Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ

ગરમીથી હજુ છૂટકારો નહિં મળે : પારો ૪૫એ પહોંચશે

સૌરાષ્ટ્રના પૂર્વ ભાગો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું જોર વધુ રહેશે : સૌરાષ્ટ્ર - કચ્છમાં પવનનું જોર વધુ જોવા મળશે : ૩૧મીથી બફારો પણ વધશે : કેરળ અને કર્ણાટકમાં પ્રિ-મોન્સુન અને આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ વરસાદ પડશે : ચોમાસુ તા.૨૯-૩૦ મે (બુધ-ગુરૂ) આસપાસ આંદામાનનો દરિયો, આંદામાનનો ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીના થોડા ભાગોમાં આગળ વધશે

રાજકોટ, તા. ૨૭ : છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય બફારા સાથે ગરમીથી સેકાઈ રહ્યા છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ગરમીથી રાહત મળવાની નથી. આવતીકાલથી ગરમીમાં વધારો થશે અને પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી જશે. હાલમાં જે સેન્ટરોમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યાં હજુ પણ ગરમી વધશે. જયારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ મહિનાના અંતમાં આંદામાનનો દરિયો ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીના થોડા ભાગોમાં આગળ વધશે તો કેરળ અને કર્ણાટકમાં પ્રિમોન્સુન અને આંદામાન નિકોબાર ટાપુ ઉપર પણ વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે છેલ્લા બે - ત્રણ દિવસથી ગરમીમાં વધારો જોવા મળેલ છે. જો કે આ વધારો હજુ સેમ્પલ છે. જેમ કે ગઈકાલે અમદાવાદ - ૪૩ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), રાજકોટ-૪૨.૭ ડિગ્રી (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), સુરેન્દ્રનગર-૪૩, કંડલા એરપોર્ટ - ૪૨.૬ અને ગાંધીનગરમાં ૪૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયેલ.  ચોમાસાની વાત કરીએ તો દક્ષિણ આંદામાનનો દરિયો તેમજ બંગાળની ખાડીના દક્ષિણના થોડા ભાગમાં ચોમાસુ બેસી ગયા બાદ ઉત્તર આંદામાનના દરિયામાં ગત ૨૫મીના થોડુ આગળ વધ્યુ હતું. હવે આ મહિનાની આખર એટલે કે તા.૨૯-૩૦ મે (બુધ-ગુરૂ) આસપાસ આંદામાનનો દરિયો, આંદામાનનો ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીના થોડા ભાગોમાં આગળ વધશે.

શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૮ મે થી ૩ જૂન સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે આ દિવસો દરમિયાન ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાન ૪૩થી ૪૫ની રેન્જમાં અને અમુક સેન્ટરોમાં પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની રેન્જમાં આવી જશે. પવન મુખ્યત્વે પશ્ચિમના રહેશે. ગુજરાત કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનું પ્રમાણ વધુ જોવા મળશે. સાંજે પણ પવનની ગતિ રહેશે. આગાહીના પાછલા દિવસોમાં પણ પવનનું જોર જોવા મળશે. તા.૩૧ મે થી ઉપલા લેવલની અસ્થિરતા વધશે. સવારે ભેજ વધશે. આગાહીના છેલ્લા દિવસોમાં સાંજના સમયે પણ ભેજનું પ્રમાણ વધુ જોવા મળશે. આ સમય દરમિયાન કેરળ અને કર્ણાટકમાં પ્રિ-મોન્સુન વરસાદ ૫ થી ૭ સે.મી. અને આંદામાન નિકોબાર ટાપુ ઉપર ૧૦ થી ૧૫ સે.મી. વરસાદ પડશે. તા.૩૦ મે આસપાસ નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયમાં સક્રિય બનશે.

(4:05 pm IST)