Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઓ બાપરે! મોદીજીની એક દિ'ની મુલાકાત ગરીબોને ૭ દિ' રોજી પર લાતઃ કોંગ્રેસ

વર્ષ અગાઉ બે બાળકોનો ભોગ લેવાયા બાદ જામટાવર ચોકમાં મુકાયેલ સ્પીડબ્રેકરો તોડી નંખાયાઃ 'વિકાસ'નાં નામે 'વિનાશ' બંધ કરોઃ તંત્રની પ્રજા વિરોધી નીતિ સામે પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા લાલધુમ

ગાંધી મ્યુઝીયમના ભપકાદાર કાર્યક્રમના કારણે રાજકોટ આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની મુલાકાતે અનુલક્ષીને જિલ્લા સેવા સદનથી જામટાવર અને વર્કીંગ વુમન હોસ્ટેલ પાસે રોજીરોટી કમાવવા લારી-ગલ્લા રાખી ધંધો કરતા શ્રમિકોની લારી-ગલ્લાને સાત દિવસ ઉઠાવી લેવાની સુચના અપાતા રોડ સાવ ચોખ્ખો ચણાક થઇ ગયો છે, પરંતુ રોજનું લઇને રોજ ખાનારાઓના પેટ પર લાત લાગી છે. આ અંગે કોંગ્રેસે પણ આક્ષેપ લગાવ્યા છે ત્યારે અકિલાના ફોટોગ્રાફર સંદીપ બગથરીયાએ જામટાવર પાસેના સાફ રસ્તાની લીધેલ તસ્વીર નજરે પડે છે.

રાજકોટ તા.૨૬: મ્યુ.કોર્પોરેશનનાં તંત્ર વાહકો દ્વારા રાજકોટ આવી રહેલા વડાપ્રધાનનાં રૂટ ઉપરથી રેકડીઓ તથા  સ્પીડબ્રેકરો દૂર કરાતા. આ મુદ્દે પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ શાસકોની આ નીતિને પ્રજા વિરોધી ગણાવી અને વડાપ્રધાન એક દિવસની મુલાકાતથી ગરીબોની ૭ દિવસની રોજીરોટી છીનવવા સહિતના આક્ષેપો કર્યા છે.

આ અંગે ગાયત્રીબાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 'વિશ્વ વિભુતિ' રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધી જયાં પોતાના જીવનનું શૈશવકાળ વિતાવ્યું એવા અનેક સંસ્મરણો આ રાજકોટની પવિત્ર ભૂમિ સાથે સંકળાયેલા છેે. એવા સત્યને અહિંસાનાં પુજારી, સ્વચ્છતા અને સાદગીનાં આગ્રહી મહાત્મા ગાંધીનાં નામે શરૂ થનાર ભપકાદાર મ્યુઝિયમનાં લોકાર્પણ પ્રસંગે દેશનાં મા. વડાપ્રધાન શ્રી આવવાના હોય ત્યારે તે કાર્યક્રમનાં સાત દિવસ પહેલા જામટાવર ચોક, ધરમ સિનેમા ચોક જેવા વિસ્તારમાં રોજબરોજની રોજી રોટી કમાતા નાના ધંધાવાળા પાણી પુરી તેમજ ખાણી-પીણીના રેંકડી ધારકો, ચા ની લારીવાળા, બૂટ પોલીસ અને સાયકલ પંચર કરતા નાના થેલાવાળાઓ રોડ ઉપર ખુરશી નાખી નાની બાલ-દાઢી કરતાં નાના ધંધાવાળાઓ સહિતના ૭૦ થી ૮૦ ધંધાર્થીઓને તા.રપ થી તા. ૩૦ સુધી પોતાનાં ધંધા રોજગાર બંધ રાખવાનું સરકારી તંત્ર દ્વારા શાહી ફરમાન કરવામાં આવ્યું છે.

આમ નાના ધંધાર્થીઓ ઉછીના - ઉધાર પૈસા લાવી પોતાનો ધંધો કરતા હોય છે ત્યારે પાંચ દિવસ સુધી તેમની રોજી રોટી બંધ રહેતા મોંઘવારી માં તેમનું જીવન દોહલ્યું બને છે અને દેણા નીચે દબાઇ જાય છે. ત્યારે શાસકો મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને સમજવામાં ઉણા ઉતર્યા છે. તેવું સ્પષ્ટ લાગે છે.

એટલુ જ નહીં જામટાવર ચોક પાસે ભુતકાળમાં બે ગંભીર અકસ્માતનાં બનાવો બનેલા જેમાં એક ૧૭ વર્ષનો યુવાન અને એક સ્કુલે જતી વિદ્યાર્થીનીનો અકસ્માતમાં મૃત્યુ પામેલ.

ત્યારબાદ આ વિસ્તારના લોકો અને સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રસિંહ જાડેજા, જનકભાઇ કોટક, વિગેરે દ્વારા રોડ ચક્કા જામ કરી સ્પીડબ્રેકરો મુકવા માટે મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. અને પછી આ ચોકમાં ગતિ નિયંત્રક સ્પીડ બ્રેકરો મુકાયા હતા. ત્યારથી અકસ્માતોના બનાવોમાં ઘટાડો થયો હતો.અને હવે તંત્રે ભયંકર લાપરવાહી દાખવી આ સ્પીડ બેકરો પણ દુર કરી દીધા છે આ ચોકની ભૌગોલિક રચના જ એવી છે કે જામનગર તરફથી આવતા મોટા વાહનો તેમજ જામટાવર તરફથી આવતા મોટા વાહનોની સ્પીડ સ્વભાવીક રીતે જ વધુ હોય ત્યારે માનવ જીવનને જોખમમાં મુકીને પણ ભપકાદાર આયોજનો પાર પાડવાનો તંત્રનો મનસુબો હોય તેવુ સ્પષ્ટ થાય છે. તેમ નિવેદનના અંતે ગાયત્રીબાએ જણાવ્યું છે.

(4:27 pm IST)