Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

૧૦ ગુનામાં સંડોવાઇ ચુકેલા નામીચા હદપાર મેહુલ ખાંટે ૧૪ વર્ષની બાળાની આબરૂ લૂંટવા પ્રયાસ કર્યોઃ લાફા મારી વીંખોડીયા ભર્યા

બાળાની નાની બહેને વંડી ઠેંકી પાછળના દરવાજેથી અંદર જઇ દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં ભાગી ગયોઃ માલવીયાનગર પોલીસે દબોચી કાયદાનું ભાન કરાવ્યું

રાજકોટ તા. ૨૯: નવલનગરમાં રહેતાં અને અગાઉ ચોરી, હત્યાની કોશિષ, મારામારી સહિતના ૧૦ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા અને હાલમાં હદપાર કરાયેલા નામચીન ખાંટ શખ્સે ભરબપોરે એક ઘરમાં ઘુસી જઇ ૧૪ વર્ષની બાળાને લાફા મારી  'હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, અત્યારે શરીર સંબંધ બાંધવા દે' કહી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં દેકારો મચી ગયો હતો. નાની બહેને વંડી ઠેંકી અંદર જઇ બાળાને બચાવવા પ્રયાસ કર્યો હતો. લોકો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો. માલવીયાનગર પોલીસે તેને દબોચી લઇ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ હદપાર ભંગ સબબ અલગથી કાર્યવાહી કરી છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે ૧૪ વર્ષની બાળાની ફરિયાદ પરથી નવલનગર-૯ કૈલાસનગર-૨ ચામુંડા કૃપા ખાતે રહેતાં ૨૩ વર્ષના મેહુલ ધનજીભાઇ જેઠવા નામના ખાંટ શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૫૪ (એ) (બી), ૩૨૩, ૪૫૨, પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે. તે હદપાર હોઇ આ અંગે અલગથી ગુનો નોંધી સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવાયું છે.

ભોગ બનેલી બાળાએ ફરિયાદમાં જણાવ્યું છેકે મારા માતા રસોઇ કામ માટે ગયા હતાં. મારો ભાઇ પણ કામે ગયો હતો. હું તથા નાની બહેન ઘરમાં હતાં. એ પછી બપોરે ત્રણેક વાગ્યે નાની બહેન શેરીમાં રમવા ગઇ હતી. ઘરની ડેલી ખુલ્લી હોઇ મેહુલ જેઠવા અંદર ઘુસી ગયો હતો. તેને હું જોયે ઓળખતી હોઇ સીધુ તેણે મારું બાવડુ પકડી લીધુ હતું અને 'હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તું અત્યારે મને શરીર સંબંધ બાંધવા દે' તેમ કહી બળજબરીનો પ્રયાસ કરી છેડછાડ શરૂ કરતાં તેને આવુ કરતો અટકાવતાં ઝપાઝપી કરી ગાલ પર જોરથી ઝાપટ મારી દીધી હતી. તેમજ કાન પર વીંખોડીયા ભરી લીધા હતાં.

આથી મેં જોર જોરથી બુમો પાડી હતી. આમ છતાં તે મને છોડતો ન હોતો. એ દરમિયાન નાની બહેન રમતી હોઇ તે આવતાં દરવાજો અંદરથી બંધ હોઇ તેણી દિવાલ ટપી અમારા ઘરમાં આવી હતી અને દરવાજો ખોલી મને છોડાવી હતી. ત્યાં શેરીના બીજા લોકો ભેગા થઇ જતાં મેહુલ ભાગી ગયો હતો. એ દરમિયાન મારા માતા પણ કામ ઉપરથી આવી ગયા હતાં.

બનાવની જાણ થતાં માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ વી. કે. ઝાલા તથા ડી. સ્ટાફની ટીમે દોડધામ આદરી હતી અને હદપાર મેહુલ જેઠવાને દબોચી લીધો હતો. આ શખ્સ અગાઉ પણ  ચોરી, મારામારી, હત્યાની કોશિષ  સહિતના ૧૦ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

(12:57 pm IST)