Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

લોકડાઉનમાં મજૂરી ન મળતાં ઝાડવે ચડી ડેલામાં ત્રાટકી ચોરી કરીઃ પણ ચોરાઉ માલ વેંચી ન શકયા!

અટિકાના કોૈશલ સ્ટીલમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ રણછોડ, કિશન અને હમિર ઉર્ફ કઠરો લેપટોપ-ટીવી વેંચવા નીકળતાં માલવીયા ફાટક પાસે પકડાયા

રાજકોટ તા. ૨૬: લોકડાઉન વખતે અટીકામાં આવેલા કોૈશલ સ્ટીલ નામના મનોજભાઇ નટવરલાલ કારીયાના કારખાનામાં ઓફિસની બારી તોડી અંદર ઘુસી કોઇ લેપટોપ અને ૩૨ ઇંચનું ટીવી ચોરી ગયું હતું. ચોરીની જાણ કારખાનુ બંધ હોવાથી કારખાનેદારને મોડી થઇ હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી ત્રણ શખ્સોને પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે. લોકડાઉનમાં મજુરી કામ ઠપ્પ થતાં ત્રણેય  કારખાનાના વંડા પાસે આવેલા ઝાડ પર ચડી ત્યાંથી અંદર કુદી ઓફિસની બારી તોડી ચોરી કરી આવ્યા હતાં. પરંતુ નવા નિશાળીયા હોવાથી ચોરાઉ ટીવી અને લેપટોપ વેંચી શકયા નહોતો. હવે અટીકા માલવીયા ફાટક પાસે આ ચોરાઉ માલ વેંચવા આવતાં ઝડપાઇ ગયા હતાં.

પોલીસે રણછોડ કિશનભાઇ લોલારીયા (દેવીપૂજક) (ઉ.વ.૨૧-રહે. ઢેબર કોલોની પાસે, શિવાભાઇની સાથે, મુળ લોલાડા તા. શંખેશ્વર) તથા બે સલાટ શખ્સો કિશન રતીભાઇ રાઠોડ (ઉ.૨૧-રહે. ઢેબર કોલોની સુર્યવંદના ટ્રાન્સપોર્ટવાળી શેરી) તથા હમીર ઉર્ફ કઠરો રામાભાઇ રાઠોડ (ઉ.૨૦-રહે. સુર્યવંદના ટ્રાન્સપોર્ટવાળી શેરી)ને પકડી લઇ ચોરાઉ ટીવી અને લેપટોપ કબ્જે કર્યા છે. રણછોડ શાકભાજી વેંચે છે અને બીજા બે છુટક મજૂરી કરે છે. લોકડાઉન વખતે મજૂરી મળતી બંધ થતાં ત્રણેયે ડેલામાં ઝાડવા પરથી ત્રાટકી ચોરી કર્યાનું કબુલ્યું  છે. જો કે ચોરાઉ વસ્તુ વેંચવામાં સફળતા મળી નહોતી.

હવે આ માલ વેંચવા નીકળ્યાની બાતમી એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને મળતાં પીઆઇ વી. કે.ગઢવીની રાહબરીમાં જેને બાતમી મળી એ ત્રણેય તથા ટીમના જે. ડી. મેવાડા, એભલભાઇ બરાલીયા, સોકતભાઇ ખોરમ, તોરલબેન સહિતે ત્રણ આરોપીને પકડી લીધા હતાં.

(3:29 pm IST)