Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જમણા હાથનું સ્‍વેટર...!

આંસુઓ રોકી ન શકાય તેવી અદ્‌ભૂત ગાથા...

ઘણા સમય પહેલાની વાત છે... કેન્‍સરથી પીડાતા મારા ભત્રીજાની સારવાર માટે, હું દરરોજ ઉપનગરીય ટ્રેનમાં  થાણેથી દાદર જતો. એક દિવસ મેં સ્‍ટેશન પર એક ધ્‍યાનાકર્ષક દંપતિને જોયું. .ગોરો વાન  પાતળી કાયા,હસતો ચહેરો ધરાવતા અને નમ્ર જણાતા આ પતિ-પત્‍નીની ઉંમર લગભગ પચાસના દશકમાં હશે. પતિ ઓફિસ ડ્રેસ માં,બ્રિફકેસ સાથે અને પત્‍ની આછા રંગની સાડી ઉપર શાલ ઓઢી ને સ્‍ટેશનની બેન્‍ચ પર હાથમાં હાથ નાખીને એકબીજાની નજદીક બેઠા હતા.બંનેની જોડી ખૂબ સુંદર લાગતી હતી. આ યુગલ નિયમિત રીતે સ્‍ટેશન પર સવારે જોવા મળતું.

દરરોજ આ સુંદર દંપતિ ને જોવા માટે હું પણ વહેલો સ્‍ટેશન પર આવી જતો.અને ઈશ્વરનો આભાર માનતો કે વિશ્વ આવા સુંદર લોકોથી ભરેલું છે.

રોજ તેઓ ટ્રેનમાં ચડતા ત્‍યારે બારીની સીટ લેતા  અને એકબીજાની નજીક બેસતા. પતિ અખબાર વાંચતો અને પત્‍ની ક્રીમ રંગનું સ્‍વેટર ગૂંથવાનું શરૂ કરી દેતી

આ તેમનો દરરોજનો ક્રમ બની ગયો હતો.

દરરોજના આ ક્રમ દરમિયાન મેં જોયું કે કમરના ભાગ સુધી સ્‍વેટર પૂર્ણ થઈ ગયું છે ... પછી છાતીનો ભાગ.... પછી ગરદન... પછી જમણો હાથ. પેલીસ્ત્રી પોતાના શાંત અને સ્‍થિર ગતિ અને સ્‍મિતભર્યા ચહેરા સાથે જાણે કોઈ ઉતાવળ ન હોય તેમ સ્‍વેટર ગૂંથતી રહેતી. જયારે તેઓ ટ્રેનમાં ચડતા અને હાથમાં હાથ નાખીને નીચે ઉતરતા ત્‍યારે લોકલ ટ્રેનની ગીરદી વચ્‍ચે એકબીજાની ખૂબ કાળજી લેતા.

અને પછી એક દિવસ અચાનક એવું બન્‍યું કે મેં તે દંપતી ને જોયું નહીં. સ્‍ટેશન પર બંને ક્‍યાંય દેખાયા નહિ. બીજા દિવસે પણ મેં તેમને જોયા નહીં. ત્રીજા દિવસે પણ સ્‍ટેશન પર મને તે દેખાયા નહીં. આમ દિવસો પસાર થયા... બે મહિના વીતી ગયા. હું ચિંતિત અને અધીરો થઈ ગયો* સાચું કહું તો હું એ પ્રેમાળ દંપતિને ચાહવા લાગ્‍યો હતો.

 મેં તેમને ફરીથી જોવાની આશા લગભગ ગુમાવી દીધી હતી ત્‍યારે અચાનક એક દિવસ મેં જોયું કે પતિ તેના રોજિંદા ડ્રેસમાં અને તેના બ્રીફકેસ સાથે બેંચ પર એકલો બેઠો હતો.

હું હિંમત એકઠી કરીને થોડા ખચકાટ સાથે તેની તરફ આગળ વધ્‍યો, બાજુમાં બેઠો અને પૂછ્‍યું -‘સર, હું આપને પરેશાન કરતો હોઉં તો મને માફ કરજો,  પણ મેડમ ક્‍યાં છે?'

તેણે સીધું મારા સામે જોયું, તેના ચહેરા પર ઘણા બધા સવાલો હતાં.

