Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બેડમિન્ટન (સમર) કોચિંગ કેમ્પ સંપન્નઃ ૮૦ ખેલાડીઓએ લાભ લીધો

રાજકોટ તા.૨૭ :. રાજકોટ ડીસ્ટ્રીકટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત અને જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ, જ્યોતિ ફાઉન્ડેશન, એવીઆર (વિક્રમ) વાલ્વ્સ પ્રા.લિમિટેડ તથા આર.કે.જૈન ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત બેડમિન્ટન (સમર) કોચિંગ કેમ્પ તારીખ ૨૫મે, શનિવારના રોજ  સંપન્ન થયો હતો. ૨૫ દિવસ ચાલેલ આ પ્રશિક્ષણ શિબિરમાં ૬ થી ૨૦ વરસના આશરે ૮૦ ખેલાડીઓને ટી-શર્ટસ તથા સર્ટિફિકેટ્સથી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મુખ્ય મહેમાન ઇન્કમ ટેકસ કમિશનર શ્રી બી.વી.ગોપીનાથ (IRS) સાહેબે ખેલાડીઓને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે હૈદરાબાદમાં ભારતની શ્રેષ્ઠ કહી શકાય તેવી બેડમિન્ટનની અકેડેમીઓ છે અને તેઓશ્રી પણ હૈદરાબાદના છે. રાજકોટમાં આટલા બધા યુવા ખેલાડીઓ છે તે જોઇને તેઓને અત્યંત આનંદ થયો છે.

શ્રી વિક્રમભાઇ જૈને ખાસ નોંધ લીધી હતી કે લગભગ ૫૦ ટકા જેટલી વિદ્યાર્થીનીઓએ પણ આ શિબિરનો લાભ લીધો છે તે એક સુખદ આશ્ચર્ય છે. તેઓએ ફરી એક વખત જણાવ્યું કે રાજકોટના યુવા રમતવીરો મહેનત કરી સફળ થાય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેવી શુભેચ્છા.

વાઇલ્ડ સૌરાષ્ટ્ર ગ્રુપ દ્વારા કયા કયા સ્વદેશી તેમજ સ્થાનિક વૃક્ષો પક્ષીઓને આકર્ષે તેની રસપ્રદ માહિતી ધરાવતી ''આંગણે વાવીએ કલરવ'' નામની એક રસપ્રદ પુસ્તિકા પ્રકાશિત કરાયેલ છે. શ્રી પરિમલ જોશીએ રાજકોટ ડિસ્ટ્રિકટ બેડમિન્ટન એસોસિએશન વતી ૧૫૦ જેટલી પુસ્તિકાનું વિતરણ કરતા સહુને આગ્રહભરી વિનંતી કરી હતી કે દર વર્ષે ચોમાસામાં ઓછામાં ઓછું એક ઝાડ વાવે અને તેની માવજત કરીને ઉછેરે.

આયોજન મંત્રી શ્રી ભૂષણ પંડ્યાએ ખેલાડીઓ તેમજ તેમના માતા-પિતાને જણાવ્યું કે બેડમિન્ટન માત્ર રમત જ નથી, પરંતુ તંદુરસ્ત, કાર્યક્ષમ અને શિસ્તબદ્ધ રહેવાની એક સંપૂર્ણ જીવનશૈલી છે. ચેમ્પિયન બનવા માટે વહેલી સવારથી ઉઠીને કસરત, કોર્ટ પ્રેકટીસ, ભણતર અને આરામનું આયોજનબદ્ધ સમય પત્રક બનાવવું જોઇએ જેથી સમયનો સદ્દઉપયોગ કરીને સફળતાના શિખરો સર કરી શકાય. સાથોસાથ પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર્સ, કેલેરી, વિગેરે સપ્રમાણ મળી રહે તેવો પૌષ્ટિક આહાર પણ જરૂરી છે.

અંતમાં શ્રી મહેન્દ્ર ત્રિવેદીએ કેમ્પના સુંદર આયોજન માટે શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી વિક્રમ જૈન, શ્રી સહદેવસિંહ જાડેજા, શ્રી વિક્રમસિંહ રાણા, શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, શ્રી ભરત પીઠડીયા, કુ.મનીષાબેન, શ્રી જયદિપસિંહ જાડેજા, શ્રી કૌશિક સોલંકી, શ્રી મહેશ દિવેચા, ડિસ્ટ્રિકટ સ્પોટ્ર્સ ઓફિસર શ્રી વી.પી.જાડેજા, ચીફ સિનીયર કોચ કુ.રમાબેન, શ્રી નિરંજન દોશી, ડો. વાય.એમ. માંકડ, ભૂતપૂર્વ રાષ્ટ્રીય ખેલાડી શ્રી જયદિપસિંહ સરવૈયા (મુખ્ય કોચ) તથા શ્રી કલ્પેશ નારણીયા અને શ્રી સમીર ભીંડોરા (કોચ) વિગેરેનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો અને દિવાળી વેકેશનમાં વિન્ટર કોચિંગ કેમ્પનું આયોજન કરવાનો કોલ આપ્યો હતો.

(3:46 pm IST)