Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

સરકારી વિધ્ન વિના સામાન્ય સભા પાર પાડવા ખાટરીયા જુથ કાનુની લડતના માર્ગે

રાજકોટ જિલ્લા પંચાયત રાજકીય અને કાનુની વિવાદના વમળમાં: હાઇકોર્ટમાં રીટની તજવીજઃ ૧૩ સભ્યોને ગેરલાયક ઠેરવવા ઓથોરીટી સમક્ષ અરજી દાખલ

રાજકોટ, તા., ૨૮: જિલ્લા પંચાયતમાં રોજ નવા કાનુની અને રાજકીય વિવાદો સર્જાતા વાતાવરણ ડહોળાઇ રહયું છે. બન્ને જુથે પોતાનું ધાર્યુ કરાવવા વિકાસ કમિશનર પાસે દોટ મુકી છે.

પુર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરીયાએ જણાવ્યા મુજબ તેમના ટેકેદાર ર૧ સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલી આપવામાં આવ્યા છે. તા.૩૧ મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે કારોબારી અને ૧૧ વાગ્યે સામાન્ય સભા યોજવા માટે ડીડીઓએ એજન્ડા પ્રસિધ્ધ કર્યો છે. એક જ સ્થળે માત્ર અડધી કલાકના અંતરે બે મીટીંગ રાખવાથી સર્જાનારી પરીસ્થિતિ માટે ડીડીઓ જવાબદાર ગણાશે તેમ કોંગ્રેસ માને છે. સામાન્ય સભામાં કારોબારી સતામાં કાપ મુકવાનો ઠરાવ થનાર હોવાથી સરકાર કોઇ કારણ આગળ ધરી સામાન્ય સભા અટકાવે નહિ તે માટે વિકાસ કમિશનરમાં કેવીયેટ દાખલ કરવા ઉપરાંત હાઇકોર્ટમાં રીટ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શ્રી ખાટરિયાએ જણાવેલ કે કોંગ્રેસના ૮ બાગી સભ્યો પાર્ટી લાઇનમાં પરત ફર્યા હોવાથી તેને બાદ કરીને બાકીના બાગી સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ પગલા લેવા માટે સરકારે નિયુકત કરેલ નિવૃત સનદી અધિકારી સમક્ષ અરજી કરી દેવામાં આવી છે.

બીજી તરફ ભાજપ પ્રેરિત બાગી જુથ આજે ગાંધીનગર તરફ છે. સામાન્ય સભા રોકવા અથવા કારોબારીની સત્તા છીનવાતી રોકવાના પ્રયાસો થઇ રહયા છે.(૪.૩)

(11:36 am IST)