Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

કોઠારીયા નજીક ટ્રકે બાઇકને ઉલાળતાં ગોકુલધામના પ્રકાશભાઇ કારીયાનું મોત

શાપર નોકરી પુરી કરી ઘરે આવતી વેળાએ રસ્તામાં કાળ ભેટ્યો

રાજકોટ તા. ૨૮: રાત્રીના પોણા દસેક વાગ્યે કોઠારીયા ગામ પાસે સર્વિસ રોડ પર ટ્રકે બાઇકને ઉલાળતાં બાઇક ચાલક ગોકુલધામ પાસે કડીયાનગર-૨માં રહેતાં પ્રકાશભાઇ લક્ષ્મીદાસ કારીયા (ઉ.૩૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કડીયાનગર-૨માં રહેતાં પ્રકાશભાઇ કારીયા શાપર વેરાવળ ખાતે ફેકટરીમાં નોકરી કરતો હોઇ રાત્રે નોકરી પુરી કરી પોતાનું બાઇક જીજે૩કેબી-૫૦૩૬ હંકારીને રાજકોટ આવી રહ્યો હતો ત્યારે કોઠારીયા ગામ સર્વિસ હાઇવે પર ટ્રક નં. આરજે૧૪ઝેડજી-૮૩૫૬ની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં આજીડેમના પી.એસ.આઇ. આર. વી. કડછા  સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના સ્વજનોને જાણ કરી હતી. પોલીસે મૃત્યુ પામનાર યુવાનના મોટા ભાઇ દિપકભાઇ લક્ષ્મીદાસ કારીયા (ઉ.૪૩)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો અને અપરિણીત હતો. યુવાન દિકરાના મોતથી કારીયા પરિવારજનોમાં શોક છવાઇ ગયો છે.

(3:56 pm IST)