Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

કે.ડી.આર.ના નામે લાખોની ઠગાઇમાં કરિશ્મા બુંબીયા સાથે સંકળાયેલા તમામ લોકોની તપાસ કરવા માંગણી

છેતરાયેલા લોકો વતી ૧૦ જણાએ પોલીસ કમિશનરને રજૂઆત કરીઃ કરિશ્માએ મંડળી પણ ખોલી હતીઃ તેના હોદ્દેદારોની પણ તપાસ કરવા અને બચતકારોને નાણા પાછા અપાવવા માંગણી

રાજકોટ તા. ૨૬: દૂધની ડેરી પાસે ઓફિસ ખોલી કે.ડી.આર.ના નામથી અલગ-અલગ બચત સ્કીમો ચાલુ કરી અનેક લોકો પાસેથી નાણા ઉઘરાવી લાખોની ઠગાઇ કરનારા બજરંગવાડી પુનિતનગર-૨ના દંપતિ મહમદઅહેમદ મહમદઇસ્માઇલભાઇ બુંબીયા અને કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અહેમદ  બુંબીયા વિરૂધ્ધ થોરાળા પોલીસે ઠગાઇનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં લોકડાઉન વખતે બંને પતિ પતિ ફરાર થઇ ગયા હતાં અને એ પછી ગયા મહિને આ બંનેની ધરપકડ થઇ હતી અને કોર્ટ હવાલે થતાં બંનેને જેલમાં ધકેલાયા હતાં. પોલીસ આ બનાવમાં કોૈભાડકારોને મદદ કરનારા સામે પણ પગલા લઇ નાના બચતકારોના કરોડો રૂપિયા પાછા અપાવે અને તટસ્થ તપાસ થાય તેવી રજૂઆત પોલીસ કમિશનરને છેતરાયેલા લોકો વતી ૧૦ બચતકારોએ રજૂઆત કરી છે.

એઝાઝ સાજીદભાઇ અંતરીયા, ફૈઝલ કાદરી, અખ્તર યુસુફભાઇ બ્લોચ, ઇમરાન સોરઠીયા, અસલમ અબ્દુલગફાર બાવાણી, આસીફ ઇશાણી, ઇમરાન કુરેશી, રેશ્માબેન ખેરાણી, વહીદાબેન ફારૂકભાઇ અને નસીમબેન કાદરીએ રજૂઆત કરી જણાવ્યું  છે કે થોરાળામાં અમો ફરિયાદીએ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધાવ્યો હતો. તેમાં પાછળથી પોલીસે આઇપીસી કલમ ૪૦૯ સહિતનો ઉમેરો કર્યો હતો. ઠગાઇના આરોપીઓ કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અને તેના પતિ મહમદઅહેમદ બુંબીયાની થોરાળા પોલીસે ૧૩/૭ના રોજ ધરપકડ કરી હતી. આરોપીઓના રિમાન્ડ પણ મંજુર થયા હતાં. પરંતુ પોલીસ કોઇપણ જાતની રકમની રિકવરી કરી શકી નહોતી તેમ રજૂઆતમાં જણાવાયું છે.

આ બંનેએ લોકોને અલગ-અલગ અવનવી સ્કીમો જણાવી ઠગાઇ કરી હતી. કેડીઆર એન્ટરપ્રાઇઝ, ડેઇલી બચત, ફિકસ ડિપોઝીટ સહિતની સ્કીમોમાં નાના માણસો, ધંધાર્થીઓએ બચત કરી હતી. કે.ડી.આર. ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીની સ્થાપના પણ તેણે કરી હતી. જેમાં હોદ્દેદારો-સભ્યોમાં કરિશ્માબેન બુંબીયા (પ્રમુખ), મુનાફભાઇ પુંજાણી (ઉપપ્રમુખ), અલ્તાફ કાસમાણી (મંત્રી), જગદીશભાઇ સોની (સભ્ય), હિતેષભાઇ બડમલીયા (સભ્ય), શ્રીમતી જાહીદાબીબી મેમણ (સભ્ય), શ્રીમતિ જ્ઞાનિબેન છતારણી (સભ્ય), સલમાબેન શાહમદાર (સભ્ય), નરગીશબેન ડોસાણી (સભ્ય), ફરઝાનાબેન સમાના (સભ્ય), અબ્દુલકાદીર બુંબીયા (કરિશ્મા અને મહમદઅહેમદનો પુત્ર) (સભ્ય)ની નિમણુંક થઇ હતી. આ તમામની પણ પોલીસે પુછતાછ કરવી જરૂરી છે અને સેંકડો લોકો પાસેથી ઉઘરાવેલા લાખો રૂપિયા કયાં છુપાવ્યા? તેની માહિતી મેળવવી જરૂરી છે. પોલીસને પણ પકડાયેલા બંને આરોપીએ ગેરમાર્ગે દોરી હોય તેવું લાગે છે. ઉંડી અને તટસ્થ તપાસ થાય તો છેતરાયેલા બચતકારોને પોતાની ગુમાવેલી બચત પાછી મળી શકે તેવી આશા છે. તેમ વધુમાં રજૂઆતમાં જણાવી કોૈભાંડમાં જે કોઇ સામેલ હોય તે તમામ સામે પગલા લેવામાં માંગણી કરવામાં આવી છે.

(3:29 pm IST)