Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સ્લમ કવાર્ટર અને હાઉસીંગ બોર્ડના સેંકડો ભયગ્રસ્ત મકાનો તોડવા નોટીસો

વોર્ડ નં. ૩નાં જામનગર રોડ પર આવેલ વર્ષો જૂની સફાઈ કામદારોની વસાહતના મકાનો અત્યંત જર્જરીત હોય કોર્પોરેશનની રી-ડેવલપમેન્ટ યોજના હાથ ધરવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની રજૂઆત બાદ કમિશ્નર બંછાનિધી પાનીનું સ્થળ નિરીક્ષણઃ દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડનાં કવાર્ટરોને પણ ડિમોલીશનની નોટીસો ફટકારાઈ

અમદાવાદમાં સરકારી આવાસ યોજનાના જર્જરીત મકાનો તુટવાની ઘટના બાદ રાજકોટ કોર્પોરેશન પણ સફાળુ જાગ્યું છે અને આજે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની રજુઆત બાદ વોર્ડ નં. ૩ માં આવેલ વર્ષો જુના જર્જરીત સ્લમ કવાર્ટરો તોડી પાડીને તેમના સ્થાને નવા ફલેટ બનાવવાની રિ-ડેવલપમેન્ટ યોજના અંગે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. તે વખતની તસ્વીરોમાં જર્જરીત બે માળનાં સ્લમ કવાર્ટરોનું નિરીક્ષણ કરી રહેલા બંછાનીધી પાની, ગાયત્રીબા વાઘેલા તથા ભાજપનાં  પુર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, સીટી ઇજનેર શ્રી કામલીયા વગેરે દર્શાય છે.

રાજકોટ, તા. ૨૮ :. બે દિવસ અગાઉ અમદાવાદના ઓઢવમાં સરકારી આવાસ યોજનાના જર્જરીત કવાર્ટરો તૂટી પડતા જાનહાની થયાની ઘટનાથી સફાળા જાગી ઉઠેલા રાજકોટ કોર્પોરેશનના તંત્રવાહકોએ પણ મ્યુ. કોર્પોરેશન ઉપરાંત હાઉસીંગ બોર્ડ દ્વારા વર્ષો અગાઉ બનાવાયેલી વસાહતોના જર્જરીત મકાનોને તોડી પાડવા આવા મકાનોનો સર્વે કરી નોટીસો આપવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. જે અંતર્ગત આજે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જામનગર રોડ પર આવેલ સ્લમ કવાર્ટર તથા સામા કાંઠે આવેલ દૂધની ડેરી વિસ્તારના હાઉસીંગ બોર્ડ કવાર્ટરોની રૂબરૂ મુલાકાત લઈ અને જર્જરીત મકાનો તોડી પાડવા અંગે નોટીસો ફટકારી હતી.

આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. ૩માં જામનગર રોડ પર આવેલ કોર્પોરેશને વર્ષો અગાઉ સફાઈ કામદારો માટે બનાવેલી સ્લમ કવાર્ટર નામની વસાહતના બે માળિયા કવાર્ટરો અત્યંત જર્જરીત થઈ ગયા હોય ગમે તે વખતે તૂટી પડે અને મોટી જાનહાની થાય તેવી શકયતા છે આમ છતા આ કવાર્ટરોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજબૂરીથી વસવાટ કરી રહ્યા છે ત્યારે આ વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ મ્યુ. કમિશ્નરને આ જર્જરીત મકાનો તોડી પાડી અને તેના સ્થાને નવા ફલેટ બનાવવાની રી-ડેવલપમેન્ટ યોજના સાકાર કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત સંદર્ભે આજે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ગાયત્રીબા વાઘેલા સાથે ઉપરોકત સ્લમ કવાર્ટરોની રૂબરૂ મુલાકાત લઈ જર્જરીત મકાનોનું નિરીક્ષણ કર્યુ હતુ અને આ મકાનો તોડી પાડવાની અત્યંત જરૂર હોય મકાનો તોડવા અંગે નોટીસો ફટકારી અને ત્યાર બાદ રી-ડેવલપમેન્ટ યોજના હેઠળ નવા મકાનો બનાવવા કાર્યવાહી હાથ ધરવા અંગે ખાત્રી આપી હતી.

આ ઉપરાંત કમિશ્નર શ્રીએ સામાકાંઠે દૂધની ડેરી વિસ્તારમાં આવેલ હાઉસીંગ બોર્ડના જર્જરીત કવાર્ટરોનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ અને આ જર્જરીત કર્વાટરો અંગે નોટીસો આપી અને જો હાઉસીંગ બોર્ડ દ્વારા આવા કવાર્ટરો દૂર કરવામાં નહી આવે તો મ્યુ. કોર્પોરેશન દ્વારા આવા જર્જરીત મકાનો તોડી પડાશે તેમ મ્યુ. કમિશ્નરે જણાવ્યુ હતું.

ચુનારાવાડમાં ભયગ્રસ્ત મકાનને નોટીસ

શહેરમાં વર્ષો જૂના ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિવાળા મકાનોને શોધી અને આવા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી અંતર્ગત આજે વોર્ડ નં. ૧૫માં આવેલ ભાવનગર રોડના ચુનારાવાડ વિસ્તારમાં ભાડુઆત કાનજીભાઈ રાણેસરાને તેઓનું ભયગ્રસ્ત મકાન તોડી પાડવા અંગે નોટીસ અપાયેલ છે.

(3:23 pm IST)