Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

'કોવીડ' હોસ્પિટલોના નામે થતી લૂંટ પર લગામ લાવો : કોંગ્રેસ

હોટલોમાં કોવિડ કેર સેન્ટર નામે રૂ. ૮૦૦માં ભાડે મળતા રૂમ સામે ૮૦૦૦નું બીલ ! : સારવારના નામે મીંડુ : ઓકસીજન - વેન્ટીલેટરની સુવિધા સામે પણ પ્રશ્નાર્થ : કોવિડ સેન્ટરોમાં સારવાર લેતા દર્દીના કેસ પેપર અને મેડિકલ ઓડિટ તથા બીલનું પણ ઓડિટ કરાવવા કલેકટરને આવેદન પત્ર પાઠવતા ડો. હેમાંગ વસાવડા સહિતના આગેવાનો

રાજકોટ તા. ૨૬ : શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નિકળેલી 'કોવિડ' હોસ્પિટલોમાં કોરોના નામે પ્રજાની લુંટ થઇ રહી હોવાનો આક્રોશ વ્યકત કરી અને આવી લુંટ બંધ કરાવવા આજે શહેર કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી માંગ ઉઠાવી હતી.

આ અંગે કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાની યાદીમાં જણાવાયું છે કે, હાલમાં કોરોનાની મહામારીમાં પ્રજાને ડરાવી લૂંટવાનું કારસ્તાન કરતી હોસ્પિટલોને છુટો દોર આપી સરકારે ષડયંત્ર કર્યું હોય તેવું દેખાય છે.

હોસ્પિટલો દ્વારા હોટેલોમાં હોસ્પિટલ ખોલવામાં આવી છે. જ્યાં ઓકસીજન, વેન્ટીલેટર, ડીફીબ્રીલેટર જેવી કોઇ સુવિધા હોતી નથી. ૮૦૦ રૂ.માં રૂમ આપતી હોટેલો ૮૦૦૦ રૂપિયા દર્દી પાસેથી વસુલે છે અને સારવારને નામે મીંડું હોય છે.

ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડો. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રદિપ ત્રિવેદીએ કલેકટરને રજૂઆત કરી આવા 'લૂંટ' કેન્દ્ર બંધ કરવા માગણી કરી છે. આ ઉપરાંત સારવાર લઇ રહેલા અને લઇ ચુકેલા દર્દીઓના કેસ પર મેડીકલ ઓડિટ કરાવવા અને બીલો પણ ઓડિટમાં લેવા માગણી કરી હતી.

(4:09 pm IST)