Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

કેરળના અસરગ્રસ્તોની વ્હારે રાજકોટ આર્ટ સોસાયટીઃ કલા પ્રદર્શનનું આયોજન

૭ કલાકારો દ્વારા સમિતિની રચનાઃ તા.૧૮ થી ૨૦ ખાસ કલા પ્રદર્શન : કલાકારોએ પોતાની કૃતિઓ મોકલવીઃ પુરગ્રસ્તોની મદદ કરવા અપિલ

રાજકોટ,તા.૨૮: કુદરતી આફતથી વિપદામાં સપડાયેલ કેરલાના અસરગ્રસ્તોને સહાયરૂપ થવાનાં ઉમદા હેતુથી રાજકોટ આર્ટ સોસાયટીનાં ઉપક્રમે આગામી તા.૧૮ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્ષ સ્થિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે ખાસ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.

આ કલા પ્રદર્શનમાં રાજકોટ તેમજ બહારગામના ચિત્રકાર, શિલ્પકાર તથા ફોટોગ્રાફર્સ વ.ભાગ લઈ શકશે. તમામ કલાકારો તેમની આગવી મૌલિક કૃતિઓ ખુબજ વ્યાજબી કિંમતે સામાન્ય જનતાના સંગ્રરહમાં સ્થાન પામે તે હેતુથી વેચાણ કરવામાં આવશે અને વેચાણથી પ્રાપ્ત તમામ રકમ કેરાલા રાહત ફંડમાં જમા કરવામાં આવશે. પ્રદર્શનના આયોજન માટે એક આયોજન સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં રાજકોટ આર્ટ સોસાયટીના સભ્યો સર્વશ્રી જયેશ શાહ, નવનીત રાઠોડ, નિખિલ પિલોજપરા, અશ્વિન ચૌહાણ, સજજાદ કપાસી, ઈરફાન તબ્બાની તથા ધર્મેન્દ્ર સાહનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રદર્શનમાં ભાગ લેનાર કલાકારોએ પોતાની મૌલિક કૃતિઓ ૨૪*૩૦ ઈંચની મર્યાદામાં ફ્રેમ કરી વિના મૂલ્યે આપવાની રહેશે. આ કૃતિઓની વેચાણ કિંમત આયોજકો દ્વારા સાઈઝ મુજબ નકકી કરવામાં આવેલ છે. ભાગ લેવા ઈચ્છુક કલાકાર તેમની કૃતિઓના હાઈરિઝેલ્યુશન ફોટોગ્રાફસ પુરી વિગત સાથે રાજકોટ આર્ટ સોસાયટીનાં ઈમેલ એડ્રેસ rajkotartsociety@gmail.com અને વોટસએપ નંબર ૯૨૨૭૬ ૦૫૫૦૨ ઉપર તા.૧૫ પહેલા મોકલી આપવાના રહેશે.

પસંદગી સમિતિ આવેલ તમામ કૃતિઓમાંથી ચયન કરી પ્રદર્શન માટે પસંદ કરશે. બહાર ગામના કલાકારોએ તેમની પસંદ થયેલી કૃતિઓ ઉમેશ કયાડા, નવનીત રાઠોડ તથા અશ્વિન ચૌહાણને તા.૧૫ સુધીમાં પહોંચાડવાની રહેશે. જયારે સ્થાનિક કલાકારોએ તેમની કૃતિઓ તા.૧૭ના સાંજના છ વાગ્યા સુધીમાં આર્ટ ગેલેરી પર રૂબરૂ આપવાની રહેશે.

કલા પ્રદર્શનને સફળ બનાવવા રાજકોટ શહેરની કલાપ્રિય જનતા, કલા રસિકો તથા સંસ્થાઓ પૂરગ્રસ્તોને મદદરૂપ થવા રાજકોટ આર્ટ સોસાયટી તરફથી જાહેર અપીલ કરાઈ છે.

(3:42 pm IST)