Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આંસુ, સાસુ, ચોમાસુ કયારે વરસે તે નકકી નહીં, માટે જીવનના સત્‍કાર્યમાં વિલંબ કરવો નહીં: પૂ. ધીરજમુનિ મ.સા.

જશાપરમાં પૂ. ધીરગુરુદેવનો ઐતિહાસિક ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ તા. ર૭: શ્રી સ્‍થાનકવાસી જૈન સંઘ અને સમસ્‍ત ગામના ઉપક્રમે ભાણવડ તાલુકાના જશાપરમાં જૈનમુનિ પૂ. ધીરગુરુદેવ તથા પૂ. ગુણીબાઇ મહાસતીજી આદિઠાણાનો પ્રથમ જ વાર ચાતુર્માસ પ્રવેશની રંગેચંગે ઉજવણીથી સર્વત્ર ધર્મોલ્લાસ છવાયો હતો.

પ્રવેશ પૂર્વે રંજનબેન નાથાલાલ મોદી પ્રેરિત નવકારશી બાદ પ્રેમ ચબુતરાથી મુખ્‍ય મહેમાનો ઘોડા પર આરૂઢ થયા બાદ કળશધારી બહેનો તેમજ દેશ-વિદેશથી આવેલ હજારો ભાવિકોએ ‘જિનશાસન કી શાન હૈ, ધીરગુરુ મહાન હૈ'ના જયનાદે આકાશ ગુંજાવ્‍યું હતું.

શ્રીમતી માલિની કિશોર સંઘવી-સેવા સંકુલના પટાંગણે ડુંગર દરબારમાં અમીશા નીરજ વોરાના પ્રમુખપદે સમારોહમાં ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમે સચિત્ર તત્‍વાર્થ સૂત્રનો ચડાવો ર લાખમાં લીધા બાદ રીમોટથી વિમોચન વિધિ કર્યા બાદ ચાતુર્માસ પોથી જૈન રામાયણનો પ લાખ ૪ હજારમાં કાટકોલાના સરપંચ શ્રીમતી શિલ્‍પા કે. ડી. કરમુરે લઇને ગુરુદેવના કરકમલોમાં અર્પણ કરેલ.

આ ખુશાલીમાં જન્‍માષ્‍ટમીમાં અમીશા નીરજ વોરા તરફથી ધુંવાડાબંધ ગામ જમણની ઘોષણા કરાતાં જય દ્વારકાધીશનો જય જયકાર વર્તાયો હતો. વિક્રમભાઇ માડમનું હરેશભાઇ વોરા, મુળુભાઇ બેરાનું સતીષ એસ. મહેતાએ હાલારી પાઘડીથી સન્‍માન કરેલ. પ્રવીણભાઇ કોઠારી અને અનિલ મણિયારના હસ્‍તે શાસનવંદના યોજાયેલ. જશવંત મણિયારે સહુને આવકાર્યા હતા.

સેવા સંકુલ પ્રવેશ દ્વારનો ૧પમાં ચડાવો કે. ડી. કરમુર અને જય દ્વારકાધીશ પ્રવેશ દ્વારનો એડવોકેટ દીપ્‍તિ શૈલેશ શાહે લાભ લીધેલ. જીવદયા કળશની દક્ષાબેન મુકેશભાઇ કામદાર, પ્રદીપભાઇ સી. ગાંધી અને વિરાજ, નિધિ શાહે લઇને ઉમંગ વધાર્યો હતો. સાધર્મી ભકિમત અને અષ્‍ટમંગલનો લાભ ચપોચપ લેવામાં આવેલ. સૂત્ર સંચાલન સંજય શાહે કરેલ.

ધર્મસભાને સંબોધતા ગુરુદેવે જણાવેલ કે-આંસુ, સાસુ, ચોમાસુ કયારે વરસે તે નકકી નહિ માટે સત્‍કાર્યમાં વિલંબ કરવો નહીં. જીવનને સમૃદ્ધ બનાવવા આદતને બદલવા, સોબતને સુધારવા અને દાનતને બદલવા પ્રયત્‍ન કરશો તો ચોમાસુ સફળ જશે. શ્‍યામ ધંધુકીયા, માલદે ગાગલીયા વગેરેએ પાન, બીડી, તમાકુનો ત્‍યાગ કરી ગુરૂ દક્ષિણાનો પ્રારંભ કરેલ.

સમસ્‍ત ગ્રામજનો અને આસપાસના સેવકોની જહેમતથી પપ૦૦ જેટલા ભાવિકોએ શાંતિપૂર્વક પ્રસાદનો લાભ લીધેલ. યુવા દાનવીર કે. ડી. કરમુર વગેરેના સહિયારા સથવારે ચાતુર્માસ પ્રવેશોત્‍સવ અવિસ્‍મરણીય બની રહેલ છે. તેમ મનહરભાઇ મણિયારની યાદીમાં જણાવાયું છે. જશાપર માટે મો.૭પ૬૬૩ ૩૩૩૩૩/૯૩રરર ૬૧૧ર૪ નો સંપર્ક કરવો.

(4:22 pm IST)