Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સામે કલમ ૧૪૪ના ભંગનો ગુન્હો દાખલ કરવા અંગે કલેકટર કોંગ્રેસને લેખિત જવાબ આપશે

સોમનાથથી રાજકોટ સુધીની સી.આર. પાટીલની રેલીમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમ ભંગ અંગે ગુન્હો દાખલ કરવા અગાઉ કરાયેલ રજુઆત માટે આજે ફરીથી વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ કલેકટરને રજૂઆત કરી ઉપવાસ આંદોલનની ચીમકી આપીઃ લેખીતમાં જવાબ આપવા ખાત્રી આપી

રાજકોટ, તા. ર૬ : શહેરમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સ્વાગત માટે શહેર ભાજપ દ્વારા રેલી યોજાયેલ તેમાં માસ્ક સોશ્યલ ડીસ્ટન્સીંગ અને કલમ ૧૪૪ના સહિતના નિયમોનો ભંગ થયો હોઇ આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સામે ગુન્હો નોંધવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ થોડા દિવસ અગાઉ કલેકટરશ્રીને રજૂઆત કરી હતી.

જેમાં કોઇ કાર્યવાહી નહીં થતાં આજે વશરામભાઇએ ફરીથી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી અને આ બાબતે લેખીતમાં જવાબ નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી આપેલ. જો કે કલેકટશ્રીએ આ અંગે બે દિવસમાં લેખીતમાં જવાબ આપવા ખાત્રી આપ્યાનું શ્રી સાગઠીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

આ અંગે શ્રી સાગઠીયાએ યાદીમાં જણાવ્યું છે કે સોમનાથથી રાજકોટ સુધીની યાત્રાની જવાબદારી ભાજપે જે જે લોકોને જવાબદારી આપેલ છે તે તમામ  જીલ્લાના પ્રમુખો, તાલુકા પ્રમુખો, અને આગેવાનોએ એપેડેમિક એકટનો જે જે તાલુકા જિલ્લામાં ભંગ કરેલ છે તે તમામ જગ્યાના કલેકટરશ્રીઓ કમીશનરશ્રીઓને અમે આ આવેદન રૂપે ફરીયાદ દાખલ કરવાની પણ જાણ કરીએ છીએ. સોમનાથથી રાજકોટ સુધીના તમામ જગ્યાના વિડીયો રેકોર્ડિંગ કલીપીંગ ન્યુઝ મીડીયાના રેકોર્ડિંગ સોશિયલ મીડીયા દ્વારા પ્રકાશિત થયેલ આ આધારપુરાવા જગજાહેર છે. તેમ છતા જો આ પુરાવા અમારી પાસે માંગશે તો અમે આપવા તૈયાર છીએ તેવી અમારી અગાઉની આવેદનરૂપે આપેલ ફરીયાદ અંગે અમો સીપી.અને એસ.પી.સાથે ચર્ચા કરી જરૂરી કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ જણાવેલ પરંતુ આજદીન સુધીમાં કોઇ લેખિત મૌખિક કોઇ જ પ્રત્યુતર મળેલ નથી તેથી આ આવેદનથી ફરી કલેકટરશ્રી સમક્ષ આ અંગેનો પ્રત્યુતર લેખિતમાં માંગીએ છીએ અને યોગ્ય જવાબ નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉપવાસ/ધરણા ઉપર બેસવું પડશે. તેવી રજુઆત કરાઇ હતી આથી કલેકટરશ્રીએ બે દિવસમાં લેખીત જવાબ આપવા ખાત્રી આપ્યાનું શ્રી સાગઠીયાએ યાદીના અંતે જણાવ્યું છે.

(4:10 pm IST)