Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ કમિશનરનું જાહેરનામુઃ રાતે ૧૦ થી સવારના ૬ સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અનલોક ૧ થી ૫માં આપ્યો એવો જ સહકાર દિવાળીના તહેવાર પર પોલીસને આપવા અને માસ્ક તથા કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવા નિયમોનું પાલન કરવા મનોજ અગ્રવાલનો રાજકોટવાસીઓને અનુરોધ : ચાઇનીઝ તુક્કલ, લેટર્નના વેંચાણ પર ઉપયોગ કરવા પર પ્રતિબંધ :રોડ રસ્તા પર ફટાકડા ફોડી શકાશે નહિ : કોર્ટ કચેરી, હોસ્ટિલના ૧૦૦ મિટરના એરિયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૮: આગામી મહિને દિવાળી, નવુ વર્ષ, ભાઇબીજ તથા એ પછી દેવદિવાળીના તહેવાર આવી રહ્યા  છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એ દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નિયમોનું પાલન કરવા જણાવાયું છે અને જાહેરનામું બહાર પાડી શું શું ન કરવું તે અંગેની સુચી જાહેર કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન નીચે મુજબના કાર્યો પર પ્રતિબંધ રહેશે.

(૧) દીવાળી તેમજ દેવદિવાળીના પર્વને અનુલક્ષીને તા.૦૨/૧૧ થી તા.૦૧/૧૨ સુધી ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેંટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાવવા ઉપર પ્રતિબંધ રહેશે. એટલે રાજકોટ શહેરની હદમાં કોઈપણ વ્યકિત ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્નનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહી અને રાજકોટના પ્રજાજનો પણ આ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્ન ઉડાડી શકશે નહી.

(૨) શહેરના જાહેર રસ્તા/રોડ તથા ફૂટપાથ ઉપર દારૂખાનું કે ફટાકડા ફોડી શકાશે નહી કે સળગાવી શકશે નહી તેમજ જાહેર રસ્તા ઉપર આતશબાજી કરી શકાશે નહી.

(૩) રાજકોટ શહેરમાં રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૦૬ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

(૪) રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલના ૧૦૦ મીટર વિસ્તારમાં ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહી.

(૫)રાજકોટ શહેરના જાહેર રસ્તાઓ કે રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા ફોડી શકાશે નહી કે કોઈ વ્યકિત પર ફેંકી શકાશે નહી.

રાજકોટ શહેર ની જાહેર જનતા દ્વારા અનલોક ૧ થી ૦૫ દરમ્યાન રાજકોટ શહેર પોલીસને ખુબજ સહકાર મળ્યો છે એ જ રીતે દિવાળીના તહેવાર દરમ્યાન પણ પોલીસને સહકાર આપી હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસના સંક્રમણમાં સ્વસ્થ સુરક્ષીત રહેવા તેમજ જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા અને જાહેરમાં નહિ થુંકવા અને દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમો પાળવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા અપિલ-અનુરોધ કરાયા છે.

(3:31 pm IST)
  • ' વૃંદાવનમાં બાંકે બિહારીનો જયજયકાર ' : દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓની સંખ્યામાં આજથી વધારો કરાયો : દરરોજ બે હજાર ભક્તોને બદલે હવેથી અઢી હજાર ભક્તો દર્શન કરી શકશે : દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે access_time 2:05 pm IST

  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • મગફળી ખરીદી : ત્રીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લામાં ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર૦૦થી વધુ આવ્યા : ઉતારા-ભેજમાં ઘટાડા અંગે ચાલી રહેલી સતત માથાકુટ : દેકારો : રાજકોટ શહેર-જીલ્લામાં ચાલી રહેલ મગફળી ખરીદીમાં આજે ત્રીજા દિવસે ૧ હજારથી વધુ ખેડૂતોને બોલાવાયા : ર દિવસમાં પ હજાર કિલોથી વધુ ખરીદી : આજે બપોર સુધીમા ર૦૦ ખેડૂતો આવ્યા : ઉતારામાં ઘટાડો-ભેજમાં વધારો અંગે ગ્રેડરો-ખેડૂતો-તંત્ર વચ્ચે અનેક કેન્દ્રો ઉપર સતત માથાકુટ-દેકારો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત access_time 3:37 pm IST