Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોબાઇલ ફોનમાં વાત કરવામાં મશગુલ સુરેશ બીજા માળેથી પડી જતાં પ્રાણ નીકળી ગયા

કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે શિવશકિત કોમ્પલેક્ષમાં બનાવઃ પાળી વગરની અગાસી હતીઃ યુવાન દિકરાના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર મેંગો માર્કેટ સામે આવેલા શિવશકિત કોમ્પલેક્ષમાં રહેતાં કોળી યુવાનનું બીજા માળે અગાસીએ વાત કરતી વખતે ધ્યાન ન રહેતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ધીરૂભાઇ આહિર મારફત પોલીસ કન્ટ્રોલ રૂમમાં થતાં ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળા અને ભાવેશભાઇ વાસાણીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર યુવાન શિવશકિત કોમ્પલેક્ષમાં જ રહેતો હતો અને કારખાનામાં કામ કરતો હતો. તે મોબાઇલ ફોન પર વાત કરવા માટે બીજા માળની અગાસીએ ગયો  હતો. વાત કરતો કરતો તે આટાફેરા કરતો હોઇ પાળી વગરની અગાસી હોવાનું ધ્યાનમાં ન રહેતાં નીચે પડીગયો હતો અને ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર યુવાન ત્રણ ભાઇમાં મોટો હતો. તેના લગ્ન થયા હતાં પરંતુ બાદમાં છુટાછેડા થઇ ગયા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:50 pm IST)