રાજકોટ
News of Wednesday, 28th October 2020

દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ કમિશનરનું જાહેરનામુઃ રાતે ૧૦ થી સવારના ૬ સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

અનલોક ૧ થી ૫માં આપ્યો એવો જ સહકાર દિવાળીના તહેવાર પર પોલીસને આપવા અને માસ્ક તથા કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવા નિયમોનું પાલન કરવા મનોજ અગ્રવાલનો રાજકોટવાસીઓને અનુરોધ : ચાઇનીઝ તુક્કલ, લેટર્નના વેંચાણ પર ઉપયોગ કરવા પર પ્રતિબંધ :રોડ રસ્તા પર ફટાકડા ફોડી શકાશે નહિ : કોર્ટ કચેરી, હોસ્ટિલના ૧૦૦ મિટરના એરિયામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટ તા. ૨૮: આગામી મહિને દિવાળી, નવુ વર્ષ, ભાઇબીજ તથા એ પછી દેવદિવાળીના તહેવાર આવી રહ્યા  છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા એ દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમજ હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નિયમોનું પાલન કરવા જણાવાયું છે અને જાહેરનામું બહાર પાડી શું શું ન કરવું તે અંગેની સુચી જાહેર કરવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન નીચે મુજબના કાર્યો પર પ્રતિબંધ રહેશે.

(૧) દીવાળી તેમજ દેવદિવાળીના પર્વને અનુલક્ષીને તા.૦૨/૧૧ થી તા.૦૧/૧૨ સુધી ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેંટર્નના ઉત્પાદન, વેચાણ કે ઉડાવવા ઉપર પ્રતિબંધ રહેશે. એટલે રાજકોટ શહેરની હદમાં કોઈપણ વ્યકિત ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્નનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહી અને રાજકોટના પ્રજાજનો પણ આ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ લેંટર્ન ઉડાડી શકશે નહી.

(૨) શહેરના જાહેર રસ્તા/રોડ તથા ફૂટપાથ ઉપર દારૂખાનું કે ફટાકડા ફોડી શકાશે નહી કે સળગાવી શકશે નહી તેમજ જાહેર રસ્તા ઉપર આતશબાજી કરી શકાશે નહી.

(૩) રાજકોટ શહેરમાં રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૦૬ વાગ્યા સુધી કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

(૪) રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પીટલના ૧૦૦ મીટર વિસ્તારમાં ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહી.

(૫)રાજકોટ શહેરના જાહેર રસ્તાઓ કે રોડ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા ફોડી શકાશે નહી કે કોઈ વ્યકિત પર ફેંકી શકાશે નહી.

રાજકોટ શહેર ની જાહેર જનતા દ્વારા અનલોક ૧ થી ૦૫ દરમ્યાન રાજકોટ શહેર પોલીસને ખુબજ સહકાર મળ્યો છે એ જ રીતે દિવાળીના તહેવાર દરમ્યાન પણ પોલીસને સહકાર આપી હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસના સંક્રમણમાં સ્વસ્થ સુરક્ષીત રહેવા તેમજ જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા અને જાહેરમાં નહિ થુંકવા અને દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમો પાળવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ દ્વારા અપિલ-અનુરોધ કરાયા છે.

(3:31 pm IST)