયર ક્‍લાર્ક ભરતભાઇ પીઠડીયાની ફરિયાદ પરથી બેચર હરણ, હંસાબેન કાળોતરા અને સપનાબેન કારેઠા વિરૂધ્‍ધ ફોજદારી:જે-૩૦૪માં રહેતાં બેચરે જે-૩૦૫નું તાળુ તોડી અદર સામાન ભરી દીધો હતોઃ જી-૧માં રહેતાં હંસાબેને એફ-૦૮ના તાળા તોડી છાણાના કોથળા મુકી દીધા'તાઃ જી-૨૦૫માં રહેતાં સપનાબેન કારેઠાએ જી-૧૦૬ બીજાને ભાડે આપી દીધુ'તું

રાજકોટ તા. ૩૦: સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ યોજના ક્‍વાર્ટરમાં ત્રણ અલગ અલગ મકાનના મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવાયેલા તાળા તોડી ત્રણ જણાએ ઘુસણખોરી કરી લીધી હોઇ તેમજ આ પૈકીનું એક ક્‍વાર્ટર અનઅધિકૃત રીતે બીજાને ભાડે અપાયું હોવાનું કોર્પરેશનની ટીમની તપાસમાં ખુલતાં આ મામલે થોરાળા પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવાયો છે. આ બનાવમાં થોરાળા પોલીસે મ્‍યુનિસિપલ કોર્પોરેશન કચેરીના આવાસ યોજના વિભાગમાં ત્રણ વર્ષથી સિનિયર ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતાં રણછોડવાડી-૪માં રહેતાં ભરતભાઇ વાલજીભાઇ પીઠડીયા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ગોકુલનગર આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં બેચર વિરાભાઇ હરણ, હંસાબેન ભીમશીભાઇ કાળોતરા અને સપનાબેન ભરતભાઇ કારેઠા વિરૂધ્‍ધ આઇપીસી ૪૮૮ મુજબ ગુનો નોંધ્‍યો છે.

ભરતભાઇ પીઠડીયાએ પોલીસને જણાવ્‍યું છે કે રાજકોટ મહાનગર પાલિકાના આવાસ યોજના ક્‍વાર્ટરની ચકાસણી કરવાનું મારી ફરજમાં આવે છે. ૨૭/૪ના રોજ આસી. મેનેજર કોૈશિક ઉનાવાને માહિતી મળી હતી કે સંત કબીર રોડ પર આવેલ ગોકુલનગર આવાસ યોજના ક્‍વાર્ટર કે જ્‍યાં હાલ કોઇને ક્‍વાર્ટર ફાળવવામાં આવ્‍યા નથી ત્‍યાં મહાપાલિકાએ લગાવેલા તાળા તોડી કોઇએ પોતાના ખાનગી તાળા લગાવી દીધા છે.આ માહિતી મળતાં જ મને તથા સ્‍ટાફના માણસોને ગોકુલનગર આવાસ યોજના ક્‍વાર્ટરના ‘જે' બ્‍લોકના મકાન નં. ૩૦૫ અને ‘એફ-૦૮' નંબરના મકાનના તથા ‘જી-૧૦૬' નંબરના મકાન ખાતે તપાસ કરવા સુચના અપાતાં હું તથા સિનીયર ક્‍લાર્ક કમલેશભાઇ જોષી, જયેશભાઇ સોલંકી, વિનુભાઇ ભાલારા સહિતના ક્‍વાર્ટર ખાતે પહોંચ્‍યા હતાં. ત્‍યાં જઇ તપાસ કરતાં આ માહિતી સાચી ઠરી હતી. ‘જે' બ્‍લોકના મકાન નં. ૩૦૫માં કોઇ નહોતું પણ તાળુ જે મહાપાલિકાએ લગાવ્‍યું હતું તેના બદલે બીજુ તાળુ જોવા મળ્‍યું હતું. જેથી અમે તાળુ તોડીને જોતાં અંદર ઘરવખરીનો સામાન, ખાટલો, ટીવીનું ખાલી બોક્‍સ, તૂ૭ેલો પંખો, બે કેરબા સહિતનો સામાન હોઇ જે બહરા કઢી દબાણ હટાવ શાખાના ઇન્‍સ. રમેશભાઇ ભાગીયાને સોંપ્‍યો હતો.

એ પછી મહાપાલિકાનું તાળુ લગાવી દીધુ હતું. આજુ બાજુના ‘જે' બ્‍લોકના અન્‍ય રહેવાસીઓને પુછતાં જાણવા મળેલુ કે જે-૩૦૪માં બેચર વીરાભાઇ હરણે તાળુ માર્યુ છે. ત્‍યારબાદ એફ-૦૮ નંબરના મકાનનો દરવાજો પણ તૂટેલો હોઇ તેની અંદર છાણાના પંદરેક કોથળા જોવા મળ્‍યા હતાં. જી-૧માં રહેતાં હંસાબેન કાળોતરાએ આ મકાનમાં અનઅધિકૃત રીતે પ્રવેશી છાણાના કોથળા ભરી દીધા હતાં. આ ઉપરાંત જી-૧૦૬માં તપાસ કરતાં આ મકાન જગાભાઇ બીજલભાઇ કાળોતરાને ફાળવવામાં આવેલુ હોવાનું જણાયું હતું. જી-૨૦૫માં રહેતાં સપનાબેન ભરતભાઇ કારેઠાએ આ મકાન નિહારીકાબેન સુરેન્‍દ્રસિંહ વાળાને અનઅધિકૃત રીતે ભાડેથી આપી દીધાનું જણાયું હતું. જેથી અમે ફોજદારી નોંધાવી હતી. તેમ વધુમાં ભરતભાઇ પીઠડીયાએ જણાવ્‍યું હતું. થોરાળા પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ જી. એસ. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)