Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જામટાવર નજીક પોલીસવેનની ઠોકરે ચડી ગયેલું બ્રહ્મક્ષત્રિય દંપતિ ખંડિતઃ પત્નિએ દમ તોડ્યો

કુવાડવા રોડ સદ્દગુરૂ દર્શન કોમ્પલેક્ષમાં રહેતાં ચંદ્રીકાબેન મેર (ઉ.૫૬) પતિ મહેન્દ્રભાઇના બાઇકમાં બેસી રવિવારે સાંજે દિકરીને મળવા અમીન માર્ગ પર જઇ રહ્યા'તા ત્યારે અકસ્માત નડ્યો હતોઃ પરિવારમાં શોક

તસ્વીરમાં વૃધ્ધાનો કાળ બનેલી પોલીસવેન, રોડ પર ફેંકાઇ ગયેલા ચંદ્રિકાબેન તથા તેમનું બાઇક અને ઇન્સેટમાં તેમના પતિ તથા તેમનો ફાઇલ ફોટો જોઇ શકાય છે   (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૯: રવિવારે સાંજે જામટાવર નજીક પોલીસવેનની ઠોકરે બાઇક ચડી જતાં કુવાડવા રોડ પર રહેતાં બ્રહ્મક્ષત્રિય વૃધ્ધ દંપતિને ઇજા થઇ હતી. જેમાં સારવાર દરમિયાન પત્નિનું આજે વહેલી સવારે મોત નિપજતાં દંપતિ ખંડિત થયું છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ પર મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળાની સામે સદ્દગુરૂ દર્શન કોમ્પલેક્ષમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં મહેન્દ્રભાઇ અશોકભાઇ મેર (ઉ.વ.૬૩) નામના બ્રહ્મક્ષત્રિય વૃધ્ધ સાંજે પોતાના બાઇક જીજે૦૩કેજી-૧૧૯૪માં પોતાના પત્નિ ચંદ્રિકાબેન મેર (ઉ.૫૬)ને બેસાડીને અમીન માર્ગ પર સ્પા ચલાવતાં દિકરી પલ્લવીબેનને મળવા માટે ઘરેથી નીકળ્યા હતાં. બંને સાંજે સાડા પાંચેક વાગ્યે જામનગર રોડ રૂડા બિલ્ડીંગ નજીક જામટાવર પાસે પહોંચ્યા ત્યારે શહેર પોલીસની ગાડી નં. જીજે૧૮જી-૮૧૩૦ની ઠોકરે ચડી જતાં બંને રોડ પર ફંગોળાઇ ગયા હતાં અને ચંદ્રિકાબેનના હાથ પર ગાડીનું વ્હીલ ફરી વળતાં હાથનો છુંદો નીકળી ગયો હતો.

પતિ-પત્નિ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી. સારવાર દરમિયાન આજે વહેલી સવારે ચંદ્રિકાબેન મહેન્દ્રભાઇ મેરએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરીઓ છે. જેમાં એક દિકરી હયાત નથી. મહેન્દ્રભાઇ અગાઉ પ્રાઇવેટ નોકરી કરતાં  હતાં અને હાલ નિવૃત જીવન જીવે છે. જીવનની ઢળતી સંધ્યાએ જીવનસાથી ગુમાવતાં મહેન્દ્રભાઇ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયા અને પરાક્રમસિંહે પોલીસવેનના ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

(12:30 pm IST)