Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

કેરળ માટે રાજકોટની સંસ્થાઓ દ્વારા સહાયનો ધોધઃ બ્લેન્કેટ્સ,ગાઉન-પાવડર-દવા-સાબૂ મોકલાયા

ગોંડલ રામજી મંદિર દ્વારા ર લાખ અને રાજકોટ જેમ્સ જવેલરી એસો.એ પ૦ હજાર આપ્યા... : હજૂ છૂટે હાથ મદદ કરવા કલેકટર તંત્રની અપીલઃ ડીઝાસ્ટર તંત્રનો સંપર્ક કરવા અનુરોધ

રાજકોટ તા.૨૮: તાજેતરમાં ભારત દેશમાં કેરલ રાજયમાં આવેલ ભયાનક પુર અને અતિવૃષ્ટિને કારણે લાખો લોકોની માનવજીંદગી તબાહ થઇ ગઇ છે તેમજ ખુબજ પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયેલ છે. આ રાજયનાં તમામ લોકોના રાહત અને પુનર્વસન તેમજ તમામ પ્રકારની મદદ પુરી પાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ અપીલને રાજકોટ જિલ્લાનાં વિવિધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓ દ્વારા ખુબ જ સારા પ્રમાણમાં પ્રતિભાવ મળેલ છે.

રાજકોટ જિલ્લાની વિવિધ સંસ્થાઓ જેવી કે રાજકોટ એકાઉન્ટ એસોસીએશન દ્વારા બ્લેન્કેટસ, લેડીસ ગાઉન, પ્રોટીન પાઉડર અને સામાન્ય દવાઓ દરેકના ૧૦૦૦ નંગ, રોબીનહુડ આર્મી-રાજકોટ દ્વારા ૧૦૦૦ નંગ સેનેટરી પેડસ, ૫૦૦ નંગ અંતઃવસ્ત્ર અને ૧૦૦૦ બોકસ સામાન્ય દવાઓ અને મારવાડી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા ડાયપર, સાબુ, રૂમાલ, એન્ટીસેપ્ટીકસ, અંતઃવસ્ત્ર, એર ફિલ્ટર માસ્ક તેમજ અન્ય જીવન જરૂરીયાતની વસ્તુઓ દરેકનાં ૧૦૦ નંગની મદદ પુરી પાડવામાં આવેલ છે. ઉપરાંત રામજી મંદિર ટ્રસ્ટ-ગોંડલ તરફથી રૂ. ૨,૦૦,૦૦૦/-(બે લાખ પુરા) તેમજ રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન તરફથી રૂ. ૫૦,૦૦૦/- (પચાસ હજાર પુરા) ની સહાય કેરલ રાજયનાં ''ચીફ મીનીસ્ટર ડિસ્ટ્રેસ રીલીફ ફંડ''માં જમા કરાવવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ જિલ્લાનાં તમામ નાગરિકોને વધુને વધુ નાણાકિય મદદ કરવા અપીલ કરે છે. જિલ્લાના કોઇપણ નાગરિક કેરલ રાજયને નાણાકિય મદદ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતા નંબર ૬૭૩૧૯૯૪૮૨૩૨- અને ખાતાનું નામ- ''ચીફ મીનીસ્ટર ડિસ્ટ્રેસ રીલીફ ફંડ'' માં સીધા જમા કરાવી શકે છે. આ નાણાકીય સહાય આપવા માટે કોઇપણ પ્રકારનાં માર્ગદર્શન માટે જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલનાં ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફીસર શ્રી પ્રિયંકાસિંઘના મોબાઇલ નંબર-૮૪૦૧૫૯૫૧૪૪ અને ૭૯૯૦૩૬૫૩૮૫ પર સંપર્ક કરી શકાય છે.(૧.૨૮)

(3:37 pm IST)