Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની નિગરાની હેઠળ વાર્ષિક રૂ. ૮ હજાર કરોડ ફાળવણીથી સર્વસમાવેશક વિકાસનો રોડ મેપ તૈયાર

શહેરોના વિકાસ કામોને વેગવંતા કરવા મ્યુ.ફાઇનાન્સ બોર્ડની ઝુંબેશઃ રાજકોટમાં સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાંટ સંબંધિત કામોની સમીક્ષા કરતાં ધનસુખભાઇ ભંડેરી

રાજકોટ તા.૨૬, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરીએ રાજકોટના સ્વામિનારાયણ ગુરુકૂળના સભાખંડમાં સૌરાષ્ટ્રનારાજકોટ ઝોનની ૩૦ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સભ્યો સહિતના પદાધિકારીઓ અને ચીફ ઓફિસર એન્જિનિયર સહિતના અધિકારીઓ સાથે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવેલ ગ્રાન્ટ અને સંબંધિત કામોની સમીક્ષા કરી વિકાસના કામોને  ઝડપથી પૂર્ણ કરવાની સાથે નાગરિક સુવિધાઓ ઉત્તમ થી સર્વોત્તમ કરવા કટિબદ્ધતા વ્યકત કરી હતી.

 શ્રી ધનસુખભાઇ ભંડેરીએ સૌરાષ્ટ્રના રાજકોટ ઝોનના ૩૦ નગરપાલિકાઓના હોદ્દેદારો અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોમાં સર્વ સમાવેશક  વિકાસ કાર્યો થાય તેમજ આ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ નગરપાલિકાઓને પૂરતું ફંડ આપી રહી છે. વાર્ષિક રૂપિયા ૮ હજાર કરોડની ફાળવણી થકી ઝડપી અને સાતત્યપૂર્ણ વિકાસનો રોડ મેપ તૈયાર કર્યો છે.

નગરપાલીકાઓને દર બે માસે જનરલ બોર્ડના બોલાવી લેવા અને નિયમાનુસારની ઝડપથી દરખાસ્તો રિજિયોનલ કમિશનર મ્યુનિસિપાલટી મારફત બોર્ડને મળી જાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.  તાજેતરના નવા પરિપત્રો અને ઠરાવોનો ઉલ્લેખ કરતાં  તેઓએ જણાવ્યું હતું જનભાગીદારી યોજનામાં  સરકારે ઉદાત વલણ દાખવ્યું છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવો અને ગટર લાઈનને મુખ્ય લાઈન સાથે જોડવા ઘરદીઠ રૂ. ૭૦૦૦ની મર્યાદામાં તેમજ ખાનગી સોસાયટી ભાગીદારી યોજનામાં કુટુંબ દીઠ ૨૫ હજારની સહાય નગરપાલિકાઓને મળવાપાત્ર થાય છે. આગવી ઓળખ યોજનામાં શહેરોની સાંસ્કૃતિક વિરાસત ઉજાગર કરવા સહિતના પ્રોજેકટો માટે કેટેગરી વાઇઝ  અ વર્ગની નગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, બ વર્ગને રૂપિયા  ૪કરોડ, ક વર્ગને રૂપિયા  ૩ કરોડ અને ડ વર્ગને રૂપિયા બે કરોડ સુધીની ગ્રાન્ટ મળશે. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરોના સર્વ સમાવેશક સમતોલ વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં ૩૮૪૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે કુલ ૮૪૦૦ કરોડની ફાળવણી સાથે આગવી ઓળખ યોજનામાં ૧૩૨૯ કરોડ તેમજ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અને ૧૪ અને ૧૫ માં નાણાપંચ સહિત વિવિધ યોજનામાંથી પૂરેપૂરું ફંડ નગરપાલિકાઓને આપવામાં આવી રહ્યું છે.

 કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ઝોન રિજિયોનલ કમિશનર શ્રીઘીમંતકુમાર વ્યાસે ઝોનની પ્રગતીશીલ કામગીરીની માહિતી આપી  હતી. બેઠકમાં રિજિયોનલ કચેરીના અધિક્ કલેકટર શ્રી ચૌધરી, ચીફ ઓફિસર શ્રી તીલક શાસ્ત્રી, બોર્ડની કચેરી ગાંધીનગરના શ્રી નટુભાઈ દરજી સેક્રેટરી, ભાવિનભાઈ,ધીરેનભાઇ સિદ્ધ સહિતના અધિકારીઓ અને નગરપાલિકાના હોદેદારોને ઉપસ્થિત રહ્યા હતા.

(2:46 pm IST)