Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

મહેશ અને અરવિંદે બારદાન બહારગામથી આવ્યાનું કહીને ઓઇલ મીલોમાં વેંચી માર્યા'તા

મહેશે જેટલા બારદાન ખરીદ કર્યા'તા તેમાંથી ૧૦૫૦ નંગ તો નકામા નીકળ્યાનું રટણઃ બંનેના રિમાન્ડ કાલે પુરાઃ દહિસરડાની અંજની ઓઇલ મીલ અને નેકનામની ચંદન ઓઇલ મીલમાંથી ૧.૮૮ લાખના બારદાન જપ્ત કરાયા

રાજકોટ તા. ૨૭: રાજકોટના જુના માર્કેટ યાર્ડના બારદાન કોૈભાંડમાં રિમાન્ડ પર રહેલા આઠ શખ્સોમાંથી બે વેપારીઓને સાથે રાખી પોલીસે દહીસરડાની અંજની ઓઇલ મીલમાંથી અને નેકનામની ચંદન ઓઇલ મીલમાંથી રૂ. ૧,૮૮,૬૭૬ના ૩૬૭૮ નંગ બારદાન કબ્જે લીધા છે. મગન આણી મંડળીએ યાર્ડમાંથી બઠ્ઠાવેલા કુલ ૧૫ લાખ ૮૦ હજારના ૩૦૮૦૦ નંગ બારદાન પૈકીનો આટલો જથ્થો કબ્જે કરાયો છે. આ બારદાર બે વેપારીઓએ સસ્તામાં ખરીદી બારોબાર વેંચી નાંખ્યા હતાં.

સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.૫૫) અને મળતીયાઓએ કાવત્રુ રચી યાર્ડમાં બારદાનના જથ્થામાં લાગેલી આગ વખતે બચી ગયેલા લાખોના બારદાન પૈકી ૧૫ લાખ ૮૦ હજારના બારદાન બારોબાર વેંચી નાંખ્યા હતાં. આ મામલે નોંધાયેલા ગુનામાં ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવડીયા સહિત ૮ની વિસ્તૃત પુછતાછ થઇ રહી છે. ગઇકાલે પોલીસે બચેલા બારદાન જ્યાં રખાયા છે તે તરઘડીના ત્રણ ગોડાઉનમાં જઇ તપાસ કરી હતી. દરમિયાન સસ્તા ભાવે બારદાન ખરીદનારા બે વેપારીઓ મહેશ ભાનુશાળી અને અરવિંદ ઠક્કરને સાથે રાખી પોલીસે ગત સાંજે દહિસરડાની અંજની ઓઇલ મીલ અને નેકનામની ચંદન ઓઇલ મીલમાંથી રૂ. ૧,૮૮,૬૭૬ના ૩૬૭૮ નંગ બારદાન કબ્જે કર્યા છે. આ બંને વેપારીના રિમાન્ડ કાલે પુરા થતાં હોઇ કોર્ટ હવાલે કરાશે. તેમજ મગન સહિતના છ શખ્સોના રિમાન્ડ પરમ દિવસે પુરા થશે.

પોલીસ હાલમાં મગન ઝાલાવડીયા ઉપરાંત તેને કોૈભાંડમાં મદદગારી કરનારા પાંચ શખ્સો મનસુખ ભીખાભાઇ ઉર્ફ બાબુભાઇ જેઠાભાઇ લીંબાસીયા (ઉ.૫૧-રહે. તરઘડી), કાનજી દેવજીભાઇ ઢોલરીયા (ઉ.૪૬-રહે. આર્યનગર-૧૭ શાળા નં. ૭૨ પાસે, મુળ ડેરોઇ તા. રાજકોટ), નિરજ મનસુખભાઇ ગજેરા (ઉ.૨૬-રહે. આસ્થા સાલિગ્રા બ્લોક નં. ૧૨૭, અવચર મેંદપરાના મકાનમાં માધાપર-રાજકોટ), પરેશ હંસરાજભાઇ સંખાવરા (ઉ.૩૬-રહે. મોરબી રોડ અર્જુન પાર્ક, મુળ તરઘડી) તથા કાળુ બાબુભાઇ ઝાપડા (ઉ.૩૫-રહે. તરઘડી તા. પડધરી)ની પુછતાછ કરી રહી છે. સસ્તા ભાવે બારદાન ખરીદનારા બે વેપારીઓ મહેશ  પ્રધાનભાઇ મંગે (ભાનુશાળી) (ઉ.૩૬-શ્રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર નં. ૨૧૩, બાલકૃષ્ણ સોસાયટી-૧૭) તથા અરવિંદ પેરાજભાઇ ઠક્કર (ઉ.૫૯-રહે. જસાણી પાર્ક-૩, એરપોર્ટ રોડ) પણ રિમાન્ડ પર છે.  

ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓ કોલકત્તા અને મહારાષ્ટ્ર તરફ પણ તપાસ કરવા પહોંચી છે. જે હજુ પરત આવી નથી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકર, પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. મુખ્ય તપાસમાં બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમનો સમાવેશ થાય છે. (૧૪.૧૪)

(11:37 am IST)