Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૧લી તારીખથી રાજકોટ એસટી ડીવીઝનની લાંબા અંતરની તમામ રાત્રી બસો અને ૧૫૨ એકસપ્રેસ બસો દોડવા માંડશે

રાજકોટથી હવે મોડીરાતની અમદાવાદ - વડોદરા - સુરત સહિતની તમામ બસો નવા-જૂના બસ પોર્ટ પરથી મળશે : આ ઉપરાંત અન્ય ૨૭૦ લોકલ બસો પોઇન્ટ ટુ પોઇન્ટ ઉપડશે : ગામડામાં નહિ જાય : વચ્ચે પણ નહિ ઉભી રહે : મુસાફરો ૬૦ ટકા જ લેવાના : ૧લી તારીખથી રાજકોટ સહિત રાજ્યભરમાં ૨૦૦૦ એકસપ્રેસ બસો દોડશે : જ્યાં થર્મલ ગન સાથેના પોઇન્ટ અપાયા છે ત્યાં બસો ઉભી રહેશે : 'અકિલા' સાથેની વાતચીતમાં : વિગતો આપતા ડીસી યોગેશ પટેલ

રાજકોટ તા. ૨૯ : આગામી ૧લી તારીખથી રાજકોટ એસ.ટી. ડિવીઝનની તમામ ૧૫૨ એકસપ્રેસ બસો રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક તેના રેગ્યુલર ટાઇમે દોડવા માંડશે, અને આમા ૪૫ જેટલી રાત્રી બસોનો પણ સમાવેશ થાય છે, તેમ રાજકોટ એસટી ડિવીઝનના ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, વડી કચેરીની સૂચના આવી ગઇ હોય હવે રાજકોટ ડિવીઝનની તમામ ૧૫૨ બસો રેગ્યુલર તેના ટાઇમે જ દોડશે, પણ તેમાં મુસાફરો ૬૦ ટકા જ ભરવાના રહેશે તેવી સૂચના આપી છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ એકસપ્રેસ બસો દોડે છે, પરંતુ તે એક-એક ટ્રીપ અને એકસ્ટ્રા સંચાલન તરીકે ચલાવાય છે, પરંતુ હવે ૧લી જૂલાઇથી ડિવીઝનની ૧૫૨ રેગ્યુલર તેનો જે સમય હતો તે મુજબ નવા - જુના બસ પોર્ટ પરથી દોડવા માંડશે.

ડીસી શ્રી યોગેશ પટેલે ઉમેર્યું હતું કે, અંદાજે ૪૫ બસો કે જે રાત્રી બસો દોડતી હતી તે પણ ૧લી તારીખથી ઉપડવા માંડશે, રાજકોટથી લાંબા અંતરની અમદાવાદ - વડોદરા - સુરત અને વલસાડ - વાપી - ઉત્તર ગુજરાત - મધ્ય ગુજરાત અને કચ્છ-ભુજની ૪૫ જેટલી બસો પણ દોડવા માંડશે.

લોકલ બસો અંગે તેમણે જણાવેલ કે, લોકલ ૨૭૦ જેટલી બસો પોઇન્ટ ટુ પોઇન્ટ એટલે કે તાલુકાથી તાલુકા માટે ઉપડશે, ગામડામાં એક પણ બસ હાલ નહિ જાય, તેમજ જ્યાં થર્મલ ગનવાળા પોઇન્ટ ઉભા કરાયા છે, ત્યાં બસો ઉભી રહેશે અને મુસાફરો પણ આવા પોઇન્ટ ઉપરથી બસો પકડી શકશે.

રાજકોટ એસટી ડિવીઝનની એકસપ્રેસ, સ્લીપર, ગુર્જરનગરી વિગેરે તમામ બસો ૧લી જુલાઇથી દોડતી થશે.

તમામ એકસપ્રેસ બસોને ઓપીઆરએસમાં ઓનલાઇન બુકીંગ માટે મુકવાની પણ સુચના આપી દેવામાં આવી છે. એકસપ્રેસ બસો પોઇન્ટ - ટુ - પોઇન્ટ, ડેપો-ટુ-ડેપો જ ઉપડશે. રસ્તામાં ઉભી રહેશે નહીં, મોટા પીકઅપ પોઇન્ટ પર ઉભી રખાશે, જોકે ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ, થર્મલ ગન ચેકીંગ અને માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

હાલમાં એસ.ટી. નિગમની ફકત ૩૦ ટકા બસોનું સંચાલન થઇ રહ્યું છે. આવકમાં મોટી ખોટ થઇ રહી છે. તેથી કેટલાક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જે મુજબ પ્રતિ કિલોમીટર રૂ. ૧૦ કરતા ઓછી આવક ધરાવતી તેમજ ૧૫ કરતા ઓછા મુસાફરો ધરાવતી એકસપ્રેસ - લોકલ બસ સેવા બંધ કરવી અથવા દૈનિક ધોરણે રેશનાલાઇઝેશન કરવાની સુચના અપાઇ છે. એક ગ્રુપના વધુ મુસાફરોની માંગણી મુજબ એકસ્ટ્રા બસોની ફાળવણી કરવી, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે કેઝયુઅલ કોન્ટ્રાકટના ધોરણે બસોની ફાળવણી કરવા સહિતના નિર્ણય હાલમાં લેવાયા છે.

(3:57 pm IST)