Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સમસ્ત બ્રહ્મસમાજનો કાર્યક્રમ હવે ગુરૂવારે

ભુદેવો પવિત્ર શ્રાવણી પર્વ સમૂહ ભોજન લેશેઃ આજનો સમારોહ હવે ૩૦મીએ યોજાશે : વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં જ્ઞાતિરત્નોનું સન્માનઃ કશ્યપભાઈ શુકલ

રાજકોટ,તા.૨૭: શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટના વરિષ્ઠ અગ્રણી કશ્યપભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટના પ્રમુખના જનાર્દનભાઈ આચાર્ય, દર્શિતભાઈ જાની અને તેમની ટીમ રાજકોટના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણી પર્વ સમુહ ભોજન અને જ્ઞાતિ રત્નોનું સન્માન કરવાનું આયોજન તા.૩૦ને ગુરૂવારના રોજ કરેલ છે.

રાજકોટના દરેક સમાજમાં બ્રાહ્મણોની વ્યાપક સ્વિકૃતિ છે જ અને બ્રાહ્મણો સમાજના તમામ વર્ગો અને વ્યવસાય સાથે ગાઢ નાતો ધરાવે છે અને બ્રાહ્મણોને લાંબો ઈતિહાસ તપાસતા માલુક પડશે કે બ્રાહ્મણોએ હંમેશા સમાજને આપ્યું છે. બ્રાહ્મણ કદી યાચક બની શકે નહી. આ બ્રહ્મણોનો મૂળભૂત સ્વભાવ અને બ્રહ્મ ગૌરવએ બ્રાહ્મણોની ઓળખ છે. બ્રાહ્મણએ જ્ઞાતિ નથી. બ્રાહ્મણએ વિચાર છે. આ વિચારને ધ્યાનમાં લઈને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટ કાર્યરત છે. આ અંતર્ગત પવિત્ર શ્રાવણ માસમાં વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ પરિવારો શ્રાવણી પર્વ અંતર્ગત સમુહ ભોજમાં ઉપસ્થિત રહેનાર છે અને વિવિધ ક્ષેત્રમાં કાર્યરત એવા બ્રહ્મ રત્નોનું શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટ દ્વારા સન્માન થનાર છે.

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટ દ્વારા શ્રાવણી પર્વ સમુહ ભોજન અને બ્રહ્મ રત્નો સન્માન સમારોહમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટના આમંત્રણને માન આપીને મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી આ ગૌરવવંતા સમારંભમાં સહભાગી થઈ ખાસ ઉપસ્થિત રહેનાર છે અને આ કાર્યક્રમ આજરોજ સોમવારના રોજ નિયત થયેલ હતો, પરંતુ વિજયભાઈ રૂપાણી અનિવાર્ય આ કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા હોય અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટને અનુકુળતા હોય તે તારીખે ફરી ઉપસ્થિત રહેવાની સંમતિ આપતા હવે પછી તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૬ કલાકે બી.એ.પી.એસ. હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે શ્રાવણી પર્વ ભોજન અને જ્ઞાતિ રત્ન સન્માન કાર્યક્રમનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમમાં ફકત તારીખમાં જ ફેરફાર થયેલ છે. બાકીના તમામ કાર્યક્રમો યથાવત રહેલ છે.

શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટ દ્વારા શ્રાવણી પર્વ સમૂહ ભોજન અને બ્રહ્મ રત્નો સન્માન સમારોહમાં વિશાળ સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહેવાના હોય અને ટ્રાફીકની સમસ્યા નિવારવા સમસ્ત બ્રહ્મ સમાજે કાલાવડ રોડ ઉપર આવેલી માતુશ્રી વિરબાઈમાં મહિલા કોલેજના કમ્પાઉન્ડમાં આ કોલેજના સંચાલક મંડળના સહયોગથી વાહનોના પાર્કિંગની વ્યવસ્થા નિયત થયેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના વરિષ્ઠ અગ્રણી કશ્યપભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટના પ્રમુખ જનાર્દનભાઈ આચાર્ય, દર્શિનભાઈ જાની અને તેમની ટીમના કમલેશભાઈ પી. ત્રિવેદી, એડવોકેટ જયેશભાઈ જાની, પ્રશાંતભાઈ જોશી, દક્ષેશભાઈ પંડ્યા, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નલીનભાઈ જોષી, જયેશભાઈ ઉપાધ્યાય, અતુલભાઈ વ્યાસ, ડો.એન.ડી.શીલુ, જનાર્દનભાઈ પંડ્યા તેમજ સમસ્ત બ્રહ્મ સમાજની કારોબારી સમિતિના સભ્યોશ્રીઓ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ- રાજકોટ મહિલા પાંખ સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૧૦)

(3:37 pm IST)