ઉતાવળે શ્વાસ લઈને મેં બોલવાનું ચાલુ રાખ્‍યું. ‘સર, હકીકતમાં હું તમને બંનેને ઘણા મહિનાઓથી જોઈ રહ્યો છું..આપ બંને ઈશ્વરે સર્જેલું ખૂબ જ અદ્વુત યુગલ છો. દરરોજ હું આપ બંનેને શાંતિથી દૂરથી જોઉં છું અને મને ગમે છે. હું આપનો આદર કરું છું ...હું તમને બંનેને જોવા માટે વહેલા સ્‍ટેશન પર આવી જતો. તમે જે ડબ્‍બામાં ચડતા હતા તે જ ડબ્‍બામાં હું પણ ચડતો હતો...પણ મેમ ક્‍યાં છે? એ ઠીક તો છે ને?'

‘ના. તે હવે હયાત નથી. તે લગભગ બે મહિના પહેલા જ મને એકલો મૂકીને ચાલી ગઈ.' તે સજ્જને જવાબ આપ્‍યો.

તે સાંભળી ને મને આઘાત લાગ્‍યો, મારો શ્વાસ રુંધાય ગયો. તે સજ્જન બોલતા રહ્યા. ‘તે અંતિમ તબક્કાના ગળાના કેન્‍સરથી પીડાઈ રહી હતી...તે મારી બાજુમાં રહેવા માંગતી હતી અને તેના જીવનની દરેક ક્ષણને મારી સાથે અનુભવવા માંગતી હતી.  ડોક્‍ટરોની સલાહ વિરૂદ્ધ, તે ઘરના કામ ઝડપથી પૂરા કરીને પણ, મારી સાથે ઓફિસે આવતી હતી... તેણે મારા માટે સ્‍વેટર ગૂંથવાનું શરૂ કર્યું જેથી મને શરદી અને ગળાનું કેન્‍સર ન થાય, તે એવું વિચારતી હતી કે આ શરદી અને પ્રદૂષણને કારણે  ગળાનું કેન્‍સર થાય છે.'

આ વાતચીત દરમિયાન બે ટ્રેન આવી અને જતી રહી. તેને કોઈ ઉતાવળ નહોતી. પછી ત્રીજી ટ્રેન આવી ત્‍યારે તેણે કહ્યું, ‘મારે આ ટ્રેનમાં ચઢવું જ પડશે, નહીં તો મને મારી ઓફિસે મોડું થઈ જશે.' પછી તેણે  ઉતાવળે ટ્રેનમાં ચઢવા તરફ પ્રયાણ કર્યું... ત્‍યારે મેં જોયું અને મને ખબર પડી  કે સ્‍વેટર હજુ અધુરૂ હતું. તેના ક્રીમ રંગના સ્‍વેટરનો ડાબો હાથ હજી અધૂરો હતો !

પરંતુ એ સજ્જને અધૂરું સ્‍વેટર એટલી સહેલાઈથી અને નિઃસંકોચપણે પહેર્યું હતું કે બીજું બધું જ તેના માટે ગૌણ હતું. પતિ એ અધુરૂ રહી ગયેલું  સ્‍વેટર પહેરીને તેની બાજુમાં પત્‍નીની હાજરી અનુભવવાની કોશિશ કરી રહ્યો હતો ....હું મારા આંસુઓ રોકી ન શક્‍યો. સ્‍વેટર ભલે અધૂરું હતું પરંતુ બંને વચ્‍ચેનો પ્રેમાળ સંબંધ સંપૂર્ણ હતો - એક વર્તુળની જેમ સંપૂર્ણ !..

આપણે બધા આ અધૂરા સ્‍વેટર જેવું અધૂરું જીવન જીવવા માટે સંઘર્ષ કરીએ છીએ, પરંતુ આ એક બાંય વાળા અધૂરા સ્‍વેટરની હૂંફ  સંબંધોને સંપૂર્ણ, એક વર્તુળ જેમ સંપૂર્ણ, બનાવવાની તાકાત ધરાવે છે. આપણે જેને પણ ચાહતા હો તેની સાથે જીવનમાં બીજી બધી વસ્‍તુઓ ભલે અધૂરી રહી જાય...પણ આપસના સંબંધો અધુરા નહીં પણ સંપૂર્ણ હોય તે બહુ જરૂરી છે, તેને  પ્રેમથી, સ્‍નેહથી, આદરથી, વિશ્વાસથી અને કૃતજ્ઞતાથી સંપૂર્ણ બનાવીએ..

(ડો. શરદ ઠાકરનો અભૂતપૂર્વ,

હૃદય હચમચાવી દે તેવો લેખ સોશ્‍યલ મિડીયામાંથી સાભાર)

(4:49 pm IST)