Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા જ બુલડોઝર ધણધણ્યા...

લાલપરી-રાંદરડા તળાવ વિસ્તારમાં ૧૫ કારખાનાઓનો કડૂસલો

૧૨૭થી ૧૨૦૦ ચો.મી. સુધીના ગેરકાયદે બાંધકામો દૂર કરીને રૂ. ૧.૨૧ અબજની જમીન ખુલ્લી કરાવાઈઃ સવારે ડીમોલીશન વખતે અધિકારીઓ - કારખાનેદારો વચ્ચે ઘર્ષણ થતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

રાજકોટઃ લાલપરી-રાંદરડા તળાવના સ્ત્રાવ ક્ષેત્રમાં ગેરકાયદે ઉભા થઈ ગયેલ ૧૫ જેટલા કારખાનાઓ ઉપર આજે વહેલી સવારે કોર્પોરેશનના ટી.પી. વિભાગે ત્રાટકી અને ગેરકાયદે બાંધકામ તોડી પાડયુ હતુ તે વખતની તસ્વીરમાં સ્થળ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલીશન હાથ ધરાયેલ તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૭ :. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા આજથી ઉઠી ગઈ છે. જેથી મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે આજે સવારે શહેરની ભાગોળે આવેલ લાલપરી - રાંદરડા તળાવના સ્ત્રાવ ક્ષેત્રમાં આવતા વિસ્તારોમાંથી ગેરકાયદે ખડકાઈ ગયેલ ૧૫ જેટલા કારખાનાઓ ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતુ અને કુલ ૧.૨૧ અબજની જમીન ખુલ્લી કરાવી હતી. સવારે ડીમોલીશન શરૂ થયુ ત્યારે કારખાનેદારો અને અધિકારીઓ વચ્ચે માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. જો કે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાતા બપોર સુધીમાં ડીમોલીશનનું કામ શાંતિપૂર્ણ રીતે થયુ હતું.

આ અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી સાગઠિયાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સામા કાંઠે વોર્ડ નં. ૬માં આવતા રાંદરડા તળાવ વિસ્તારમાં પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ એરીયા તેમજ દેવકીનંદન સોસાયટી, માધવ વાટીકા વગેરેમાંથી ૧૨૭ ચો.મી.થી લઈ ૧૩૯૩ ચો.મી. સુધીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા જે કુલ ૪૦,૪૩૮ ચો.મી. જમીન જેની કિંમત અંદાજે રૂ. ૧.૨૧૩.૧૪૦.૦૦૦ (એકસો એકવીસ કરોડ એકત્રીસ લાખ ચાલીસ હજાર)ની જમીન ખુલ્લી કરાવી હતી.

જે કારખાનાઓના બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા તેમાં પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં બાબુભાઈ બોરીચાનો વંડો તથા રૂમ, નયનભાઈનો વંડો, મનિષભાઈ ઢોલરીયાનો વંડો, કાંતીભાઈ સોરઠીયાની પ્લીન્થ અને અન્ય એક વંડો, જનકભાઈનો વંડો, વિભીષણભાઈનો વંડો, રઘુવીરભાઈ શેખવાળનું લેન્ટલ લેવલ સુધીનું બાંધકામ, મનીષભાઈ ઢોલરીયાનો સ્લેબ લેવલ સુધીનું બાંધકામ, મનીષભાઈ ઢોલરીયાનું દેવકીનંદન સોસાયટીમાં આવેલ મહિકા મેઈન રોડ પરનું લેન્ટલ લેવલ સુધીનુ બાંધકામ, માધવ વાટીકા મહિકા મેઈન રોડ વિનુભાઈનુ લેન્ટલ લેવલ સુધીનું બાંધકામ, પરશુરામ ઈન્ડ. એરીયામાં માધુબેન સિદ્ધપુરાનો વંડો, મનીષ ઢોલરીયાનો વંડો તથા અન્ય જગ્યાનો વંડો આમ આ તમામ મળી ઔદ્યોગીક હેતુના કુલ ૧૫ બાંધકામો તોડી પાડી ૪૦,૪૩૮ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસિ. ટાઉન પ્લાનર જે.જે. પંડયા, જી.ડી. જોષી, એ.એમ. વેગડ તથા આસિ. એન્જી. જયદીપ એસ. ચૌધરી, હર્ષલ દોશી, વિપુલ મકવાણા, એડી. આસિ. એન્જી. એમ.વી. રાઠોડ, સી.વી. પંડિત, અશ્વિન જી. પટેલ, વર્ક આસિ. જે.પી. ખાચર, રવિ ટાંક તથા સર્વેયર જે.એલ. હિરપરા, કે.કે. જોશી તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર ચૂસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

(3:31 pm IST)