Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

'કોઇ નથી આવી જા'...કહી મનિષ ત્રિવેદીએ મહિલાને રૂમમાં ખેંચી, નિર્વસ્ત્ર થયા ત્યાં તેણીનો પતિ આવી ગયો!

કાશી વિશ્વનાથ પ્લોટની શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીના મહામંત્રીના કરતૂતથી ચકચારઃ વાડીમાં નોકરી કરતી ૪૩ વર્ષની મહિલા તેના પતિને નડેલા અકસ્માતને કારણે આર્થિક ભીંસ અનુભવતી હોઇ તેને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી દઇ મનિષ ત્રિવેદીએ નવ-દસ વખત ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણ્યાનો આરોપઃ બળાત્કારનો ગુનો દાખલ થતાં જ ભાગી ગયો...

રાજકોટ તા. ૩૦: શહેરના કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલી શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીમાં બે વર્ષથી પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં ૪૩ વર્ષિય મહિલાને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી આ વાડીના મહામંત્રી મનિષ અરવિંદભાઇ ત્રિવેદીએ જ્ઞાતિની વાડીના રૂમમાં નવ-દસ વખત બળજબરી આચરી હોવાની ફરિયાદ થતાં ચકચાર જાગી છે. ૨૦૧૭થી મહિલાનું શોષણ થતું હતું, છેલ્લે ૨૫મીએ મનિષ આ મહિલાને 'કોઇ નથી આવી જા...' કહી રૂમમાં લઇ ગયો અને બંને નિર્વસ્ત્ર થયા ત્યાં જ મહિલાનો પતિ આવી જતાં સમગ્ર મામલો મહિલા પોલીસ મથક સુધી પહોંચતા બળાત્કારનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પતિ-સંતાનો સાથે રહે છે અને બે વર્ષથી શ્રીમાળી બ્રાહ્મણ સૃમાજની વાડીમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે. બોર્ડિંગના ટ્રસ્ટીઓ તરફથી રૂ. પાંચ હજાર પગાર અપાય છે. નોકરીનો સમય સવારે દસથી એક અને સાંજે પાંચથી આઠ સુધીનો છે. ૨૦૧૭ની સાલના ૧૧મા મહિનામાં તેણીના પતિને અકસ્માત નડતાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતાં. એ વખતે આર્થિક હાલત ખુબ ખરાબ થઇ ગઇ હતી. ત્યારે શ્રીમાળી બ્રાહ્મણ સમાજની વાડીના ટ્રસ્ટી, હોદ્દેદારો મળી ૧૩ લેડીઝ-જેન્ટસ સભ્યો પતિની ખબર કાઢવા આવ્યા હતાં.

એ પછી આ બોર્ડિંગ વાડીના મહામંત્રી મનિષ ત્રિવેદીએ એકલતાનો લાભ લઇને કહેલુ કે 'જો તું મને શરીર સુખ માણવા નહિ દે તો તને નોકરીમાંથી કાઢી મુકીશ'. આવી વાતથી તેણી હેબતાઇ ગઇ હતી અને કંઇ બોલી શકી નહોતી. એ પછી મનિષ જબરદસ્તીથી હાથ પકડી બોર્ડિંગના નીચેના રૂમમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. એ પછી તેણે અવાર-નવાર શરીર સુખ તો માણવા જ દેવુ પડશે નહિતર નોકરીમાંથી કઢાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. આર્થિક સ્થિતી નબળી હોઇ અને પતિનો દવાનો ખર્ચ કાઢવાનો હોઇ પોતે મુંજવણમાં મુકાઇ ગઇ હતી. કોઇને વાત પણ કરી શકી નહોતી. બીજી તરફ મનિષે મજબૂરીનો લાભ લઇ નવ-દસ વખત ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણી લીધું હતું.

એ પછી તા. ૨૫/૧/૧૯ના રોજ સાંજે પાંચેક વાગ્યે આ મહિલા પોતાની નોકરીએ જતાં મનિષ ત્રિવેદી 'અત્યારે કોઇ નથી, તું અંદર આવી જા, સેકસ કરવું છે' તેમ કહી રૂમ અંદર ખેંચી ગયો હતો. બંને નિર્વસ્ત્ર હતાં અને બાથ ભરેલી હાલતમાં હતાં ત્યાં જ આ મહિલાનો પતિ આવી ગયો હતો. તે આ રીતે બંનેને જોઇ જતાં બંનેને એક એક ઝાપટ મારી હતી. એ પછી મનિષ મહિલાના પતિ પાસે માફી માંગવા માંડ્યો હતો અને કપડા પહેરીને ભાગી ગયો હતો. મહિલાએ પોતાની મજબુરીને કારણે મનિષે અવાર-નવાર ઇચ્છા વિરૂધ્ધ શરીર સુખ માણી લીધાની વાત કરતાં તેણીના પતિએ બોર્ડિંગના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સભ્યોને બોલાવ્યા હતાં. પણ મનિષ આવ્યો નહોતો. ટ્રસ્ટીઓ-હોદ્દેદારોએ પોતે મનિષ ત્રિવેદીને રજૂ કરશે પછી જે કાર્યવાહી કરવી હોય તે કરજો તેમ જણાવ્યું હતું. પરંતુ મનિષ હાજર થયો ન હોઇ અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉપરોકત વિગતોને આધારે પીએસઆઇ આઇ. એમ. ઝાલા અને અશ્વિનગીરીએ આઇપીસી ૩૭૬ (ગ) મુજબ ગુનો નોંધી ભાગી ગયેલા મનિષ ત્રિવેદીની શોધખોળ શરૂ કરી છે. મનિષ ત્રિવેદીનો ફોન પણ સતત બંધ આવી રહ્યો છે. (૧૪.૮)

(11:31 am IST)