Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જન્માષ્ટમી નિમિતે મવડી રોડ પર ક્રિષ્ના ગ્રુપના કામણ

તા. ૧ ની તા. ૪ સુધી ઉત્સવી આયોજનો : યુધ્ધના દ્રશ્યોનું પ્રદર્શન આગવુ આકર્ષણ : આઠમની રાત્રે ડાયરો અને મટકી ફોડ

રાજકોટ તા. ૨૮ : કાનુડાના જન્મોત્સવની ઉજવણી કરવા મવડીના શ્રી કૃષ્ણ યુવા ગ્રુપ દ્વારા દમદાર ઉત્સવી આયોજનો કરાયા છે.

આ અંગેની વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે મવડી મેઇન રોડ ઉપર શ્રી વિશ્વેશ્વર શાક માર્કેટ પાસે તા. ૧ થી તા. ૪ સુધી જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. તા. ૨ ના રવિવારે સવારે ૯ વાગ્યે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના હસ્તે ઉદ્દઘાટનવિધિ બાદ ઉત્સવ ખુલ્લો મુકાશે.

શેરી સજાવટ સહીત અહીં થયેલ વિશેષ આયોજનોમાં તા.૧ થી ૪ સુધી એક પ્રદર્શન ગોઠવાયુ છે. જેમાં ભારત પાકિસ્તાનના યુધ્ધના દ્રશ્યો જીવંત પ્રયાસો કરાય છે. તા. ૩ ના જન્માષ્ટમીએ રાત્રે લોકડાયરો ગોઠવેલ છે. જેમાં ૭૫ પાઘડી ફેઇમ કુલદીપભાઇ ગઢવી તેમજ લોકસાહિત્યકાર સુખદેવભાઇ ડાંગર મોડી રાત્રી સુધી જમાવટ કરશે.

મધ્યરાત્રે ૧૨ વાગ્યાના ટકોર મટકીફોડ સાથે  નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદો ગજાવી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા કરાશે. આ નિમિતે ઘરે ઘરેથી વાટકી માખણનો સહયોગ લઇ મીસરી મેળવી ભાવિકોને પ્રસાદરૂપે વિતરણ કરાશે.

કોઇ પાસેથી ફંડફાળા વગર સમગ્ર આયોજન કરાય છે. તેમા પણ જે કઇ આવક થશે તે કેરળના પૂર પીડીતોને મોકલવાનો પ્રેરણારૂપ નિર્ણય આયોજકોએ લીધો છેે.

ભગવાન શ્રીકૃષ્ણના સામાજીક વિચારો લોકો સુધી પહોંચે તેવો ભાવ આ આયોજન પાછળ હોવાનું ક્રિષ્ના યુવા ગ્રુપના કર્ણધાર અને વોર્ડ નં.૧૨ ના કોર્પોરેટર વિજયભાઇ વાંક (મો.૯૮૨૪૫ ૮૦૯૮૦) એ જણાવ્યુ હતુ.

તસ્વીરમાં સમગ્ર ઉત્સવની વિગતો વર્ણવતા વિજયભાઇ વાંક, બાલાભાઇ વાછાણી, સંજયભાઇ અજુડીયા, રમેશભાઇ વાંક, જગદીશભાઇ સખીયા, કનકસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રભાઇ હદવાણી, નિલેશભાઇ ભાલોડી, મનસુખભાઇ કપુરીયા, અશોકભાઇ મારકણા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:42 pm IST)