Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

સ્વયંભુ શ્રી રામનાથ દાદાના સાંનિધ્યમાં કાલે શ્રી કાળ ભૈરવ જયંતિ- મહોત્સવ

ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ

રાજકોટઃ શિવમહાપુરાણની કથા પ્રમાણે ભગવાન શિવે સતીનું યજ્ઞમાં આત્મ સમર્પણ બાદ જટામાંથી શ્રી કાળ ભૈરવને પ્રગટ કરીને દક્ષના યજ્ઞનો વિધ્વંશ કરવામાં આવેલ. મહાકાલ અને કાળના પણ મહાકાળ એવા શ્રી કાળભૈરવ દાદાનું પ્રાગટય કારતક વદ ૮ને રોજ થયેલ છે. ભગવાન શિવે શકિતપીઠની રક્ષા માટે દરેક શકિતપીઠમાં શ્રી કાળ ભૈરવ- બટુક ભૈરવની સ્થાપના કરેલ છે. તેમજ દરેક શિવ મંદિરમાં પણ કાળભૈરવ- બટુક ભૈરવ સહિત અષ્ટાંગ ભૈરવ પણ વિરાજતાં હોય છે.

ગ્રામ્યદેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવની આજ્ઞાની અને કૈ.વા. મહંતશ્રી રતિગીરી મહારાજ કે.વા.મહંત શ્રી નારાયણગીરી બાપુ તથા કે.વો.મહંત શ્રી રમેશગીરી બાપુની અંતરિક્ષ આશીષથી તા.૨૭ શનિવારે સાંજે ૭ વાગ્યે શ્રી રામનાથદાદાના સાંનિધ્યમાં આજી નદી વચ્ચે શ્રી કાળભૈરવની સ્થાપના પૂજા- ધ્વજા આરોહણ થશે. રાત્રે ૮ વાગ્યે શાસ્ત્રી મનીષભાઈ ભટ્ટ દ્વારા યજ્ઞ પ્રારંભ થશે.

યજ્ઞમાં રામનાથ પરિવારના પરેશભાઈ પાટડીયા, વાસુભાઈ કારેલીયા, એડવોકેટ હિમાંશુભાઈ શીશાંગીયા, અમીતભાઈ ભેડા, મિલનભાઈ, નિશાંતગીરી, નયનભાઈ સૂચક અને વિનુભાઈ માળી યજમાન તરીકે બિરાજશે. રાત્રે ૧૧:૩૦ વાગ્યે અભિષેક બાદ મહાઆરતી અને મહાપ્રસાદ થશે. મહાપ્રસાદના યજમાનશ્રી વિનુભાઈ માળી, નયનભાઈ સૂચક, ચંદુભાઈ પ્રજાપતિ, કાળુભાઈ પાંધી, કોટીલાબાપુ, મુકેશભાઈ કોટડ તેમજ રામનાથ પરિવારના નામી અનામી અનેક ભકતો દ્વારા ગોઠવવામાં આવેલ છે. આ તકે મંદિરના મહંત શ્રી અરવિંદગીરી બાપુ (મો.૯૪૨૯૦ ૪૩૦૯૧) દ્વારા ભગવાન શિવના ઉપાસકોની મનની મનોકામના પૂર્ણ થાય અને સદાય વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવનાથી થયેલ આયોજનને સફળ બનાવવા અને દર્શન- પૂજા-પ્રસાદ વિ.નો લાભ લેવા નિમંત્રણ અપાયું છે.

(3:29 pm IST)